Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

રામનગરના જગદીશભાઇ ભરવાડને જ્ઞાતિ બહાર મુકવાની આગેવાનોની ધમકીઃ વડાપ્રધાનને રજૂઆત

દિકરીને વાંક વગર સાસરિયાએ કાઢી મુકીઃ આગેવાનોએ સમાધાન કરાવવા ૧૧ લાખ લીધાઃ બાદમાં આ રકમ દિકરીના માવતરને પાછી આપવાને બદલે તેણીના સાસરિયાને આપી દીધાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૨: ગોંડલ રોડ પી. ડી. માલવીયા કોલેજ પાસે રામનગર-૪માં રહેતાં ભરવાડ જગદીશભાઇ હદાભાઇ ડાભીએ વડાપ્રધાનને ઉદ્દેશીને કલેકટરશ્રી તથા એ-ડિવીઝન પોલીસ મથકમાં અરજી કરી ન્યાય માંગ્યો છે. તેણે જણાવ્યું છે કે તેની દિકરી નિતાના લગ્ન કાનજી રાજાભાઇ રાતડીયા સાથે સાત વર્ષ પહેલા થયા છે. દિકરીને બાદમાં કોઇપણ જાતના વાંક વગર મારકુટ કરી કાઢી મુકવામાં આવી છે. આ મામલે સમાજના આગેવાનોની મદદ માંગતા તેઓએ રૂ. ૧૧ લાખ લઇ  સમાધાનની વાત આગળ વધારી હતી. પણ તેર મહિના સુધી કોઇ નિવેડો ન આવતાં બાદમાં આ રકમ પોતાને દિકરીના પિતાને પાછી આપવાની બદલે દિકરીના સાસરિયાને આપી દીધી છે. હવે સાસરિયા દિકરીને તેડી પણ નથી જતાં અને ૧૧ લાખની રકમ પણ પાછી આપતાં નથી.

જગદીશભાઇએ લેખિત ફરિયાદ-રજૂઆતમાં આગળ જણાવ્યું છે કે અમારી દિકરી અને તેના પતિ વચ્ચે અમારા સમાજના આગેવાનોને સમાધાન કરાવી આપવાનું અમે કહેતાં આગેવાનોએ મધ્યસ્થી કરી હતી અને તે માટે રૂ. ૧૧ લાખ સમાજમાં જમા કરાવવાનું કહ્યું હતું. તેમજ જે પક્ષકાર કસૂરવાન સાબિત થાય તેણે દંડ ભોગવવો પડશે તેવું નક્કી કર્યુ હતું. આથી અમે રૂ. ૧૧ લાખ જમા કરાવ્યા હતાં. બે માસમાં નિવેડો આવી જશે તેવું કહેવાયું હતું. પણ તેના બદલે ૧૩ મહિના સુધી કોઇ નિવેડો ન આવતાં અને અમારી દિકરીને તેના સાસરિયા સ્વીકારવા તૈયાર ન થતાં ફરીથી જ્ઞાતિના આગેવાનોને વાત કરતાં તેઓએ અમારી કે અમારા કુટુંબીજનોની સંમતી વગર અમે જમા કરાવેલી રકમ અમને પરત આપવાને બદલે દિકરીના સાસરિયાને આપી દીધી છે. આ બાબતનું વિડીયો રેકોર્ડિંગ પણ અમે અગાઉ પોલીસ સમક્ષ રજૂ કર્યુ છે. પરંતુ હજુ સુધી કોઇ કાર્યવાહી થઇ નથી.

અમારી દિકરીને હળાહળ અન્યાય થઇ રહ્યો છે અને જ્ઞાતિના આગેવાનો એવી ધમકી આપે છે કે જો જ્ઞાતિ વિરૂધ્ધ જશો તો તમને જ્ઞાતિની બહાર કાઢી મુકવામાં આવશે, અમારી પાસે તો આવડો મોટો સમાજ છે અને તમારો પરિવાર નાનકડો છે...તેવું કહી ધમકાવાય છે. આ બાબતના રેકોર્ડિંગ પણ પુરાવા રૂપે રજુ કરાયા છે. પરંતુ નક્કર કાર્યવાહી થઇ નથી.

જગદશીભાઇએ આગળ જણાવ્યું છે કે અમારી દિકરી સાસરીયે પરત જવા તૈયાર જ છે. પરંતુ એ લોકો તેણીને લઇ જવા તૈયાર નથી અને અમારી રકમ આપવા પણ તૈયાર નથી. જગદીશભાઇએ લેખિત અરજીમાં કાનજીભાઇ રાતડીયા, રાજાભાઇ, પુનાભાઇ, ઇડાભાઇ, જીવણભાઇ, કરસનભાઇ, હીરાભાઇ, નારણભાઇ, લીંબાભાઇ, હરિભાઇ, બાબુભાઇ સહિતના નામો લખી આક્ષેપો કર્યા છે.

આ મામલે પોલીસ તાકીદે કડક કાર્યવાહી કરી પોતાને ન્યાય અપાવે તેવી આજીજી જગદીશભાઇ ડાભીએ કરી છે. આ અરજીની નકલો મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, મુખ્ય સચિવ ગૃહ, શહેર પોલીસ કમિશ્નર, કલેકટર, માનવ અધિકાર આયોગને પણ મોકલવામાં આવી છે. (૧૪.૯)

(3:39 pm IST)
  • આગામી ૬ મહિનામાં અમદાવાદના રોડ પર ૫૦ ઈલેકટ્રીક બસ દોડશેઃ વિજય નહેરા :ફલેગશીપ ફોરેન એન્ડ સિકયોરિટી પોલિસી કોન્ફરન્સમાં access_time 4:07 pm IST

  • અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા માટે 120 એસટી બસ મુકાશે :5,50 કરોડની આવકનો અંદાજ :હાલનું કાયમી બસ સ્ટેન્ડ મેળા દરમિયાન અઠવાડિયું બંધ :પાંચ અન્ય સ્થળે હંગામી બસ સ્ટેન્ડ બનાવી નવ બુથ ઉપરથી એસ,ટી,બસ વિવિધ રૂટ પર દોડાવાશે:રાજ્ય એસ. ટી. નિગમ મા જનરલ મેનેજર નિખીલ બિરવેએ આપી માહીતી access_time 11:01 pm IST

  • રાજુલા પંથકમાં દારૂની બદી નાબૂદ કરો :રાજુલા તાલુકાના 5 ગામોની મહિલાઓ પોહચી અંબરીશ ડેર ના ફામ હાઉસ પર:સાંચબંદર,ખેરા, પટવા, વિક્ટર,પીપાવાવ ધામ સહિત ગામડા ની 200થી વધુ મહિલાઓએ રજૂઆત કરી:ગામડામાં દેશી દારૂ,નશીલા પદાર્થની બોટલનું બે ફામ વેચાણ અટકાવવા કરી રજુઆત:ધારાસભ્ય અંબરીશ ડેર વિધાનસભાના સત્રમા આ મુદ્દો ઉછાળશે access_time 10:58 pm IST