Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

સ્વાઇન ફલૂનો પહેલો 'શિકાર': ભાલકા તિર્થની સગર્ભાનું રાજકોટ સિવિલમાં મોતઃ આજે ૩ દર્દી દાખલ-બે પોઝિટીવ

શહેરમાં સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં કુલ ૮ દર્દીઓ સારવાર હેઠળઃ મૃત્યુ પામનાર મહિલા પ્રથમ ખાનગી હોસ્પિટલમાં દાખલ હતીઃ બાદમાં સિવિલમાં ખસેડાઇ હતીઃ એક દર્દીનો રિપોર્ટ આવવાનો બાકીઃ દાખલ રહેલાઓમાં જુનાગઢ, ધોરાજી, જેતપુર, ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટના દર્દીઓ સામેલઃ બાબરાના એક પ્રોૈઢ સાજા થતાં રજા અપાઇ

રાજકોટ તા. ૧૩: સ્વાઇન ફલૂએ ફરી દેખા દીધી છે અને તે સાથે જ એકનો ભોગ પણ લઇ લીધો છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ વેરાવળ સોમનાથ ભાલકા તિર્થની સગર્ભા મહિલાનું મોત નિપજ્યું છે. સિવિલ હોસ્પિટલમાં આજે ત્રણ દર્દી દાખલ છે. જેમાં બે દર્દીના રિપોર્ટ પોઝિટીવ છે અને એક દર્દીનો રિપોર્ટ આવવાનો બાકી છે. ખાનગી અને સિવિલ હોસ્પિટલના મળી કુલ ૮ દર્દી રાજકોટમાં સારવાર હેઠળ છે.

જાણવા મળ્યા મુજબ ભાલકા તિર્થ રહેતી ૩૦ વર્ષની બાવાજી સગર્ભાને કેટલાક દિવસથી તાવ આવતો હોઇ સ્થાનિક સારવાર લીધા બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાંથી ગયા શનિવારે તેણીને સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. અહિ સ્વાઇન ફલૂનો રિપોર્ટ પોઝિટીવ જાહેર થતાં સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ ગત સાંજે  તેણીએ દમ તોડી દેતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા અને ટીમે સ્વાઇન ફલૂ વોર્ડમાં દર્દીઓને પુરતી સારવાર મળી રહે અને વધુને વધુ દર્દીઓ સાજા થઇ ઘરે જાય તે માટે વ્યવસ્થા ગોઠવી રાખી છે. મૃત્યુ પામનાર મહિલાને પહેલા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં હાલત અત્યંત ગંભીર બની જતાં ત્યાંથી તેમના સગા સિવિલમાં લાવ્યા હતાં. 

મૃત્યુ પામનારને સંતાનમાં પાંચ વર્ષની પુત્રી છે અને હાલમાં સારા દિવસો જઇ રહ્યા હતાં. પેટમાં આઠ માસનો ગર્ભ હતો. તેણીના પતિને ફરસાણની દૂકાન છે. બાવાજી પરિવારમાં આ બનાવથી ગમગીની છવાઇ ગઇ છે.

સિવિલ હોસ્પિટલમાં આજે ત્રણ દર્દી દાખલ છે. જેમાં એક માળીયા હાટીના પંથકના અને બીજા વેરાવળના છે. આ બંનેના રિપોર્ટ પોઝિટીવ છે. જ્યારે વેરાવળ સોમનાથ પંથકના વધુ એક દર્દી સ્વાઇન ફલૂની શંકાએ દાખલ થયા છે. જેનો રિપોર્ટ આવવાનો બાકી છે.  બાબરા પંથકના એક પ્રોૈઢનો રિપોર્ટ પણ પોઝિટીવ હતો. તે સઘન સારવાર બાદ સાજા થતાં રજા અપાઇ છે.

કલેકટર તંત્રના સુત્રોના જણાવ્યા મુજબ શહેરમાં સિવિલ, ખાનગી હોસ્પિટલમાં કુલ આઠ દર્દી દાખલ છે. જેમાં ધોરાજીના એક દર્દી વેન્ટીલેટર પછે. એક જુનાગઢના, બે ગીર સોમનાથના અને ચાર રાજકોટ, અમરેલી, જેતપુરના છે.  (૧૪.૬)

(11:43 am IST)
  • પેટ્રોલ - ડિઝલના ભાવવધારા સામે છત્તીસગઢમાં કોંગ્રેસના ધારાસભ્યો - નેતાઓ બળદગાડા સાથે વિધાનસભા પહોંચ્યા : અનોખો વિરોધ - દેખાવ : પોલીસે રોકયા તો બેરીકેટ્સ હટાવી આગળ વધ્યા : કાર્યકરોની સાથે બળદગાડામાં ભોજન લીધુ access_time 3:44 pm IST

  • પોરબંદર:દરિયામાં પાકિસ્તાન મરીનનો આતંક યથાવત:3 ભારતીય બોટ સાથે 18 માછીમારોના અપહરણ: IMBL નજીક માછીમારી વેળાએ બોટને ઉઠાવાઈ:અપહરણ કરાયેલ બોટ ઓખા અને પોરબંદરની હોવાની શક્યતા access_time 12:02 am IST

  • ભચાઉ સબજેલમાંથી હિસ્ટ્રીશિટર આરોપી જેલમાંથી ફરાર:અનેક ગુનાઓમાં સંડોવાયેલ આરોપી રામજી કોળી જેલની દીવાલ કુદીને થયો ફરાર:કચ્છ ,બનાસકાંઠા ,પાટણ જિલ્લા માં નક્કાબંધી કરી હિસ્ટ્રીશિટર આરોપીને શોધવા પોલીસ તપાસ:આરોપીને શોધવા પોલીસે બનાવી પાંચ ટીમ access_time 11:02 pm IST