Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

પોલીસ બાતમીદાર હોવાની શંકાએ ભીલ યુવાનની હત્યા કરી લાંબા સમયથી ફરાર બુટલેગર મેબલો હથીયારો સાથે ઝડપાયો

ઉનાવા ખાતે ચાલતાં ઉર્ષમાં હોવાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચનો કાફલો મુસ્લિમ વેશે પહોંચ્યો પણ ત્યાંથી હાથતાળી આપી ગયોઃ રૈયા ચોકડી નજીક હોવાની ફરીથી બાતમી પરથી બે સાગ્રીત કૃણાલ ઉર્ફ કિશન ગંગદેવ અને મોહસીન ઉર્ફ રાજુ સફીયા સાથે દબોચાયોઃ પીએસઆઇ મહાવીરસિંહ બી. જાડેજા અને ટીમની કામગીરીઃ હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ અને યોગેન્દ્રસિંહ જાડેજાની સંયુકત બાતમીઃ ૧૦ હજારનું ઇનામ આપતાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ

ઝડપાયેલા ત્રણેય શખ્સો સાથે ક્રાઇમ બ્રાંચની ટીમ અને કબ્જે થયેલા હથીયારો (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૩: ગયા મહિને ૨૦મી તારીખે એ. જી. સ્ટાફ કવાર્ટર પાસે આવેલ બાજીશાહ પીરની દરગાહ પાસે મહેબૂબ પઠાણ ઉર્ફ મેબલા આણી ટોળકીએ ગાંધીગ્રામના ભીલ યુવાન પ્રતિક મે ઉપર તે પોલીસનો બાતમીદાર હોવાની શંકા કરી હીચકારો હુમલો કરી મરણતોલ માર માર્યો હતો. જેમાં દિવસોની સારવાર બાદ પ્રતિકનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો. દારૂ સહિતના અસંખ્ય ગુનાઓમાં સંકળાયેલા મહેબૂબે પોલીસને સીધી ચેલેન્જ ફેંકી હોવાનું ચિત્ર ઉપસ્યું હતું. જેને કારણે અધિકારીઓએ સતત તેનું પગેરૂ દબાવવાનું શરૂ કર્યુ હતું. જેમાં ત્રણ-ચાર વાર નિષ્ફળતા મળ્યા બાદ આખરે મોડી રાત્રે તેને સાગ્રીતો અને હથીયારો સાથે ઝડપી લેવાયો હતો.

આજે પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા કોઇપણ અસામાજીક તત્વોની બાતમી આપતા કોઇપણ જરાપણ અસલામતિ ન અનુભવે. આવા બાતમીદારોની ગુપ્તતાને પોલીસ પુરેપુરી જાળવી રાખશે.

હુમલાની ઘટનામાં પ્રતિક ઉપરાંત તેના મિત્રો પણ ઘાયલ થયા હતાં. જેમાં પ્રતિકે અમદાવાદ હોસ્પિટલમાં દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. હત્યામાં ફરાર ગાંધીગ્રામનો બુટલેગર મહેબૂબ ઉર્ફ મેબલો ઉનાવા ખાતે ચાલતાં ઉર્ષમાં હોવાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાંચની ટીમ મુસ્લિમ વેશ ધારણ કરી ત્રાટકી હતી. પણ ત્યાંથી મેબલો હાથતાળી આપી પોતાના સાગ્રીતો સાથે છટકી ગયો હતો. દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમે ગત મોડી રાત્રે બે વાગ્યા આસપાસ ચોક્કસ બાતમી પરથી રિક્ષા નં. જીજે૧૦ટીડબલ્યુ-૦૦૯૬માં નીકળેલા ગાંધીગ્રામ ધરમનગર આવાસ યોજના કવાર્ટર બી-૨૬ કવાર્ટર નં. ૭૬૪માં રહેતાં મહેબુબખાન ઉર્ફ મેબલો હુશેનભાઇ પઠાણ (ઉ.૪૧), મીરાનગર-૩ પિતૃકૃપા ખાતે નિલેષભાઇ ભરવાડના મકાનમાં રહેતાં કૃણાલ ઉર્ફ કિશન અરવિંદભાઇ ગંગદેવ (ઉ.૨૬) અને જામનગર નવાગામ ઘેડમાં ડેન્ટલ હોસ્પિટલ પાછળ રહેતાં મોહસીન ઉર્ફ રાજુ અનવરભાઇ સફીયા (ઉ.૨૦)ને પકડી લીધા હતાં.

રાત્રી પેટ્રોલીંગ દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમના હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ અને યોગેન્દ્રસિંહ જાડેજાને સંયુકત બાતમી મળતાં પીએસઆઇ મહાવીરસિંહ બી. જાડેજા, એએસઆઇ આર. બી. જાડેજા, હેડકોન્સ. પ્રતાપસિંહ ડી. ઝાલા, ચેતનસિંહ ચુડાસમા, કોન્સ. કુલદીપસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા, અમિતભાઇ ટુંડીયા, દિલીપભાઇ રત્નુ સહિતે રૈયા ચોકડી ૧૫૦ રીંગ રોડ પર વોચ રાખી ત્રણેયને પકડી લઇ રૂ. ૧૦ હજારની પિસ્તોલ, ચાર જીવતા કાર્ટીસ રૂ. ૪૦૦ના તથા ત્રણ છરીઓ મળતાં ગુનો નોંધી પોણા લાખની રિક્ષા સહિત કુલ રૂ. ૮૫૪૩૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ બારામાં આજે ડીસીબી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ ૨૫ (૧-બી), એ તથા જીપીએકટ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે. ઝડપાયેલો મહેબૂબખાન હુશેનખાન પઠાણ ઉપરાંત હત્યા ઉપરાંત યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના વિસ્તારમાંથી બોલેરો સહિત દારૂનો જથ્થો ઝડપાયો હતો તે ગુનામાં તે વોન્ટેડ હતો. ઉપરાંત ૧૨ બોરની બંદૂક અને કાર્ટીસ ગેરકાયદે રાખવાના ગુનામાં તેમજ ૭.૫૬ લાખના દારૂના ગુનામાં તેમજ જામનગરના ધ્રોલના દારૂના ગુનામાં પણ વોન્ટેડ હતો. રાજકોટ શહેર ઉપરાંત અમરેલી, રાજકોટ રૂરલમાં પણ વોન્ટેડ હતો.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ એચ. સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની સુચના અને રાહબરી હેઠળ પીએસઆઇ મહાવીરસિંહ બી. જાડેજા અને તેમની ટીમે આ કામગીરી કરી હતી.  પોલીસ કમિશ્નરશ્રી અગ્રવાલએ પીએસઆઇ મહાવીરસિંહ જાડેજાની ટીમને રૂ. ૧૦ હજારનું ઇનામ આ કામગીરી કરવા સબબ આપ્યું છે. (૧૪.૧૦)

(3:49 pm IST)