Gujarati News

Gujarati News

News of Sunday, 13th September 2020

સ્કૂટર પોલીસવેનની બદલે સિવિલના મેઇન ગેઇટ તરફ દોડ્યું... પકડો-પકડોની બૂમો પડી ને રમેશ તથા ભાણેજ ગાયબ થઇ ગયા

અનેક ગુનામાં સામેલ શખ્સ સિવિલ હોસ્પિટલમાંથી પરત જેલમાં લઇ જતી વખતે નાટક કરી નાસી ગયોઃ શોૈચાલયથી પોલીસ ચોકી સામે ઉભેલી પોલીસવેન સુધી વોકરને સહારે નહિ ચલાય તેવુ બહાનુ બતાવી ત્યાં પહોંચવા ભાણેજના સ્કૂટરમાં બેઠો ને બંને છનનન થઇ ગયાઃ ગાર્ડ ડ્યુટીના કોન્સ. રણજીતસિંહની ફરિયાદ પરથી બંને સામે ગુનો નોંધી ઝડપી લેવા પોલીસની દોડધામ

રાજકોટ તા. ૧૪: અનેક ગુનામાં સંડોવાયેલો મુળ પડધરીના અમરેલીનો અને હાલ નાના મવામાં રહેતો રમેશ રાણાભાઇ મકવાણા ત્રણ દિવસ પહેલા રાજકોટ જેલમાં બિમારીના વધુ ટીકડા પી જતાં જેલમાંથી સિવિલમાં ખસેડાયો હતો. અહિના ઇમર્જન્સી વોર્ડમાંથી ગત સાંજે રજા અપાતાં ફરી જેલમાં મોકલવાનો હોઇ તે વખતે તેનો ભાણેજ પોલીસ પાર્ટીને ભોળવી ટુવ્હીલરમાં બેસાડી મામા રમેશને ભગાડી જતાં પોલીસે મામા-ભાણેજ બંને વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસમેન નજર સામે જ રમેશ અને તેના ભાણેજને ભાગતા જોતાં પકડો-પકડોની બૂમો પાડી દોટ મુકી હતી...પણ સફળતા મળી નહોતી.

આ અંગે પ્ર.નગર પોલીસ મથકમાં હેડકવાર્ટરના આર્મ્ડ કોન્સ. રણજીતસિંહ કિરીટસિંહ જાડેજાની ફરિયાદ પરથી રમેશ રાણાભાઇ મકવાણા અને તેના ભાણેજ સામે આઇપીસી ૨૨૪, ૨૨૫ મુજબ પોલીસ જાપ્તામાંથી ભાગી જવા, ભગાડી જવા અંગે ગુનો નોંધી તેને ઝડપી લેવા દોડધામ કરવામાં આવી છે.

ફરિયાદમાં રણજીતસિંહ જાડેજાએ જણાવ્યું છે કે હું તથા કોન્સ. જેઠાભાઇ, લોકરક્ષક પૃથ્વીરાજસિંહ, એએસઆઇ સલિમભાઇ સહિતના સરકારી હોસ્પિટલમાં મધ્યસ્થ જેલમાં રહેલા કેદી રમેશ રાણાભાઇ મકવાણા કેે જેને સારવાર માટે જેલમાંથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હોઇ તેના જાપ્તામાં હતાં. અમારી ગાર્ડ ડ્યુટી હતી. શુક્રવારે ૧૧/૯ના સાંજે સાડા પાંચેક વાગ્યે કેદી રમેશને સિવિલના ઇમર્જન્સી વોર્ડમાંથી રજા અપાતાં તેને વોર્ડમાંથી બહાર લાવ્યા હતાં અને ફરીથી રાજકોટ જેલ ખાતે મુકવા જવાનો હોવાથી મેં સરકારી ગાડી મેળવવા એમ.ટી. શાખામાં ફોન કરી વર્ધી લખાવી હતી.

રમેશને પગમાં સળીયા હોઇ તે વોકરની મદદથી ચાલે છે. તેની સાથે તેનો ભાણેજ સારવાર દરમિયાન સાથે હતો. અમે બધા સરકારી ગાડી આવે ત્યાં સુધી ઇમર્જન્સી વોર્ડથી ધીમે ધીમે રમેશને સામે આવેલા હોસ્પિટલ ચોકી તરફ લઇ જતાં હતાં. તે વોકરથી ચાલતો હતો.

આ વખતે રમેશે 'મને ખુબ પેશાબ લાગી છે, પેશાબ કરવો છે' તેમ કહેતાં અમે તેને ધીમે-ધીમે ચલાવી હોસ્પિટલ પોલીસ ચોકીની પાછળના ભાગે આવેલા શોૈચાલયમાં લઇ ગયા હતાં. ત્યાંથી તે બહાર નીકળ્યો હતો અને પગમાં ખુબ દુઃખાવો થાય છે, ચાલી શકાતું નથી તેવી ફરિયાદ કરી હતી. એ પછી તેના ભાણેજે 'મારી પાસે જ્યુપીટર વાહન છે, તેમાં મામને બેસાડી સરકારી ગાડી હોસ્પિટલ ચોકીની સામેના ભાગે છે ત્યાં મુકી આવું' તેમ કહેતાં તેને મેં હા પાડતાં ભાણેજ તેના મામા રમેશને બેસાડીને હોસ્પિટલ ચોકી સામે સરકારી ગાડી પાર્ક કરી હતી તે તરફ  રવાના થવાને બદલે સિવિલનો મેઇન ગેઇટ કે જે એસબીઆઇ તરફ છે તે તરફ જ્યુપિટર વાહન હંકારી મુકયુ હતું.

તેણે સ્પીડ વધારતાં જ મેં રાડારાડી કરી દોડીને તેનો પીછો કર્યો હતો. પરંતુ તે ફુલ સ્પીડથી હોસ્પિટલ બહાર નીકળી ગયેલ. આસપાસમાં તપાસ કરાવાવ છતાં  મામો-ભાણેજ મળ્યા નહોતાં.

રમેશ રાજકોટ જેલમાંથી છેલલ ચાર દિવસથી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. તેને તેનો ભાણેજ ખોટુ બોલી ભગાડી ગયો હતો. નોંધનીય છે કે મુળ પડધરીના અમરેલીના વતની અને હાલ નાના મવા ગાયત્રી મંદિર પાસે રહેતાં રમેશ રાણાભાઇ મકવાણા વિરૂધ્ધ પડધરી અને રાજકોટમાં લૂંટ, જમીન કોૈભાંડ સહિતના ગુના નોંધાયા છે.

રમેશને ભગાડી જવામાં આવ્યાની જાણ થતાં પ્ર.નગર પીઆઇ એલ. એલ. ચાવડા, એસઓજી પીઆઇ આર. વાય. રાવલ સહિતની ટીમોએ પહોંચી તપાસ શરૂ કરી હતી.

(11:33 am IST)