Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

મેડીકલ પ્રવેશ માટેની નીટનું પ્રશ્નપત્ર લાંબુ અને અઘરૂ લાગ્યાની ફરીયાદ

કોરોનાને કારણે ગત વર્ષે નીટનું પ્રશ્નપત્ર સરળ હતું: આ વર્ષે ફીઝીકસ વિભાગમાં પરીક્ષાર્થી મુંજાયા

રાજકોટ તા. ૧૩: મેડીકલ અને ડેન્ટલ સહિતના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લેવાતી યુજી નીટની પરીક્ષા ગઇકાલે યોજાઇ હતી. જેમાં ગુજરાતમાં સરેરાશ ૮૦ ટકા  પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી.

ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે નીટ યુજીની પરીક્ષાનું પ્રશ્નપત્ર થોડું લાંબુ નીકળ્યું તો હજારો વિદ્યાર્થીઓને ફીઝીકસ વિભાગમાં પ્રશ્નો ઉત્તર આપવામાં સમય માગી લે તેમજ અઘરા લાગ્યા હતા.

નીટ યુજી પરીક્ષામાં વિદ્યાર્થીઓને પેપર લાંબુ અને ફીઝીકસ સેકશનના પ્રશ્નો અઘરા લાગ્યા હોવાની ફરીયાદ ઉઠવા પામી હતી. રાજયમાંથી અંદાજે ૭૦ હજારથી વધારે વિદ્યાર્થીઓએ નીટ આપવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે પૈકી આજની પરીક્ષામાં ૮૦ ટકા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નેશનલ ટેસ્ટીંગ એજન્સી (એનટીએ) દ્વારા સમગ્ર દેશમાં એક સાથે અંડર ગ્રેજયુએશન નીટ લેવામાં આવી હતી. આ પરીક્ષામાં રાજયમાંથી અંદાજે ૬૦ હજારથી વધારે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે ગત વર્ષની સરખામણીમાં પેપર અઘરૃં હતું. ગત વર્ષે કોરોના મહામારીના કારણે સરળ પ્રશ્નપત્ર કાઢવામાં આવ્યું હતું. આ વખતે પ્રમાણમાં અઘરૃં પેપર રહ્યું હતું. ખાસ કરીને ફીઝીકસના પ્રશ્નો વિદ્યાર્થીઓ માટે અઘરા રહ્યા હતા.  ફીઝીકસના કેટલાક પ્રશ્નો જુદી જુદી રીતે પુછવામાં આવતાં વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા હતા. આ સિવાય બાયોલોજી સહિતની સેકશનોમાં વિદ્યાર્થીઓને વધારો મુશ્કેલી પડી ન હતી. પ્રશ્નપત્ર લાંબુ હોવાથી અનેક વિદ્યાર્થીઓ નિર્ધારીત સમયમાં પરીક્ષા પુરી કરી શકયા ન હોવાની ફરિયાદો પણ બહાર આવી હતી. રાજયમાં નીટના આધારે મેડિકલ-ડેન્ટલ ઉપરાંત આયુર્વેદ અને હોમિયોપેથીમાં પણ પ્રવેશ ફાળવવામાં આવે છે. આગામી દિવસોમાં આન્સર કી જાહેર કરવામાં આવ્યા બાદ પરિણામ જાહેર થતાં હજુ ૧પ કરતાં વધારે દિવસો લાગે તેમ છે.

(3:52 pm IST)