Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

સામાકાંઠા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ : મહિલાઓનું ટોળુ કોર્પોરેશનમાં ધસી આવ્યું

વોર્ડ નં.પ અને ૬ના વિવિધ લતાઓમાં રોડ, રસ્તા, સફાઇ તથા લાઇટ સહિતના વિવિધ પ્રશ્નો તાત્કાલીક ઉકેલવા શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષી નેતાની આગેવાનીમાં મ્યુ. કમિશનરને રજૂઆત

રાજકોટ, તા. ૧૩ : શહેરના વોર્ડ નં.પ તથા ૬માં આવેલ બુરહાની પાર્ક સહિતના વિસ્તારમાં ગંદકી તેમજ ઢોર-ઢાખરનો ત્રાસ ઘણો જ રહે છે તે અંગે આજે કોર્પોરેશન કચેરીએ ધસી આવેલ . આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર તથા વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાની રાહબરી હેઠળ કમિશનરશ્રીને આવેદન પાઠવેલ.

આ અંગે પાઠવેલ પત્રમાં આ વિસ્તારના લતાવાસીઓએ રોષ પૂર્ણ જણાવેલ. વોકળાનો વિસ્તાર ખુલ્લો છે તે બંધ કરી આપવા તથા ચોમાસાની ઋતુમાં જીવજંતુઓ જેવા કે સર્પ પણ ઘરો સુધી આવી જાય છે જેથી આ જગ્યાને બંધ કરી અપાય તો ઘણુ જ સારૂ રહેશે. આ સિવાય ખુલ્લી જગ્યા જે પ્લોટ છે ત્યાં બેંચો કે વૃક્ષો વાવીને પણ વિસ્તારને સુધારી શકાય. આજુબાજુ આજી નદીનો ગંદકી ભર્યો વિસ્તાર પણ છે જેને લીધે મચ્છોરોનો કાયમી ત્રાસ હોવાનું અને રૂબરૂ વિસ્તારની મુલાકાત લેવા પણ આવેદનમાં જણાવાયું છે.

ઉપરાંત વોર્ડ નં. પ-૬માં રોડ, રસ્તા રીપેરીંગ તથા સફાઇ અંગે પણ લતાવાસીઓએ રજુઆત કરતા જણાવેલ કે, ઉપરોકત બંને વોર્ડના વિસ્તારના નદીકાંઠા પાસેનો રોડ તેમજ અંદરની શેરીઓમાં છેલ્લા ૮-૯ વર્ષથી એક પર શેરીમાં ડામરકામ કે રસ્તા રીપેરીંગનું કામ કરવામાં આવેલ નથી. કેટલીક શેરી એટલી બધી ખરાબ હાલતમાં છે કે જે રીપેરીંગ અથવા તો નવેસરથી ડામર કરવું પડે તેમ છે.

આ ઉપરાંત પૂરતી લાઇટ-રસ્તા પરની સફાઇ, સાંકડો પુલ કે જે શીતળા માતાના પુલ તરીકે ઓળખાય છે જે પૂલની નીચે નદીમાં પૂલ પર, પુલના પગથીયા પાસે અસહ્ય ગંદકીના થર પથરાયેલા હોય છે. સફાઇ કામ પણ સરખુ નથી થતું . નદી પાસેના બેઠા પુલ આજુબાજુ ગંદકી હોય છે જયારે રાજકોટ સ્માર્ટ સીટીની વાતો થાય છે ત્યારે ખૂબજ શરમજનક છે.

આ રજૂઆતમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, વિપક્ષી નેતા વશરામ સાગઠીયા તથા કોંગી આગેવાન મનીષાબા વાળા તથા વિસ્તારવાસીઓ જોડાયા હતાં.

(3:54 pm IST)