Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

સંવત્સરી પ્રતિક્રમણ સાથે પર્યુષણ પર્વનું સમાપનઃ કાલે પારણા

મૂર્તિપૂજક તથા સ્થાનકવાસી જૈનો આજે સાંજે સંવત્સરી પ્રતિક્રમણની ક્રિયા કરશેઃ મૂર્તિપૂજક જૈન સંઘોમાં સવારે બારસા સૂત્રનું વ્યાખ્યાન યોજાયું: આજે સાંજે જિનાલયોમાં પરમાત્માની ભવ્ય આંગી રચાશેઃ કાલે તપસ્વીઓના પારણા તથા સમૂહ ક્ષમાપનાના કાર્યક્રમો યોજાશેઃ પૂ.નમ્રમુનિ મ.સા.ની નિશ્રામાં ડુંગર દરબાર ખાતે સાંજે ૬ વાગે એક સાથે ૧૧ હજાર સમુહ પ્રતિક્રમણ

રાજકોટ,તા.૧૩:  'ખામેમિ સવ્વજીવે, સવ્વે જીવ, ખમતુંમે મિતિમે સવ્વભૂએસુ, વૈર મજુઝ ન કેણઈ'ની ઉચ્ચ ભાવના સાથે આજે સમસ્ત સમસ્ત જૈન સમાજમાં પર્વાધિરાજ પર્યુષણનો અંતિમ દિવસ સંવત્સરી પર્વ આજે સાંજે પ્રતિક્રમણની ક્રિયા સાથે ઉજવાશે. આજે સાંજે સમસ્ત જૈન સમાજના અબાલ- વૃધ્ધ સૌ કોઈ પોત પોતાના ધર્મ સ્થાનકોમાં જઈને વાર્ષિક આલોચના રૂપ સંવત્સરી પ્રતિક્રમણની ક્રિયા કરીને વર્ષભર દરમ્યાન થયેલા પાપો, ભૂલોની ક્ષમાયાચના કરશે.

પર્વાધિરાજ પર્યુષણ પર્વ તપ, ત્યાગ અને આરાધનાથી ઉજવવામાં આવે છે. પર્યુષણ પર્વમાં મન શુધ્ધિ, કાય શુધ્ધિ તથા વચન શુધ્ધિ કરીને આત્મ જાગૃતિ કરવાનો મહાન પુરૂષાર્થ પડયો છે.

આજે સંવત્સરી પ્રતિક્રમણમાં સર્વ જીવોની ક્ષમાયાચના કરવામાં આવે છે. પોતાના હાથે થયેલા દોષ અંગે ક્ષમા માગે છે અને અન્ય કોઈના હાથે થયેલા દોષને ક્ષમા આપે છે. એ સાથે એવું પણ સમજી લેવાનું હોય છે કે ભવિષ્યમાં આવા કોઈ દોષ ન થાય. આ ક્રિયા માનસિક છે. આધ્યાત્મિક છે અને મહાપુરૂષોએ બતાવેલી છે. આ ક્રિયામાં માત્ર માનવ જાતને નજર સામે રાખવાની નથી. પરંતુ સમગ્ર પ્રાણી સૃષ્ટિને આંખ સામે રાખવાની હોય છે.

સંવત્સરી પ્રતિક્રમણ પૂરૃં થયા પછી સૌ એકબીજાને 'મિચ્છામિ દુક્કડમ્' કરીને ક્ષમાનું આદાન પ્રદાન કરશે.

આજે સવારે ઉપાશ્રયોમાં પૂ.ગુરૂભગવંતોએ વ્યાખ્યાનમાં બારસા સૂત્રનું વાચન કર્યું હતું. જેઓ કલ્પસૂત્રના શ્રવણથી વંચિત રહી ગયા હોય તેઓ બારસાસૂત્રનું શ્રવણ કરે તો કલ્પસૂત્રના આઠ વ્યાખ્યાન સાંભળ્યા બરાબર કહેવાય છે. બારસાસૂત્રએ કલ્પસૂત્રના સારરૂપ છે.

રાજકોટના મૂર્તિપૂજક અને સ્થાનકવાસી જૈન ઉપાશ્રયોમાં સંવત્સરી પ્રતિક્રમણની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનકવાસી સમાજમાં ૧૩૭ સ્થાનો પર સંવત્સરી પ્રતિક્રમણની આરાધના થશે.

રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.આદિની નિશ્રામાં રાજકોટના આંગણે પ્રથમવાર ''ડુંગર દરબાર''ના આંગણે ૧૧ હજાર સમૂહ સંવત્સરી પ્રતિક્રમણનું આયોજન સાંજે ૬ વાગે કરવામાં આવેલ છે.  આ પ્રતિક્રમણ સાંજના ૬ થી  રાત્રીના ૮ વાગ્યા સુધી ચાલશે. જયારે મૂર્તિપૂજક જૈનોનું પ્રતિક્રમણ બપોરે ૩ વાગે શરૂ થઈને સાંજના ૭:૩૦ વાગે પૂર્ણ થશે. આમ સંવત્સરી પ્રતિક્રમણની ક્રિયા બાદ પર્યુષણ પર્વનું આવતીકાલે તપસ્વીઓના પારણા સાથે સમાપન થશે.

