Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

જ્યોતિષી, બાબાઓ, તાંત્રિકોથી સાવધાન...જાહેર ખબર આપનારા ખુદ જ પાખંડીઃ યુપીની ટોળકીના બે ઝડપાયા

રાજકોટના પ્રમુખ આર્કેડના બીજા માળે ગુરૂ અમનજી, ગુરૂ સુલતાનજીના નામે ઘરકંકાશ, પતિ-પત્નિ અનબન, સાસુ-વહૂના ઝઘડા, જાદૂ-ટોના, એકતરફા પ્રેમ, નિઃસંતાનપણુ, વશીકરણ માત્ર ૧૫૧માં કરી આપવાની જાહેરાત વાંચી આકર્ષાયેલા બે મિત્રોએ ૧૦ાા લાખનું સોનુ ગુમાવવાનો મામલો : વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ આર. સી. કાનમીયા અને સ્ટાફે પિડીત બનીને સમસ્યાના નિકાલ માટે ડમી ગ્રાહક તરીકે પહોંચી બહુનામધારી યુપીના ખલીલ મલિક અને જાકીરઅલી મલિકને ઝડપી લીધાઃ રાજકોટમાં ૪ થી ૫ મહિના દરમિયાન બે મહિલાઓ પાસેથી ૬૦ ગ્રામ સોનુ, મોરબીના કાકા ભત્રીજા પાસેથી રોકડા, રાજકોટની અન્ય એક મહિલા પાસેથી ૬૫ ગ્રામ સોનુ, દંપતિ પાસેથી ૫૦ ગ્રામ અને અન્ય યુવતિ પાસેથી ૫૦ ગ્રામ સોના સહિત ૬ સાથે ઠગાઇ કર્યાની કબુલાતઃ માધ્યમોમાં ગુરૂ અમનજી, ગુરૂ સુલતાનજીના નામે જાહેર ખબરો આપી નબળા મનના લોકોની સંવેદનશીલતાને ઉશ્કેરી ખંખેરતા

પત્રકારોને માહિતી આપતા પોલીસ કમિશ્નર અગ્રવાલ, જેસીપી ખત્રી સહિતના અધિકારીઓ તથા બાજુની તસ્વીરમાં બંને ધૂતારા-પાખંડીઓ સાથે ક્રાઇમ બ્રાંચ અને એ-ડિવીઝનની ટીમ તથા નીચેની તસ્વીરોમાં સામાન્ય માણસોની લાગણીને ઉશ્કેરતી જાહેરાતો કરતાં વિઝીટીંગ કાર્ડ જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૩: માત્ર ૧૫૧ રૂપિયામાં ઘરકંકાશ, પતિ-પત્નિ અનબન, સાસુ-વહૂના ઝઘડા, જાદૂ-ટોના, એકતરફા પ્રેમ, નિઃસંતાનપણુ, વશીકરણ, વિદેશ યાત્રા, મોડેલિંગમાં રૂકાવટ, કર્જ મુકિત, રિસાયેલાઓને મનાવવા, છુટાછેડા, લગ્નબાધાનું સમાધાન કરી આપવાની માધ્યમોમાં જાહેર ખબરો આપી નબળા મનના લોકોની સંવેદનશીલતા ઉશ્કેરી સોના-ચાંદીના દાગીના અને રોકડ ખંખેરી લેતાં મુળ યુપીના બહુનામધારી ઠગોને રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટૂકડીએ ડમી ગ્રાહક બની વડોદરાના સયાજીગંજમાંથી ઉઠાવી લીધા હતાં. ઉલ્લેખનિય છે કે રાજકોટના રાજેશ રૂપાપરા અને તેના મિત્ર જગદીશ પીઠવાને પણ આ ટોળકીએ પ્રમુખ આર્કેડમાં ઓફિસ ભાડે રાખી ત્યાં બોલાવી નડતર દૂર કરવાની વિધીના બહાને રૂ. ૧૦II લાખના સોનાની છેતરપીંડી કરી હતી. આ ટોળકીને ત્વરીત ગતિએ ઝડપી લેવામાં આવી છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આ કાર્યવાહી બદલ ટૂકડીને ૧૫ હજારનું ઈનામ જાહેર કર્યુ છે.

આજે આ બારામાં વિગતો આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં પોલીસ કમિશ્નર અગ્રવાલે જણાવ્યું હતું કે રાજકોટ શહેર અને ગુજરાતના અલગ-અલગ શહેરોમાં ઓફિસ ભાડે રાખી તંત્ર-મંત્ર અને જ્યોતિષ વિદ્યાના જાણકાર હોવાની શહેરની લોકલ કેબલ ચેનલમાં તથા કાર્ડ મારફતે જાહેરાતો કરી તેમની સમસ્યાના નિરાકરણ માટે પૂજા કરવાના બહાને સોનાના દાગીના તથા રોકડ લઇ ખીલીઓ અને ઇમિટેશનના દાગીના પધરાવી દઇ છેતરપીંડી થયાની ફરિયાદને પગલે ક્રાઇમ બ્રાંચને કામે લગાડવામાં આવી હતી. આ અંતર્ગત એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર. સી. કાનમીયા, જયસુખભાઇ હુંબલ, બિપીનદાન ગઢવી, સ્નેહ ભાદરકા, રવિરાજસિંહ પરમારની ટૂકડીને ચોક્કસ મોબાઇલ નંબર ઉપર ફોન કરી ગ્રાહક બનાવી વડોદરા મોકલવામાં આવી હતી. જેને સફળતા મળી છે.

