Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

પોલીસ કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયા તાકીદે પુર્ણ કરો નહી તો ૧૩ ઓકટોબરથી ટવીટર પર અભિયાન

ગુજરાત જન અધિકાર મંચનું રાજકોટ સહિત દરેક જીલ્લા મથકે આવેદનઃ દેખાવો

ગુજરાત જન અધિકાર મંચે કલેકટરને પોલીસ કોન્સ્ટેબલની ભરતી અંગે આવેદન આપ્યું ત્યારની તસ્વીર.

રાજકોટ, તા., ૧૩: ગુજરાત જન અધિકાર મંચે કલેકટરને આવેદન પાઠવી કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયા તાત્કાલીક ધોરણે પુર્ણ કરવામાં આવે અને ટુંક સમયમાં નિરાકરણ આવવામાં નહિ આવે તો ૧૩ ઓકટોબરના રોજ ટવીટર અભિયાન ચલાવવામાં આવશે અને ત્યારબાદ ઓકટોમ્બર મહીનામાં ગાંધીનગર ખાતે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવશે તેમ ઉમેર્યુ હતું.

આવેદનમાં જણાવેલ કે ૧૫ ઓગષ્ટ ર૦૧૮ના રોજ પોલીસ કોન્સ્ટેબલ માટે સરકાર દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમના કારણે હજારો યુવાનો અને પરીવારોને સરકારી નોકરી માટે આશા જાગી હતી અને એટલા માટે જ એક વાર પેપર લીક થયા બાદ પણ હિંમત હાર્યા વિના પરીણામ ઉર્તીણ થવા માટે હજારો યુવાનોએ તનતોડ મહેનત કરી હતી. પરંતુ આ જાહેરાતને આજે ૧ વર્ષથી વધારે સમય થવા આવ્યો છતા પણ હજુ સુધી ભરતી પ્રક્રિયા પુર્ણ કરવામાં આવી નથી જેમના કારણે હજારો યુવાનોનું ભાવી અધ્ધરતાલ છે. જીપીએસસી-યુપીએસસી જેવી પરીક્ષાઓ પણ ૧ વર્ષમાં પુર્ણ થઇ જાય છે. ત્યારે સામાન્ય લોકરક્ષક દળની પરીક્ષામાં ૧ વર્ષથી વધારે વિલંબ ભરતીમાં ગેરરીતીઓ થતી હોય એવી અનેક શંકાઓ ઉપજાવે છે તેમજ સાથે સાથે અન્ય પરીક્ષાની તૈયારી કરવી કે નહી? અન્ય પરીક્ષામાં પાસ થયા હોય તો હાજર થવું કે નહી? આવા અનેક પ્રશ્નો યુવાનોના મનમાં ઉદભવી રહયા છે.

ત્યારે આ મુદ્દા પર આંદોલનકારી પ્રવીણ રામે ૧ મહિના પહેલા મુખ્યમંત્રીશ્રીને આ ભરતી પ્રક્રિયા તાત્કાલીક ધોરણે પુર્ણ કરવા રજુઆત કરી હતી અને મુખ્યમંત્રી તરફથી હકારાત્મક જવાબ પણ આવ્યો હતો. પરંતુ હજુ સુધી આ ભરતી પ્રક્રિયામાં કોઇ હલન ચલન ના દેખાતા આંદોલનકારી પ્રવિણ  રામના માર્ગદર્શન હેઠળ ભરતી તાત્કાલીક ધોરણે પુર્ણ કરવા માટે આજ રોજ તમામ તાલુકા અને જિલ્લા લેવલે આવેદન અપાયું  હતું અને એમના અનુસંધાનમાં રાજકોટ જીલ્લામાં પણ મુકેશભાઇ જોટવાની આગેવાની હેઠળ આવેદન અપાયું હતું.

આંદોલનકારી  પ્રવીણ રામ દ્વારા જણાવવામાં આવ્યું કે આ રજુઆત બાદ પણ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહિ આવે તો ૧૩ ઓકટોબરના રોજ આ મુદા પર ટવીટર અભિયાન ચાલુ કરવામાં આવશે અને ત્યાર બાદ ઓકટોમ્બર મહિનામાં ગાંધીનગર ખાતે યુવા સંમેલનનું આયોજન પણ કરવામાં આવશે.

(3:36 pm IST)