Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

મોટી ટાંકી ચોકમાં મહારાષ્ટ્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવ

ભકિતગીતો- ભજન- ઈનામ વિતરણ- અંતાક્ષરી મહિલા મંડળની બહેનોના હસ્તે આરતી- મરાઠી ચિત્રપટ રજૂ થશે

રાજકોટ,તા.૧૨: મહારાષ્ટ્ર મંડળ રાજકોટ દ્વારા સતત ૮૮માં વર્ષે પણ તા.૧૩ થી તા.૨૩ સુધી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. યોગી ટાવર્સ, મોટી ટાંકી, ચિત્રલેખા ચોક રાજકોટ ખાતે યોજાનારા આ સાર્વજનિક ગણેશોત્સવને લઈને રાજકોટમાં વસતા મહારાષ્ટ્રિયનોમાં ભારે ઉત્સાહની લાગણી પ્રવર્તતી રહી છે.

ગણેશોત્સવનાં કાર્યક્રમની રૂપરેખા અનુસાર કાલે તા.૧૩ને ગુરૂવારે બપોરે ૧૨ વાગે શ્રી અને શ્રીમતિ કૈલાશ ગાવડેનાં હસ્તે ગણેશ સ્થાપના થશે. તેમજ તે જ દિવસે સાંજે ૮:૩૦ વાગે આરતી પછી સૂરમિલન સંસ્થાના કલાકારો દ્વારા ભકિતગીતોનો કાર્યક્રમ રજૂ થશે. આ ઉપરાંત તા.૧૪ને શુક્રવારે સાંજે ૮:૩૦ વાગે જલારામ મહિલા ભજનમંડળના ભજનનો રંગારંગ કાર્યક્રમ યોજાશે.

ગણેશોત્સવ અંતર્ગત તા.૧૫ને શનિવારનાં રોજ રાત્રે બાળકોની અભિવ્યકિત મહિલાઓ માટે રમતગમત અને વિદ્યાર્થીઓ માટે ઈનામ વિતરણ સમારોહ યોજાશે. સ્મૃતિ પારિતોષિક મંડળના સભાસદોનાં બાળકો માટે યોજાનાર. આ ઈનામ વિતરણ કાર્યક્રમમાં એ ગ્રેડ અથવા ૭૦ કે તેથી વધુ ટકા માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓને આ વર્ષની માર્કશીટની નકલ મંડળની ઓફીસે સાંજે ૬ થી ૭:૩૦ સુધીમાં જમા કરાવવાની રહેશે.

આ ઉપરાંત તા.૧૬ને રવિવારે સવારે ૯ વાગે શ્રી અને શ્રીમતિ દ.પૂ. કાટદરે દ્વારા સહસ્ત્રાવર્તન થશે. જયારે રાત્રે ૮:૩૦ની આરતી પછી મહારાષ્ટ્ર મહિલા મંડળની બહેનો દ્વારા વિવિધ કાર્યક્રમ રજૂ થશે. નિર્ધારીત થયેલા કાર્યક્રમો અનુસાર તા.૧૭ને સોમવારનાં રોજ સાંજે ૬:૩૦ વાગે સત્યસાંઈ બાબા ભજનમંડળ દ્વારા ભજનની પ્રસ્તુતિ થશે.

આગામી તા.૧૯ને બુધવારે રાત્રે કેરમ, ચેસ, બુદ્ધિબળ અને રંગોળી સહિતના સ્પર્ધાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત તા.૨૦ને ગુરૂવારે રાત્રે વકૃત્વ સ્પર્ધાનું આયોજન થયું છે. આ સ્પર્ધામાં વધતી જનસંખ્યા, વધતા વૃદ્ધાશ્રમો અને નોટબંધી જેવા વિષયો પર વકતાઓ પોતાના વિચારો રજૂ કરશે. ઉપરાંત તા.૨૧ને સોમવારે રાત્રે ૮:૩૦ વાગ્યાની આરતી બાદ મરાઠી ચિત્રપટની પ્રસ્તુતિ થશે.

આ ઉપરાંત તા.૨૨ને શનિવારે બપોરે ૪ વાગે ગણેશોત્સવમાં સત્યનારાયણની પૂજાનું આયોજન થયું છે અને તે જ દિવસે રાત્રે મંડળના સભાસદો માટે અંતાક્ષરી સ્પર્ધા અને ઈનામ વિતરણ થશે. આ અંતાક્ષરી સ્પર્ધાનું સંચલન શ્રી અને શ્રીમતિ મનીષ પરળીકર કરશે. ગણેશોત્સવના અંતિમ દિને તા.૨૩ને રવિવારે બપોરે ૧૧ વાગે ગણેશ વિસર્જનયાત્રા યોજાશે અને વિસર્જન બાદ મહારાષ્ટ્ર મંડળની ઓફિસ ૧૧૪ યોગી ટાવર, મોટી ટાંકી, ચિત્રલેખા ચોક રાજકોટ ખાતે પ્રસાદ વિતરણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકોએ તા.૧૪ સુધીમાં મંડળનાં કાર્યાલયમાં નામ નોંધણી કરાવવાની રહેશે. મહારાષ્ટ્ર મંડળ દ્વારા રાજકોટમાં સતત ૮૮માં વર્ષે યોજાય રહેલ આ ગણેશ મહોત્સવને લાઈટિંગ  ડેકોરેશન વગેરેથી ભવ્યાતિભવ્ય, આકર્ષક અને પરંપરાગત રીતે ઉજવવામાં આવશે.

આ મહોત્સવનો સફળ બનાવવા મંડળનાં પ્રમુખ કુશલ પરળીકર, ઉપપ્રમુખ દ.પુ. કાટદરે, સચિવ એલ.ડી.વાઘમારે ઉપરાંત મંડળના અગ્રેસરો સર્વ કૈલાશ ગાવડે, વિજય દેવરૂખકર, સંતોષ જાધવ, અશોક ડોળે, અનિલ પાટીલ, રવિ કાટદરે, શીલાબેન કાટદરે, રત્નાબેન ડોળે, વંદનાબેન સર્વે વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૧૪)

(3:43 pm IST)
  • વડોદરામાં રાફેલ મુદ્દે કોંગ્રેસની રેલી યોજાઈ :શાહિદ ભગતસિંહ ચોકથી નીકળી રેલી:રેલીમાં રાફેલનું મોડલનું પ્રદશન :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રેલીમાં લીધો ભાગ:કલેક્ટરને આપ્યું આવેદન access_time 11:57 pm IST

  • નરેન્દ્રભાઈ મોદી તેમનો ૬૮મો જન્મદિવસ વારાણસીમાં ઉજવશે access_time 4:05 pm IST

  • અમદાવાદમાં વેપારીનું અપહરણ- લૂંટ : ૧૦ લાખની ખંડણીની માંગ? : અમદાવાદના વસ્ત્રાપુરમાં વેપારીનું અપહરણ કરી બે શખ્સોએ લૂંટ ચલાવી હોવાનું જાણવા મળે છે : વેપારીએ મહિલાને લીફટ આપ્યા બાદ આ ઘટના બની હોવાનું બિનસત્તાવાર જાણવા મળે છે : અપહરણકારોએ રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવી વેપારીને પણ ઉપાડી ગયા : ૧૦ લાખની ખંડણીની માંગ કરી છે. access_time 3:44 pm IST