Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

સવાર જેની શુભમાં જાય, દિવસ આખો તેનો લાભમાં જાયઃ પૂ.ગુરૂદેવ

પર્યુષણ પર્વના સાતમા દિવસે ડુંગર દરબારમાં આત્માના નેચર પર પ્રભુની સહી કરવાના સંકલ્પ સાથે રાષ્ટ્રસંત પૂ.ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં શુભારંભ

રાજકોટ,તા.૧૩: પર્વાધિરાજ પર્યુષણ પર્વના સપ્તમ દિવસે રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં પરમ પૂ.ગુરુદેવો દિવ્યાત્માના જયજયકાર સાથે આજની ધર્મસભાનો શુભારંભ થયો હતો. આજના સંઘપતિ તરીકે માણાવદરના ચંદ્રકાન્ત નાનાલાલ દોશી(રાજુ એન્જીનીયરીંગ -શાપર) પરિવારે પૂ.ગુરુદેવના આર્શીવાદ અને અનુમોદના સાથે આજની ધર્મસભાનો ધર્મલાભ લીધો હતો. સાથે સાથે દોશી પરિવારની સેવાભાવનાને બિરદાવતા આવાં કર્યો નિરંતર કરે તેવા આશીર્વાદ આપ્યાં હતાં.

મારા નેચર પર પ્રભુ તમારી સીગ્નેચર થઈ જાય તો મારૃં ફયુચર સુધરી જાય એવાં ભાવ સાથે પૂ.ગુરુદેવે આજની ધર્મસભાનો પ્રારંભ કરાવ્યો હતો. ધર્મ સાથે સાયન્સના જોડાણને  સમજાવતાં પૂ.ગુરુદેવે સમજાવ્યું હતું કે,સાચા ભાવિકના દિવસની શરૂઆત પ્રાર્થનાથી થવી જોઈએ. પ્રાર્થના, બોડીની એનર્જીને બેલેન્સ કરવાનું કામ કરે છે જેના દ્યરનો દિવસ પ્રાર્થનાથી શરૂ થાય તે ઘરમાં મેડિકલનું બિલ ઘટતું જાય છે. આપણાં ઘરમાં પ્રાર્થના જયારથી ઘટી છે ત્યારથી પ્રોબ્લેમ્સ વધતાં જાય છે. ભાવિકનો બીજો સંકલ્પ હોવો જોઈએ પ્રભુ અથવા સંતદર્શન. સવારે જયાં સુધી પ્રભુ અથવા ગુરુભગવંતોના દર્શન ન થાય ત્યાં સુધી પાણી ન પીવાનો સંકલ્પ કરાવતાં પૂ.ગુરુદેવે જણાવ્યું હતું કે સવારમાં સંતદર્શન કરવાથી વિકારોનું શમન થાય છે.દર્શન થાય ત્યાં નયન શાંત થઈ જાય અને પ્રભુના સીગ્નેચર થઈ જાય છે. ત્રીજો સંકલ્પ કરાવ્યો હતો સત્સંગનો જીવનમાં સત્સંગનું અનેરું મહત્વ છે.જીવને પરમાત્માની વાણીથી ભાવિત કરવાની શ્રેષ્ઠ ચાવી સત્સંગ છે.

આવતીકાલની સંવત્સરીને સાર્થક કરવી હોય તો અહંકાર, કડવાશ નામના રાક્ષસની લાશને પ્રતિક્રમણના સ્મશાનમાં બાળીને ક્ષમાપના કરવી એ જ ભાવિક કલ્યાણમાર્ગનો પથિક બને છે.એમ પૂ.ગુરુદેવે ફરમાવ્યું હતું. દરેક ભાવિક દ્વારા પોતાની સવાર, બપોર, સાંજ, ચાલ,  શબ્દ, દ્રષ્ટિ,  શ્વાસ કેવો હોવો જોઈએ તેની અનુપ્રેક્ષા થાય તેના પર પ્રભુની સીગ્નેચર થઈ જાય છે. આજના સાતમા દિવસે સ્વકલ્યાણ સાથે સર્વકલ્યાણ ભાવ સાથે પ્રભુ કરે તે હું કરું અને હું કરું તે પ્રભુ કરે તે ભાવના જાગવા લાગે ત્યારે પ્રભુની સીગ્નેચર નેચર પર થઈ જાય તો જીવન સાર્થક થઈ જાય.

આઠ વર્ષના લક્ષ મોટાણી અને છ વર્ષની લબ્ધી મોટાણીએ પ્રભુ મહાવીરની સ્તુતિ પુચ્છીસુણમ્ સૂત્ર રજૂ  કરેલ.

આવતીકાલે સંવત્સરીના પાવન અવસરે ડુંગર દરબારમાં ૮.૩૦ થી ૧૨ સુધી સ્વ સાથે સર્વની ક્ષમાપના પ્રવચન, ૩.૩૦ થી ૫.૨૦ સમૂહ આલોચના (અંતરના ચક્ષુને ખોલવાની પ્રક્રિયા) તથા ૬થી સમૂહ પ્રતિક્રમણનું આયોજન કરવામાં આવ્યું છે.જેની દરેક શ્રાવકોએ નોંધ લેવા અનુરોધ કર્યો હતો. અંતમાં,ધર્મસભામાં રહેલાં ભાવિકોને આંખ પર પટ્ટી બંધાવીને મહાવિદેહક્ષેત્રની યાત્રા કરાવવાનો અનેરો અનુભવ પૂ.ગુરુદેવે કરાવ્યો હતો. એકવીસ વર્ષ બાદ રાજકોટ રોયલ પાર્ક ઉપાશ્રયના આંગણે  ૭૫ થી વધુ સંત સતીજીઓના સમૂહ ચાતુર્માસમાં  ૫૫૦ જેટલાં ભાવિકોએ ૬૦ ઉપવાસ, ૩૬ ઉપવાસ, ૨૫ ભાવિકોના માસક્ષમણ, સિધ્ધીતપ, ૫૦ ભાવિકોના ધર્મચક્ર, સોળભથ્થુ, અગિયાર ઉપવાસ,નવ્વાઈ અઠ્ઠાઈ જેવાં ઉગ્ર તપની આરાધના કરી છે તમામ તપસ્વીઓના સમૂહ પારણાનું આયોજન પૂ.ગુરુદેવની નિશ્રામાં ડુંગર દરબાર મુકામે શુક્રવારના રોજ રાખવામાં આવેલ છે.

ઘાટકોપર પારસધામનાં ટ્રસ્ટીશ્રી કિરીટભાઈ મહેતા તરફથી ગરીબ પરિવારોને ડાયાલિસીસ સહાય મળે તે હેતુથી બે ડાયાલીસિસ મશીનનું અનુદાન જાહેર થયું હતું. માતુશ્રી ઈન્દિરાબેન કામદાર (સેવા-વૈયાવચ્ચ), બકુલભાઈ રૂપાણી (સમાજ સેવા), નરેશભાઈ પટેલ (સમાજ સેવા),  રમેશભાઈ ઠક્કર (જીવદયા ક્ષેત્રે યોગદાન)નું આજનાં અવસરે રાજકોટ રત્નનાં એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. વિશેષમાં, બોલબાલા ટ્રસ્ટનાં શ્રી જયેશભાઈ ઉપાધ્યાયનું રાષ્ટ્રસંત ગુરુદેવશ્રીનાં શુભ હસ્તેથી શ્રીયંત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં હતાં.(૩૦.૧૫)

(3:55 pm IST)