Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

લોધીકાના છાપરા પાસે કાર નદીમાં તણાઇઃ વણિક ઉદ્યોગપતિ અને ડ્રાઇવર લાપતાઃ બીજો ડ્રાઇવર હેમખેમ

નિલસિટી બંગલોમાં રહેતાં વિપુલભાઇ (કિશનભાઇ) જમનાદાસ શ્રીમાંકર (શાહ) (ઉ.વ.૫૦) સવારે ડ્રાઇવર સંજય બોરીચા (ઉ.વ.૨૧) અને બીજા ડ્રાઇવર રૈયાના શ્યામ સાધુ (ઉ.૨૫) સાથે આણંદપર છાપરા ફેકટરીએ જવા નીકળ્યા ત્યારે બનાવઃ વોંકળામાં થઇને કાર હંકારતી વેળાએ કાર તણાઇઃ વિડીયો વાયરલ : પેલિકન ઇન્ડસ્ટ્રીના સંચાલક અને ડ્રાઇવર સાથે તણાયેલી કારનો બપોરના બે સુધી પત્તો ન મળતાં ચિંતાનું મોજુઃ પરિવારજનો, મિત્રો, આગેવાનો, ઉદ્યોગપતિઓ ઘટના સ્થળે પહોંચ્યાઃ કાર તણાઇને લોધીકા તરફ વહી ગઇઃ કાર શોધવા ટીમોની સતત મથામણ : કારમાં કુલ પાંચ લોકો હતાં: કિશનભાઇના સાળા જીતુભાઇ અને કર્મચારી મહિલા જયાબેનને કાંઠે ઉતારી મુકાયા હતાં : રૂરલ પ્રાંત અધિકારી દેસાઇને જાણ થતાં ફાયર બ્રિગેડને જાણ કરીઃ ફાયર બ્રિગેડના જવાનો અને રૂરલ પોલીસની ટીમો દ્વારા તણાયેલી કારની શોધખોળ : ડો. મનિષ ગોસાઇ, મેહુલભાઇ બોરીચા, ડો. હેમાંગ વસાવડા, મિલન કોઠારી, માધવજી સહિતના મિત્રો ઘટના સ્થળે પહોંચ્યા : એક ડ્રાઇવર સંજય બોરીચા બચી ગયોઃ બીજો ડ્રાઇવર શ્યામ અને ઉદ્યોગપતિ કિશનભાઇ (વિપુલભાઇ)નો બપોર સુધી પત્તો નથી