આવતીકાલે મૂર્તિપૂજક અને સ્થાનકવાસી જૈન સમાજમાં તપસ્વીઓના સમૂહ પારણા થશે. સમૂહ ક્ષમાપનાની કાર્યક્રમો પણ યોજાયા છે.

જાગનાથ જૈન સંઘમાં જિનશાસન પ્રભાવક આચાર્ય ભગવંત શ્રી યશોવિજય સૂરીશ્વરજી મહારાજ આદિની નિશ્રામાં ૧૯૦ જેટલા આરાધકોની વીસ સ્થાનક તપની આરાધના ચાલી રહી છે. જાગનાથ સંઘમાં ભોગીભાઈ વોરા ૬૫ ઉપવાસની આરાધના કરેી રહ્યા છે. કાલે તેઓ પારણું કરશે. જાગનાથ સંઘમાં આચાર્ય ભગવંતની નિશ્રામાં અઠ્ઠમ, અઠ્ઠાઈ, માસક્ષમણ સહિતની આરાધના પૂર્ણ થઈ રહી છે. જે તપસ્વીઓના પારણા આવતીકાલે થશે.

તપસ્વીઓના પારણા સાથે કાલે પર્વાધિરાજ પર્યુષણ પર્વનું સમાપન થશે.

'મિચ્છામિ દુક્કડમ્ 'એટલે ઝઘડારૂપી મડદાનો નિકાલઃ પ.પૂ.જૈનાચાર્ય શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા.

 વિશ્વમાં ધર્મની બાબતમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી બધા જ જુદા છે. પણ દરેક ધર્મવાળા કહે છે કે ઘરમાં કોઇનું મૃત્યુ થયું છે તો મડદાને કયાં તો જલ્દી બાળી દો, કયાં તો દાટી દો, મડદાને ચોવીસ કલાકથી વધુ ન રખાય, ગંધાઇ ઊઠે. બધા જ કહે છે કે, મડદાને જલ્દી બહાર કાઢો.  આ સંસારની રીતરસમ જ એવી છે કે તમારા જીવતાં પણ કોઇ તમારી રાહ જોશે કે નહીં  એ પ્રશ્ન છે અને મર્યા પછી તો તમારી રાહ જોશે જ નહીં એ પણ નક્કી જ છે.

ઝઘડો એ એક પ્રકારનું મડદું જ છે. ઝઘડાને જેટલો વધારે રાખો તેટલો વધારે ગંધાય. ઝઘડો થયો એટલે સમજવું કે કયાંકથી મડદું આવ્યું. મડદાનો નિકાલ કયારે કરવાનો? ઝઘડાની બાબતમાં એવું છે કે માણસ નાની વસ્તુને જેટલી મોટી બનાવવા માંગે એટલી મોટી બની શકે. ઝઘડાનો મુદ્દો નાનો હોય કે મોટો એ બહુ મોટી વાત નથી પણ ઝઘડો કરનાર તેને કેવું સ્વરૂપ આપે છે એ બહુ મોટી વાત છે.

'આંધળાના પુત્ર આંધળા જ હોય' આ દ્રોપદીના વચને દુર્યોધનનાં મનમાં વેરની ચિનગારી પ્રગટાવી. પરંપરાએ પાંડવો અને કૌરવો વચ્ચે થયેલ ઝઘડાનું મડદું ગંધાઇ ઊઠ્યું અને એ દુર્ગંધ આપણા સુધી પહોંચી છે. કયાંય પણ ઝઘડો થાય એવું સાંભળીએ એટલે લોકો કહે 'મહાભારત કયાં થયું ? કોની વચ્ચે થયું?'

દરેક સમસ્યાને ઉકેલવાનો રસ્તો હોય જ છે પણ આપણી આંતરીક ઇચ્છા સમાધાનની હોવી જોઇએ. સંવત્સરી મહાપર્વના દિને આપણે એકબીજાને 'મિચ્છામિ દુક્કડમ્' આપીએ છીએ. આ 'મિચ્છામિ દુક્કડમ્' એટલે કોઇની પણ સાથે કરેલ રાગ-દ્વેષ અને ઝઘડા રૂપ મડદાનો નિકાલ.

આપણા શરીરમાંથી પ્રાણ નીકળી જશે ત્યારે સંસારના લોકો આપણા મડદાનો નિકાલ કરી એને બાળી દેશે. પરંતુ જો અંતરમાં ઝઘડાના કારણે કોઇના પ્રતિ વેર કે રાગ-દ્વેષ રહી જશે તો શું આપણે આવા મડદાંને સાથે લઇ પરલોકમાં જઇશું?