આશીફ ઉર્ફ કુબેર ઉર્ફ સોનુ ઉર્ફ પ્રદિપ ઉર્ફ અમનજી ઉર્ફ અરમાનજી ઉર્ફ કબીરજી ઉર્ફ ઉબેદ હનીફ ઉર્ફ મલિક ઉર્ફ ખલીલ અહેમદ મલિક (ઉ.૨૪-રહે. હાલ વડોદરા, જ્યુબીલી બાગ સરદાર ભવનનો ખાંચો સાઇનાથ કોમ્પલેક્ષ ૩૦૧-મુળ શિકરી ખુર્દ ઢલાયવાળી શેરી મકાન નં. ૧૦૭, મોદીનગર જી. ગાઝીયાબાદ યુપી) તથા ઝાકીરઅલી નુરમહમદ મલિક (તૈલી) (ઉ.૪૮-રહે. રશીદનગર ઢલાયવાળી ગલી ૧૬૪, તા. મેરઠ યુપી)ને ઝડપી લીધા હતાં.

આ બંને જે રૂમમાં હતાં ત્યાં સાઇબાબાની મોટી છબીઓ અને અન્ય ધાર્મિક પ્રતિકો લગાવી રૂમમાં ઘેરા બ્લૂ રંગનો પ્રકાશ રેલાવી પ્રશ્નો લઇને આવતા સામાન્ય લોકોને ભરમાવવાનો પુરેપુરી ગોઠવણી કરેલી નજરે પડી હતી. આ રૂમની તલાશી લેતાં પીળી ધાતુના સોના જેવા દેખાતા બીસ્કીટ નંગ ૩, મોબાઇલ ફોન-૭, રોકડા રૂ. ૭૧૩૦, બનાવટી આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ સહિતની છેતરપીંડીમાં ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ મળી આવી હતી.

ઝડપાયેલો આશીફ ઉર્ફ ખલીલ અહેમદ મલિક ચારેક વર્ષ પહેલા સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં તંત્ર-મંત્ર વિધીના બહાને સોનાના દાગીના પડાવવાના ગુનામાં પકડાયેલો છે. જ્યારે ઝાકીરઅલી યુપીના મેરઠમાં થયેલી મારામારીમાં વોન્ટેડ છે. બંનેએ અમદાવાદ, દાહોદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં ઓફિસો ભાડે રાખી લોકલ કેબલમાં જાહેરાતો આપી લોકોને ખંખેર્યા છે.

આ બંનેની અટકાયત કરી રાજકોટ લાવવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં બંનેએ રાજકોટમાં છથી વધુ લોકોને છેતર્યાનું કબુલ્યું છે. જેમાં રાજેશ પટેલ અને જગદીશ પીઠવા સાથે ૧૦ાા લાખની ઠગાઇ, હંસાબેન નામના મહિલા સાથે ૬૦ ગ્રામ સોનાની ઠગાઇ, મોરબીના પ્રદિપભાઇ અને તેના કાકા પાસેથી ૨૦ હજારની રોકડ, રાજકોટના શિવાનીબેન સાથે ૬૫ ગ્રામ સોનાની, એક દંપતિ પાસેથી ૫૦ ગ્રામ સોનાની અને શિલ્પાબેન નામી મહિલા પાસેથી ૫૦ ગ્રામ સોનાની ઠગાઇ તાંત્રિકવિધીના નામે કરી હોવાનું બહાર આવ્યું છે.

આ પાખંડીઓએ રાજકોટ સહિત સોૈરાષ્ટ્રમાં વધુ ગુના આચર્યાની શંકા પણ પોલીસ કમિશ્નરશ્રીએ દર્શાવી છે. જો કોઇ ભોગ બન્યુ હોય તો ક્રાઇમ બ્રાંચનો ફોન ૦૨૮૧ ૨૪૪૪૧૬૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. ધૂતારાઓને પકડવા માટે ફોજદાર કાનમીયા અને સંજયભાઇ રૂપાપરા ગ્રાહક બન્યા હતાં અને મયુર પટેલ રિક્ષાવાળા તથા ચોકીદાર તરીકે રવિરાજસિંહ, જગમાલ ખટાણા ચાવાળા બન્યા હતાં. રાજકોટના ગુનામાં અન્ય બે શખ્સો નદીમ અને જીબરાનની શોધખોળ ચાલુ છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાની સુચના મુજબ પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ આર. સી. કાનમીયા, પીએસઆઇ મહાવીરસિંહ જાડેજા, પીએસઆઇ વનરાજસિંહ જાડેજા, પીએસઆઇ રબારી, એ-ડિવીઝનના પીએસઆઇ એસ. વી. સાખરા, હેડકોન્સ. ભરતસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ જાડેજા સહિતે પત્રકાર પરિષદમાં હાજરી આપી હતી. (૧૪.૧૨)

(3:50 pm IST)