Gujarati News

Gujarati News

News of Sunday, 13th September 2020

રાજકોટ શહેરમાં કોરોના વોરિયર પોલીસ કર્મચારીનું પ્રથમ મોત

રાજકોટ પોલીસ કન્ટ્રોલ રૂમના કોન્સ. પ્રદ્યુમનસિંહ ગોહિલનો કોરોનાએ ભોગ લેતાં પોલીસબેડામાં શોક

શહેરમાં અત્યાર સુધીમાં અધિકારી, કર્મચારીઓ મળી ૫૦થી વધુ કોરોનાથી સંક્રમિત થઇ ચુકયા છે : સિવિલ હોસ્પિટલ ખાતે ગાર્ડ ઓફ ઓનર અપાયું: મુળ શિહોરના ભડલીના વતની પી. પી. ગોહિલ ચાર દિવસથી દાખલ હતાં

રાજકોટ તા. ૧૨: શહેરમાં રોજબરોજ સિવિલ કોવિડ સેન્ટર અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત લોકોના મોત થઇ રહ્યા છે. દરમિયાન શહેર પોલીસમાં કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ પ્રવિણસિંહ ગોહિલ (ઉ.વ.૪૫)નું કોરોનાથી મૃત્યુ થતાં સમગ્ર પોલીસબેડામાં અને સદ્દગતના સ્વજનો, મિત્રો, સ્નેહીઓમાં શોક છવાઇ ગયો છે. શહેરમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતાં આ પ્રથમ પોલીસ કર્મચારીનું મૃત્યુ થયું છે. સિવિલ હોસ્પિટલ ખાતે સદ્દગતને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.

જાણવા મળ્યા મુજબ હાલ રાજકોટ રહેતાં અને મુળ ભાવનગરના શિહોર તાબેના ભડલી ગામના વતની પ્રદ્યુમનસિંહ ગોહિલ કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવતાં હતાં. તેમના સરળ અને હસમુખા સ્વભાવને કારણે સાથી કર્મચારીઓમાં બહોળી ચાહના ધરાવતાં હતાં. થોડા દિવસ પહેલા કન્ટ્રોલ રૂમના મહિલા પીએસઆઇ પોઝિટિવ આવતાં  તમામ સ્ટાફનું સામુહિક ટેસ્ટીગ કરાવવામાં આવ્યું હતું. જેમાં પી.પી. ગોહિલ સહિત અગિયાર કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા હતાં. તે પૈકીના પી. પી. ગોહિલની તબિયત બગડતાં તેમને ચાર દિવસ પહેલા સિવિલના કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

ગઇકાલે તેમની તબિયત સુધારા પર હતી અને હેડકવાર્ટરના એસીપી શ્રી બારીયા સાથે વાતચીત કરી હતી. એ પછી બપોર બાદ તબિયત બગડી હતી અને સાંજે સાડા ચારેક વાગ્યે તેમણે અંતિમશ્વાસ લીધાનું જાહેર થતાં પોલીસબેડામાં ગમગીની છવાઇ ગઇ હતી. પી.પી. ગોહિલ ૧૯૯૮માં પોલીસમાંભરતી થયા હતાં. તેમને સંતાનમાં એક પુત્ર છે. તેમના ભાઇ ધર્મેન્દ્રસિંહ ગોહિલ ભાવનગર ખાતે ફરજ બજાવે છે અને કાકા વી. વી. ગોહિલ નિવૃત પોલીસ ઇન્સ્પેકટર છે. પિત્રાઇ ભાઇ બી.વી. ગોહિલ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં એસીપી છે.

સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટર પાછળના મેદાનમાં સ્વ. પી. પી. ગોહિલને ગાર્ડ ઓફ ઓનર અપાયા બાદ અહિથી જ પાર્થિવ દેહને અંતિમવિધી માટે લઇ જવાયો હતો. ડીસીપી, એસીપી, પીઆઇ, સાથી કર્મચારીઓ અને સ્વજનો આ વખતે ઉપસ્થિત રહ્યા હતાં. ઉલ્લેખનિય છે કે અગાઉ શહેર પોલીસના એક એસીપી, ચાર પીએસઆઇ, હેડકોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ તેમજ વોર્ડન સહિત ચોપન જેટલા અધિકારી, કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થઇ ચુકયા છે. પી. પી. ગોહિલના અવસાનની જાણ થતાં મોટા ભાગના પોલીસ અધિકારીઓ અને સાથી  કર્મચારીઓએ પોતાના મોબાઇલના વ્હોટ્સએપ સ્ટેટસમાં સ્વ. પી.પી. ગોહિલની તસ્વીર પોસ્ટ કરી શ્રધ્ધાંજલિ આપી હતી.  તેમજ બપોરે પોલીસ હેડકવાર્ટર ખાતે સદ્દગતને અંજલી આપવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, એસીપી જી. એસ. બારીયા, અલગ અલગ પોલીસ મથકના પીઆઇ તેમજ બીજા અધિકારીઓ, કર્મચારીઓએ એકઠા થઇ મોૈન પાળ્યું હતું. તેમજ સદ્દગતની તસ્વીરને ફુલહાર અર્પણ કરાયા હતાં અને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું હતું. પ્રથમ તસ્વી પી. પી. ગોહિલ પોતાના ઘરમાં પુજા કરતાં હતાં ત્યારની યાદગાર ક્ષણની છે. અન્ય તસ્વીરોમાં તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું તે જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

(2:23 pm IST)