કોઇનીય સાથેના ઝઘડાને કયારેય વિસ્તારતા નહીં. લેટ ગો કરી હળવા થઇ જજો, કોઇની પણ ભૂલ હોય તો સહી લો, અને સહન ન થાય તો હસી લો. પણ ઝઘડાના મૂળને કયારેય સિંચશો નહીં.

સંવત્સરી મહાપર્વના દિને આપણે હૃદયમાં કોતરી લઇએ કે ઝઘડારૂપી મડદાને સંઘરી ન જ રખાય, ક્ષમા દ્વારા એનો શીઘ્ર નિકાલ કરવો જ જોઇએ.

દિગંબર જૈન સમાજના દશલક્ષણી પર્યુષણ પર્વનો કાલથી પ્રારંભ

શ્રી આદિનાથ દિગંબર જિન મંદિર ખાતે વિવિધ અનુષ્ઠાન

રાજકોટ,તા.૧૩: દિગંબર જૈન સમાજના દશલક્ષણી પર્યુષણ પાવન આવતીકાલથી મંગલ પ્રારંભ થશે. નિજ શુધ્ધાત્મના સાધક, વિશુધ્ધ અધ્યાત્મ માર્ગ પ્રભાવક, ભવ્ય જીવોના કલ્યાણ માટે જેમનો ભરતક્ષેત્રમાં જન્મ થયો છે. એવા પરમ કૃપાળુ પૂ.ગુરૂદેવ શ્રી કાન્જીસ્વામી તથા સ્વાનુભવ વિભુષિત ધર્મરત્ન પૂજય બહેન શ્રી ચંપાબેનનાં પાવન પ્રભાવનાના ઉદયે કુદકુંદ કહાન પરિવાર યુવક મંડળના ઉપક્રમે શ્રી પર્વાધિરાજ દશલક્ષણી ધર્મ પર્યુષણ પર્વ કાલે શુક્રવાર તા.૧૪ થી રવિવાર તા.૨૩ સુધી અત્યંત ભાવપુર્વક ઉજવવામાં આવશે.

આ પર્વ દરમ્યાન વિધ્વાન પ્રવચનકાર આત્માર્થી ભાઈશ્રી ડો.પ્રવિણભાઈ દોશી (રાજકોટ) તત્વસભર શાસ્ત્ર સ્વાધ્યાય કરાવશે દરેકને લાભ લેવા નિમંત્રણ છે. શ્રી પર્વાધિરાજ દશલક્ષણી ધર્મ પર્યુષણ પર્વ નિમિતે દૈનિક સવારના ૭ થી ૧૦:૧૫ અભિષેક, પુજા, પ્રવચન તથા ભકિત, બપોરના ૩:૧૫ થી ૪:૧૫ પ્રવચન તથા ભકિત તેમજ રાત્રીના ૭ થી ૯:૨૦ આરતી, પ્રતિક્રમણ તથા પ્રવચન યોજાશે.

વિશેષ કાર્યક્રમમાં મંગળવાર તા.૨૫ ઉત્તમ ક્ષમાવણી દિન શ્રી સુવર્ણપુરી (સોનગઢ) ખાતે ક્ષમાવણી બસનું આયોજન કરેલ છે. આ સમગ્ર આયોજનો શ્રી આદિનાથ દિગંબર જીન મંદિર, ૧૫- પંચનાથ પ્લોટ, રાજકોટ ખાતે યોજાશે.

(11:42 am IST)
  • સુરત;વેડરોડ સિંગણપોર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયું ડીમોલેશન; સિંગણપોર ચાર રસ્તા પર આવેલી દુકાનોના પાર્કિંગની જગ્યા પર કરાયેલા દબાણને દૂર કરાયું ;મોટા પ્રમાણ માં ઓટલા હોર્ડિંગસ તોડી પાર્કીંગ ખુલ્લું કરાયું access_time 12:03 am IST

  • જેતપુરમાં સાડી ઉદ્યોગો દ્વારા પ્રદુષણનો મુદ્દો:સાડી ઉદ્યોગને ત્રણ માસ માટે મળી રાહત:ડાઈંગ એસોસિએશને લેખિતમાં ખાતરી અપાતા GPCB એ લીધો નિર્ણય:GPCBએ પ્રદુષણની ખામીયો દૂર કરવા ત્રણ માસનો સમય આપ્યો:સાડી ઉદ્યોગોના ક્લોઝર પર GPCB એ ચાલુ કરવાનો હુકમ આપ્યો. access_time 11:02 pm IST

  • વડોદરામાં રાફેલ મુદ્દે કોંગ્રેસની રેલી યોજાઈ :શાહિદ ભગતસિંહ ચોકથી નીકળી રેલી:રેલીમાં રાફેલનું મોડલનું પ્રદશન :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રેલીમાં લીધો ભાગ:કલેક્ટરને આપ્યું આવેદન access_time 11:57 pm IST