Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

રાજકોટથી ગોવિંદભાઇને મંત્રી પદની તક

દાયકાઓથી સરકારમાં રાજકોટ શહેરનું પ્રતિનિધિત્વ રહ્યું છે : બાવળિયાની બાદબાકીની શકયતા નહિવત : જયેશ રાદડિયાને પડતા મુકાય તો ગોવિંદભાઇના સમાવેશની શકયતા વધી જાય : જ્ઞાતિ અને ભુગોળ આધારિત સમીકરણો

રાજકોટ,તા. ૧૩ : ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે આજે શ્રી ભુપેન્દ્રભાઇ પટેલએ શપથ લીધા છે. તેમના નવા મંત્રી મંડળની રચના બે-ત્રણ દિવસમાં થનાર છે. રૂપાણી સરકાર વખતના મંત્રી મંડળમાં ધરખમ ફેરફારો તોળાઇ રહ્યા છે. નવા મંત્રી મંડળમાં રાજકોટમાંથી દક્ષિણના ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલના સમાવેશની પ્રબળ શકયતા છે. તેઓ નરેન્દ્રભાઇ મોદી અને આનંદીબેન પટેલની સરકારમાં કૃષિ, નાગરિક પુરવઠા, પાણી પુરવઠા, ઉર્જા વગેરે વિભાગોના રાજ્ય કક્ષાના મંત્રી રહી ચૂકયા છે.

મંત્રી તરીકે પસંદગી માટે સામાન્ય રીતે સિનિયોરીટી કાર્યક્ષમતા જ્ઞાતિ, ભૂગોળ વગેરે સમીકરણ ધ્યાને લેવાતા હોય છે. રાજકોટ શહેરનું પ્રતિનિધિત્વ વર્ષોથી સરકારમાં રહ્યુ છે. એક સમયે ખુદ મોદી પણ ધારાસભામાં રાજકોટનું પ્રતિનિધિત્વ કરતા હતા. વર્ષો સુધી વજુભાઇ વાળા મંત્રી પદે રહેલ. છેલ્લા ૫ વર્ષથી વિજયભાઇ રૂપાણી રાજકોટથી ચૂંટાઇને મુખ્યમંત્રી બન્યા હતા. હાલ જિલ્લામાંથી કુંવરજીભાઇ બાવળિયા અને જયેશ રાદડિયા છેલ્લી સરકારમાં કેબીનેટ મંત્રી હતા. બાવળિયાને પડતા મુકાય તેવી શકયતા ઓછી દેખાય છે. રાદડિયાની બાદબાકી કરવામાં આવે તો ફરી ગોવિંદભાઇને મંત્રી પદ મળવાની શકયતા વધે તેમ છે. તેમના અનુભવને ધ્યાને લેતા કેબીનેટ મંત્રી પણ બની શકે છે.

ભાજપના વર્તુળો ગોવિંદભાઇ માટે ઉજ્જવળ સંજોગો નિહાળી રહ્યા છે. સરકારમાં વિજયભાઇના વિકલ્પે ગોવિંદભાઇને પ્રતિનિધિત્વ મળી શકે છે. સંભાવના જો હકિકતમાં પલટાઇ તો તેની 'અસર' શહેર ભાજપમાં પણ દેખાશે.

(3:40 pm IST)