તસ્વીરમાં જ્યાં કાર તણાઇ જવાની ઘટના બની તે છાપરા ગામનો વોંકળો અને ત્યાંથી કાર કઇ રીતે તણાઇને આગળ નીકળી ગઇ તે દ્રશ્યો જોઇ શકાય છે. પુલ પર એકઠા થયેલા લોકો, ફાયર બ્રિગેડના અધિકારીઓ, જવાનો જોઇ શકાય છે (ફોટોઃ બી. એમ. ગોસાઇ તથા અશોક બગથરીયા)
રાજકોટ તા. ૧૩ : સતત અનરાધાર વરસાદથી નદી-નાળામાં પૂર આવ્યા છે.  ત્યારે રાજકોટ માટે ગમગીનીભરી ઘટના બની છે. શહેરના ઉદ્યોગપતિ અને દશા સોરઠીયા વણિક આગેવાન કિશનભાઇ (વિપુલભાઇ) જમનાદાસભાઇ શ્રીમાંકર- શાહ (ઉ.વ.૫૦) અને તેમના બે ડ્રાઇવર યુનિવર્સિટી રોડ પારીજાત સોસાયટીમાં રહેતાં સંજય ડાયાભાઇ બોરીચા (ઉ.વ.૨૧) તથા રૈયા ગામના શ્યામ સાધુ (ઉ.વ.૨૫) લોધીકાના છાપરાની નદીમાં પોતાની આઇ-૨૦ક ાર સાથે તણાઇ જતાં અરેરાટી વ્યાપી ગઇ છે. કાર તણાઇને આગળ જઇ ઝાડ સાથે અથડાયા બાદ પાછળની સીટમાં બેઠેલો ડ્રાઇવર સંજય પાટા મારી દરવાજો ખોલી બહાર નીકળી ગયો હતો. પરંતુ કિશનભાઇ અને બાજુની સીટમાં બેઠેલા ડ્રાઇવર શ્યામનો મોડી બપોર સુધી  પત્તો ન મળતાં ચિંતા ઘેરી બની છે. કારમાં કુલ પાંચ વ્યકિત હતાં. જે પૈકી બેને કાંઠા પર જ ઉતારી મુકાયા હોઇ તેઓ બચી ગયા હતાં. સવારે કાલાવડના છાપરા ગામે પોતાની પેલીકન ઇન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીએ જવા કિશનભાઇ (વિપુલભાઇ) નીકળ્યા હતાં ત્યારે આ ઘટના બની હતી.
જાણવા મળ્યા મુજબ સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે નિલ સીટી બંગલોઝમાં રહેતાં અને છાપરા ગામે પેલિકન ઇન્ડસ્ટ્રીઝ નામે ફેકટરી ધરાવતાં ઉદ્યોગપતિ અને દશા સોરઠીયા વણિક જ્ઞાતિના આગેવાન કિશનભાઇ (વિપુલભાઇ) જમનાદાસભાઇ શ્રીમાંકર-શાહ (ઉ.વ.૫૦) આજે સવારે પોતાની આઇ-૨૦ કાર નં. જીજે૦૩-૯૬૯ લઇને ઘરેથી છાપરા ફેકટરીએ જવા નીકળ્યા હતાં. તેમની સાથે ડ્રાઇવર રૈયા ગામે રહેતો શ્યામ સાધુ (ઉ.૨૧) તથા બીજા ડ્રાઇવર યુનિવર્સિટી રોડ પારીજાત સોસાયટીમાં રહેતો સંજય ડાયાભાઇ બોરીચા (ઉ.૨૧-રહે. માટેલ સોસાયટી) તથા કિશનભાઇ (વિપુલભાઇ) શાહના સાળા જીતુભાઇ પણ હતાં. આગળ જતાં મેટોડા જીઆઇડીસી ગેઇટ-૩ પાસે ફેકટરીના મહિલા કર્મચારી રામાપીર ચોકડી પાસે રહેતાં જયાબેન ઉભા હોઇ તેમને કિશનભાઇ જોઇ જતાં કાર ઉભી રાખે તેમને પણ કારમાં બેસાડ્યા હતાં.
પાંચેય જણા સાથેની કાર છાપરામાં ફેકટરી નજીક જ એક વોંકળો આવેલો છે ત્યાં પહોંચી હતી. ફેકટરીએ જવા માટે આ વોંકળામાં થઇને જ જવું પડે છે. ભારે વરસાદને પગલે વોંકળામાં ભરપુર પાણી હોઇ ડ્રાઇવર શ્યામ સાધુએ કાર આગળ લઇ જવામાં જોખમ હોવાનું કહ્યુ઼ હતું. પરંતુ વિપુલભાઇ (કિશનભાઇ)એ વાંધો નહિ આવે તેમ કહ્યું હતું અને ડ્રાઇવર શ્યામને નીચે ઉતારી તેને બાજુની સીટમાં બેસાડી દીધો હતો અને ડ્રાઇવીંગ સીટ પર પોતે બેસી ગયા હતાં. આ વખતે સાથેના સાથેના જયાબેન અને જીતુભાઇને કાંઠે જ ઉતારી મુકાયા હતાં. જ્યારે કિશનભાઇએ બે ડ્રાઇવર સાથેની કાર આગળ હંકારી હતી.
કિશનભાઇ (વિપુલભાઇ)એ કાર આગળ હંકારી ત્યાં જ પાણીનું ભરપુર વ્હેણ હોઇ કાબુ ગુમાવતાં કાર તણાવા માંડી હતી અને નાલા નીચે થઇ લોધીકા તરફની નદીમાં તણાઇને વહી ગઇ હતી. ત્રણમાંથી એકેય બહાર નીકળી શકયા નહોતાં. કાર તણાઇને જતી હોય તેવો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. બનાવની જાણ થતાં રૂરલ પ્રાંત અધિકારીશ્રી દેસાઇ તાબડતોબ ટીમ સાથે પહોંચ્યા હતાં અને બચાવ કાર્ય માટે ફાયર બ્રિગેડની ટીમને બોલાવી હતી. રૂરલ પોલીસની ટીમો સાથે પીએસઆઇ કે. કે. ઝાલા સહિતના પહોંચ્યા હતાં. મોડી બપોર સુધી શોધખોળ કરવા છતાં કારનો પત્તો મળ્યો નહોતો.
વધુ માહિતી મુજબ એક ડ્રાઇવર સંજય બોરીચા કે જે પાછળની સીટમાં બેઠો હતો તે દરવાજાને પાટા મારી દરવાજો ખોલી બહાર નીકળી જતાં બચી ગયો હતો. જ્યારે કિશનભાઇ અને ડ્રાઇવર શ્યામ કારમાં જ તણાઇ ગયા હતાં.
ઘટનાની જાણ થતાં પરિવારજનો, મોટી સંખ્યામાં ઉદ્યોગપતિ મિત્રો, વણિક આગેવાનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં.  ડો. હેમાંગ વસાવડા, મેહુલભાઇ બોરીચા, મિલન કોઠારી, માધવજી, ડો. મનિષ ગોસાઇ સહિતના પણ પહોંચ્યા હતાં.  
આ બનાવની રૂરલ પ્રાંત અધિકારી શ્રી દેસાઇએ આપેલી વિગતો મુજબ  સવારે આઇ-૨૦ કાર  લોધીકાના છાપરા ગામે  તણાઇ ગઇ હતી. પોતાને જાણ થતાં જ  તેમણે ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને પોતે બચાવ ટુકડી સાથે પહોંચ્યા હતાં. પોલીસને પણ જાણ કરી હતી. મોડી બપોર સુધી તણાયેલી કારનો પત્તો મળ્યો નથી. લોધીકા પીએસઆઇ કે. કે. ઝાલા અને ટીમ સતત ઘટના સ્થળે છે. ફાયર બ્રિગેડની ટીમો પણ કારની શોધખોળ કરી રહી છે.  

