Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

એરપોર્ટમાં ફિદાઇન આતંકી ઘૂસ્યાઃ સીઆઇએસએફ અને પોલીસે ઠાર માર્યા

બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડનો કાફલો પણ પહોંચી ગયોઃ એન્ટ્રી ગેઇટ પર જ બે આતંકી સાથે મુઠભેડઃ દિલધડક 'મોકડ્રીલ'

રાજકોટ : શહેરના એરપોર્ટ ખાતે બપોરે બે ફિદાઇન આતંકવાદી ઘુસી ગયાની જાણ થતાં એરપોર્ટનું સીઆઇએસએફ તંત્ર એલર્ટ થઇ ગયું હતું. શહેર પોલીસને જાણ થતાં એસઓજી, ગાંધીગ્રામ પોલીસ, ક્રાઇમ બ્રાંચની ટૂકડીઓ અને બોમ્બ સ્કવોડ તથા ડોગ સ્કવોડ સહિતનો કાફલો તેમજ ફાયર બ્રિગેડ, ૧૦૮ની ગાડીઓ પહોંચી ગયા હતાં. બે આતંકીઓને એરપોર્ટના એન્ટ્રી ગેઇટ પર જ ઠાર મારવામાં આવ્યા હતાં. આ દિલધડક ડ્રામા એરપોર્ટના સીઆઇએસએફ દ્વારા યોજાયેલી મોકડ્રીલ હોવાનું જાહેર થયું હતું.બપોરે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો કે એરપોર્ટમાં બે ફિદાઇન આતંકવાદી ઘુસી આવ્યા છે. આ મેસેજ મળતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દોડી ગયો હતો. બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ પણ પહોંચી ગઇ હતી. તેમજ ફાયર બ્રિગેડ, ૧૦૮ને પણ કન્ટ્રોલ મારફત જાણ થતાં બધા તાબડતોબ પહોંચી ગયા હતાં. ગાંધીગ્રામ પી.આઇ. વી. વી. ઓડેદરા અને ટીમ, એસઓજી પીઆઇ એસ. એન. ગડુ અને ટીમ તથા ક્રાઇમ બ્રાંચના કે. કે. જાડેજા, એમ કે. મહેશ્વરી સહિતનો કાફલો પણ પહોંચ્યો હતો. બે આતંકવાદીને દિલધડક ઓપરેશનમાં એન્ટ્રી ગેઇટ પાસે જ ઠાર મરાયા હતાં. સમગ્ર ડ્રામા મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. એરપોર્ટની સીઆઇએસએફની ટીમો અને શહેર પોલીસ સહિતના તંત્રની આવા બનાવો વખતે સતર્કતા અને કામગીરી ચકાસવા અવાર-નવાર એરપોર્ટ ઓથોરીટી દ્વારા આ રીતે મોકડ્રીલ યોજવામાં આવે છે. તે મુજબ આજે પણ મોકડ્રીલ યોજાઇ હતી. તેના દ્રશ્યો જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા) (૧૪.૧૨)

(3:52 pm IST)