Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

બિલ્ડર ભાવીન ભાલોડીયાની ઓફિસમાંથી રિવોલ્વર-કાર્ટીસ સાથેની આખી તિજોરી 'છૂ': શકમંદ સકંજામાં

ડો. હોમી દસ્તુર માર્ગ પર વિરલ બિલ્ડીંગના ત્રીજા માળે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો ૅં : થોડા દિવસ પહેલા તિજોરી રિપેરમાં આપી હતીઃ બિલ્ડર પ્રોપર્ટી જોવા ગયા ને પાછા આવ્યા ત્યાં ચોરી થઇ ગઇઃ બિલ્ડીંગમાં સીસીટીવી કેમેરા નથીઃ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો, આજીડેમ પોલીસને ચોક્કસ બાતમી મળી

રાજકોટ તા. ૧૩: યાજ્ઞિક રોડ પર ડો. હોમી દસ્તુર માર્ગ પર આવેલા વિરલ બિલ્ડીંગના ત્રીજા માળે વિરલ ડેવલોપર્સ નામે ઓફિસ ધરાવતાં બિલ્ડર ભાવીનભાઇ લલીતકુમાર ભાલોડીયા (પટેલ) (ઉ.વ.૪૦-રહે. ચિત્રકુટધામ-૪, અક્ષર માર્ગ)ની ઓફિસમાંથી કોઇ નાનકડી ડિજીટલ તિજોરી ચોરી જતાં ચકચાર જાગી છે. આ તિજોરી અંદર બિલ્ડરની પરવાનાવાળી રિવોલ્વર તથા છ જીવતા કાર્ટીસ પણ હતાં. એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. એ દરમિયાન આજીડેમ પોલીસને ચોક્કસ માહિતી મળતાં એક શકમંદને ઉઠાવી લઇ પુછતાછ કરતાં ભેદ ઉકેલાઇ જવાની તૈયારીમાં છે.

બનાવ અંગે એ-ડિવીઝન પોલીસે ભાવીનભાઇ ભાલોડીયાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો નોંધ્યો છે. ભાવીનભાઇના કહેવા મુજબ પોતે ઓફિસમાં  બેસી મિલ્કતો ભાડે આપવાનું કામ કરે છે. તેની પાસે વર્ષ ૨૦૧૩થી પોઇન્ટ ૩૨ રિવોલ્વર છે. જેનું પોતે લાયસન્સ ધરાવે છે. તેના છ કાર્ટીસ પણ છે. આ રિવોલ્વર પોતે પોતાની અલગ ચેમ્બરમાં આવેલી ડિજીટલ તિજોરીમાં રાખે છે. ઓફિસમાં છ માણસો કામ કરે છે અને સાથે પિતાજી લલીતકુમાર તથા કાકાનો દિકરા દિપભાઇ પણ સાથે બેસે છે.

ગત ૯/૯ના રોજ ભાવીનભાઇએ પોતાની ચેમ્બરની ડિજીટલ તિજોરીમાં રિવોલ્વર-કાર્ટીસ રાખી તિજોરી લોક કરી હતી. એ પછી સાંજે પ્રોપર્ટી જોવા માધાપર ચોકડીએ જવાનું હોઇ જેથી પોતે ઓફિસેથી નીકળી ગયેલ. બીજા દિવસે ૧૦મીએ સવારે સાડા દસેક વાગ્યે પોતે ઓફિસે આવ્યા ત્યારે પોતાની ચેમ્બરમાં જતાં દરવાજો ખુલ્લો હતો. અંદર જઇ જોતાં જેમાં રિવોલ્વર-કાર્ટીસ રાખ્યા હતાં એ ડિજીટલ તિજોરી ગાયબ જણાઇ હતી.

સ્ટાફની પુછતાછ કરતાં ચેમ્બરનો દરવાજો તો સ્ટાફે જ ખોલ્યો હોવાનું કહેવાયું હતું. પરંતુ તિજોરી બાબતે કોઇને જાણ નહિ હોવાનું કહેવાયું હતું. થોડા દિવસ પહેલા આ તિજોરી રિપેરીંગમાં મોકલાઇ હતી. તેમજ રિવોલ્વર પણ સર્વિસ માટે મોકલાઇ હતી. ઓફિસમાં લોક તોડવામાં આવ્યું ન હોઇ કોઇ ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરીને કે અન્ય કોઇ રીતે ઓફિસમાં ઘુસી રિવોલ્વર-કાર્ટીસ (કિંમત રૂ. ૭૦૬૦૦)ની સાથેની આખી તિજોરી જ ચોરી ગયાનું જણાતાં ઘરમેળે તપાસ બાદ ગઇકાલે એ-ડિવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી. હેડકોન્સ. એમ. પી. ચરમટાએ ગુનો દાખલ કરાવતાં પીએસઆઇ જે. એમ. ભટ્ટ, ભરતસિંહ ગોહિલ, હારૂનભાઇ ચાનીયા સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ વી. જે. ચાવડા અને ટીમે તપાસ શરૂ કરતાં એક શકમંદને દબોચી લીધો છે. જેની પુછતાછમાં એ-ડિવીઝનનો રિવોલ્વર-કાર્ટીસની ચોરીનો ભેદ ઉકેલાઇ જવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું છે. 

(12:18 pm IST)