બચી ગયેલા સંજય બોરીચાએ વર્ણવી સમગ્ર ઘટના
કાર તણાતી તણાતી ઝાડમાં અથડાઇ, આગલો કાચ ફુટ્યો અને ગળા સુધી પાણી ભરાઇ ગયું: પાછળના દરવાજાને મેં ખુબ પાટા મારતાં ખુલી ગયો ને હું બહાર નીકળી ગયો
. છાપરાની નદીમાં કાર તણાઇ ગયાની ઘટનામાં બચી ગયેલા એક ડ્રાઇવર સંજય બોરીચા (ઉ.વ.૨૧)એ 'અકિલા'ને વિગતો વર્ણવતા કહ્યું હતું કે-અમે રાજકોટથી કારમાં નીકળ્યા હતાં. હું ડ્રાઇવર છું અને બીજો ડ્રાઇવર શ્યામ છે. કારમાં, હું, શ્યામ, કિશનભાઇ શેઠના સાળા જીતુભાઇ એમ ચાર લોકો હતાં. કાર મેટોડા જીઆઇડીસી ત્રીજા ગેઇટ પાસે ઉભી ત્યારે મહિલા કર્મચારી રાજકોટના જયાબેન ઉભા હોઇ શેઠ જોઇ જતાં કાર ઉભી રખાવી તેમને પણ બેસાડ્યા હતાં. છાપરા પાસે કાર પહોંચી ત્યારે કાર આગળ વધે તેમ ન હોઇ ડ્રાઇવર શ્યામે આગળ જવાની ના પાડી હતી. કિશનભાઇ શેઠે જીતુભાઇ અને જયાબેનને ઉતારી દીધા હતાં. શ્યામને બાજુની સીટમાં બેસાડી કાર પોતે ચલાવવા ડ્રાઇવીંગ સીટ પર બેઠા હતાં. હું કારની પાછળની સીટમાં બેઠો હતો. કાર કિશનભાઇએ આગળ હંકારી ત્યાં જ તણાવા માંડી હતી. આગળ જતાં એક ઝાડમાં અથડાતાં આગલો કાચ ફુટી જતાં પાણી અંદર ભરાયું હતું જે ડોક સુધી આવી ગયું હતું. મેં પાછળના દરવાજાને ખુબ પાટા માર્યા હતાં અને એ વખતે જ દરવાજો ખુલી જતાં હું બહાર નીકળી ગયો હતો અને ઝાડની ડાળી પકડી લીધી હતી. એ પછી કાર તણાઇને આગળ જતાં કારમાંથી ડ્રાઇવર શ્યામને પણ મેં બહાર નીકળતાં જોયો હતો. પરંતુ તે બચીને બહાર નીકળ્યો કે નહિ તે ખબર પડી નહોતી.   

ડ્રાઇવર શ્યામે કહ્યું-કાર નહિ નીકળે, કિશનભાઇએ કહ્યું-તું બાજુમાં બેસી જા હું કાઢી લઉં...ને કાર તણાઇ ગઇ
બે વ્યકિતને અગાઉ ઉતારી મુકાયા હતાં: કુલ ત્રણ તણાયા તેમાંથી એક બચી ગયો

