Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

રૈયા રોડ નુરાનીપરામાં ૨૦ વર્ષની કરિશ્મા બુખારીએ ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

રોઝુ રાખ્યું હોઇ સવારે માતા સાથે ચા-નાસ્તો કર્યા બાદ પગલું ભરી લીધું: પરિવારમાં માતમ : ૩ વર્ષના ભત્રીજાનો નાસ્તો ઢોળી નાંખતા માતાએ આપેલો ઠપકો આકરો લાગ્યો

રાજકોટ તા. ૧૩: રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક પાસે નુરાનીપરામાં શોૈચાલય પાછળના ભાગે રહેતી કરિશ્મા કાદરભાઇ બુખારી (ઉ.૨૦) નામની મુસ્લિમ યુવતિએ વહેલી સવારે ગળાફાંસો ખાઇ લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં સ્વજનોમાં માતમ છવાઇ ગયો હતો.

હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે જાણ કરતાં ગાંધીગ્રામના એએસઆઇ પુષ્પાબેન એન. પરમાર અને કૃષ્ણસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર કરિશ્મા પાંચ બહેન અને બે ભાઇમાં છઠ્ઠી તથા અપરિણીત હતી. તે મેટોડા વેફર્સ કંપનીમાં નોકરીએ જતી હતી. પણ હાલ કેટલાક દિવસથી રજા રાખી હતી. આજે તેણે રોઝુ રાખ્યું હોઇ સવારે વહેલા ઉઠીને માતા સાથે ચા-નાસ્તો કર્યો હતો અને બાદમાં રૂમમાં જતી રહી હતી.

એ પછી માતા શકીનાબેન ઉઠાડવા ગયા ત્યારે તેણી છાપરાની આડીમાં બાંધેલા દૂપટ્ટાના ગાળીયામાં લટકતી જોવા મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. હોસ્પિટલે ખસેડાઇ હતી પણ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર થયું હતું.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ સાંજે કરિશ્મા ૩ વર્ષના ભત્રીજા (ભાઇના પુત્ર) સાથે રમતી હતી ત્યારે તેનો નાસ્તો ઢોળાઇ જતાં ભત્રીજો રડવા માંડ્યો હતો. આ બાબતે માતાએ ઠપકો આપ્યો હતો. એ કારણે માઠુ લાગી જતાં આ પગલું ભર્યાનું બહાર આવ્યું છે.

(4:16 pm IST)