Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

દખલગીરીથી ત્રસ્ત ચક્રવાલનું કંટાળીને રાજીનામુ

દેરાણી-જેઠાણીના ઝઘડા...વહીવટી કામ ઠપ્પઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નેક નાક વાઢશે ! : આઈકયુએસીમાં : અગાઉ 'એ' ગ્રેડ મળતા તત્કાલીન કુલપતિ પાડલીયા, સિન્ડીકેટ અને શિક્ષણ જગતે ચક્રવાલની કામગીરીને ખૂબ બિરદાવીઃ ગીરીશ ભીમાણી સાથે માથાકુટની ચર્ચાઃ હવે કહ્યાગરાને બેસાડવા ગોઠવાતો તખ્તો : ચક્રવાલે રાજીનામુ આપ્યુ છે : હજુ કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથીઃ કુલપતિ પેથાણી

રાજકોટ, તા. ૧૩ :. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 'એ' ગ્રેડ અપાવવામાં મુખ્ય પરિબળ અને મહત્વની કામગીરી કરનાર ઈન્ટર્નલ કવોલીટી એન્સ્યોરન્સ સેલ (આઈકયુએસી)ના કોર્ડીનેટર પદેથી અચાનક રાજીનામુ ફગાવતા સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ઉચ્ચ શિક્ષણમાં ખળભળાટ મચી જવા પામેલ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ પરિક્ષા વિભાગ, કોમર્સ ભવન તેમજ આઈકયુએસીમાં ખૂબ નિષ્ઠાથી કામ કરીને યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને પ્રમાણિત કરવામાં ખૂબ મહત્વની કામગીરી કરનાર પ્રોફેસર આલોક ચક્રવાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉચ્ચ સત્તા મંડળના સભ્ય અને અન્ય અધિકારીઓની બીનજરૂરી દખલગીરીથી ત્રસ્ત બની જતા બે દિવસ પૂર્વે કુલપતિ ડો. નિતીન પેથાણીને રાજીનામુ આપી દીધુ છે. ડો. ચક્રવાલના રાજીનામાથી આગામી ૬ માસમાં થનારૂ નેક કમીટી દ્વારા મૂલ્યાંકનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નાક વાઢવાની શકયતા બળવત્તર બની છે.

જાણવા મળતી વિગતો મુજબ ઈન્ટર્નલ કવોલીટી એસ્યોરન્સ સેલના ચેરમેન પદે હોદાગત રૂએ કુલપતિ નિતીન પેથાણીને ચેરમેન પદ અને કુલનાયક વિજય દેશાણીને વાઈસ ચેરમેન અને સિન્ડીકેટ સભ્ય ગીરીશ ભીમાણીને ડાયરેકટ પદ ફાળવવામાં આવ્યુ છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મહત્વની કામગીરી પૂર્ણ સમય કોર્ડિનેટર પ્રોફેસર આલોક ચક્રવાલને સોંપવામાં આવી છે. મેમ્બર પદે રજીસ્ટ્રાર સહિત ૨૬ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગુણવત્તા ખૂબ વધે તે માટે પ્રોફેસર આલોક ચક્રવાલ સતત તમામ ભવનો સાથે કાર્યરત રહીને માર્ગદર્શન આપતા અને યુજીસી અને નેક દ્વારા સૂચવવામાં આવેલ દિશા ઉપર કામ કરવાની કામગીરી સંભાળતા હતા.

આઈકયુએસીના ડાયરેકટર ગીરીશ ભીમાણી તેમજ યુનિવર્સિટીના પદાધિકારીઓની નીતિરીતિથી કંટાળીને ચક્રવાલે રાજીનામુ આપ્યાની ચર્ચા ચાલે છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચર્ચાતી વિગતો મુજબ કાર્યદક્ષ અને પ્રમાણિકપણે કાર્ય કરતા ચક્રવાલને પ્રોત્સાહન આપવાને બદલે યુનિવર્સિટીનું એક જુથ નજીકના અધ્યાપકને આઈકયુએસીના કોર્ડિનેટર પદે બેસાડવા દોડધામ કરતા હોવાનું બહાર આવી રહ્યુ છે. આગામી દિવસોમાં કુલપતિ - કુલનાયક સામે ઉગ્ર વિરોધ પ્રગટ થાય અને ઉચ્ચકક્ષાએથી બન્નેને સંકલનથી કામ કરવા તાકીદ કરવામા આવે તો નવાઈ નહી.

(3:57 pm IST)