. જાણવા મળ્યા મુજબ ઉદ્યોગપતિ કિશનભાઇ (વિપુલભાઇ) શ્રીમાંકર (શાહ) સવારે પોતાની આઇ-૨૦ કારમાં બે ડ્રાઇવર શ્યામ સાધુ અને સંજય બોરીચા સાથે ઘરેથી ફેકટરીએ જવા નીકળ્યા હતાં. સાથે સાળા જીતુભાઇ પણ હતાં. એક મહિલા કર્મચારીને રસ્તામાંથી બેસાડાયા હતાં. કાર લોધીકાના છાપરા પાસે ફેકટરી નજીક પહોંચી ત્યારે વોંકળામાંથી પસાર થવાનું હોઇ પાણીનું વ્હેણ જોઇ ડ્રાઇવર શ્યામ સાધુએ 'શેઠ ગાડી આગળ હાલે તેવું લાગતું નથી, જોખમ જણાય છે' તેમ કહ્યું હતું. પણ કિશનભાઇ (વિપુલભાઇ) શાહે-કંઇ નહિ થાય, કાર આરામથી નીકળી જશે તેમ કહ્યું હતું અને ડ્રાઇવર શ્યામને ઉતારી પોતે ડ્રાઇવીંગ સીટ પર બેસી ગયા હતાં. ડ્રાઇવરને બાજુની સીટમાં બેસાડ્યો હતો. આ વખતે સાથેના જીતુભાઇ અને જયાબેન  ઉતરી ગયા હતાં. એ પછી કિશનભાઇએ કાર આગળ હંકારી હતી. પરંતુ પાણીનો ફોર્સ વધી જતાં જ કાર તણાઇ ગઇ હતી. તણાઇ રહેલી કાર જોઇ પુલ પર ઉભેલા લોકોમાં દેકારો મચી ગયો હતો. તણાતી કારનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. આગળ જતાં સંજય બોરીચા કારમાંથી નીકળી જતાં બચી ગયો હતો.


ત્રણ ભાઇઓનો પરિવાર નિલસિટીમાં રહે છેઃ કિશનભાઇ(વિપુલભાઇ) નાના હતાં: તેમના બે ભાઇઓને રોટો પ્લેકસ નામે બિઝનેસ   :માતા નીરૂબેન કિસાનપરા ચોકમાં વીઆઇપી બેગનો શો રૂમ સંભાળે છે

. વધુ માહિતી મુજબ કાર સાથે તણાઇ ગયેલા કિશનભાઇ (વિપુલભાઇ) શાહ કાલાવડના છાપરા ગામે આણંદપરમાં પેલીકન ઇન્ડસ્ટ્રીઝ નામે ફેકટરી ધરાવે છે. તે ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં નાના છે. કિશનભાઇના મોટા ભાઇઓ ભરતભાઇ શાહ અને વિજયભાઇ શાહ રોટો પ્લેકસ નામે ફેકટરી ચલાવે છે. કિશનભાઇના પિતા હયાત નથી. તેમના માતાનું નામ નીરૂબેન શાહ છે, તેઓ કિસાનપરા ચોકમાં વીઆઇપી બેગના શો રૂમમાં બેસે છે.

કિશનભાઇને બે પુત્રી અને એક પુત્રઃ એક પુત્રી એમબીબીએસના છેલ્લા વર્ષમાં:

એક પુત્રી લંડનથી અભ્યાસ કરી હમણા જ આવી છે
. ઉદ્યોગપતિ કિશનભાઇ (વિપુલભાઇ) શાહના પત્નિનું નામ પૂજાબેન છે. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. જેમાં પુત્ર સોૈથી નાનો છે. એક પુત્રી મુંબઇમાં એમબીબીએસનો છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. જ્યારે એક પુત્રી લંડન ખાતે અભ્યાસ પુરો કરી થોડા સમય પહેલા જ વતન આવી છે. કાર સહિત તણાઇ ગયેલા કિશનભાઇનો મોડી બપોર સુધી પત્તો ન મળતાં પરિવારજનો, મિત્રો, સ્નેહીઓમાં ચિંતાની લાગણી વધુ ઘેરી બની ગઇ છે.

 

ગઇકાલે સાંજે જ પરિવાર સાથે કિશનભાઇ (વિપુલભાઇ) શાહે ડો. મનિષ ગોસાઇના

ઘરે ગણપતિજીની આરતીમાં ભાગ લીધો હતો

. કાર સાથે તણાઇ ગયેલા ઉદ્યોગપતિ કિશનભાઇ (વિપુલભાઇ) શ્રીમાંકર (શાહ)એ ગઇકાલે જ સપરિવાર પોતાના મિત્ર ડો. મનિષ ગોસાઇના ઘરે ગણપતિ મહોત્સવમાં હાજર રહ્યા હતાં અને આરતીમાં ભાગ લીધો હતો. કિશનભાઇ તેમના મિત્ર મેહુલભાઇના ખભે હાથ રાખેલા જોઇ શકાય છે. સાથે તેમના તથા ગોસાઇ પરિવારના સભ્યો જોઇ શકાય છે. નીચેની તસ્વીરમાં સાંઝા ચુલ્હાવાળા સંજયભાઇ વ્યાસના બર્થડે પર મિત્રો મિલન કોઠારી સહિતની સાથે કિશનભાઇ જોઇ શકાય છે.  છેલ્લી તસ્વીરમાં મિત્ર-પરિવારજનો સાથે  કિશનભાઇ ખુશખુશાલ જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

(3:42 pm IST)