Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

વંડી ટપી ઘરમાં ઘુસેલા શખ્‍સનો યુવતિ પર નિર્લજ્જ હુમલોઃ યુવતિના ભાઇએ ઢગાના નાક પર બટકુ ભરી લોહી કાઢયા

ફળીયામાં વાસણ સાફ કરવા બેઠી'તી ત્‍યારે ધસી આવ્‍યો, બાવડુ પકડી રૂમમાં ખેંચી ગયો ને છેડછાડ ચાલુ કરીઃ પ્રતિકાર કરતાં માર માર્યોઃ એ વખતે જ યુવતિના પિતા અને ભાઇ આવી જતાં ઝપાઝપીના દ્રશ્‍યો સર્જાયા : ઝપાઝપીમાં અજાણ્‍યા શખ્‍સનું ટી-શર્ટ નીકળી ગયું: સ્‍પ્રે, રેઇનકોટ, પાકીટ, સેન્‍ડલ મુકી ભાગી ગયોઃ યુનિવર્સિટી પોલીસે શોધખોળ આદરીઃ યુવતિએ કહ્યું-મેં કદી તેને જોયો નથી કે ફોન પર વાત નથી કરી, ઓચીંતો જ વંડી ઠેંકીને ઘરમાં આવી ગયો હતો

રાજકોટ તા. ૧૩: શહેરમાં ઘરના નવેળાના ભાગે ફળીયામાં વાસણ સાફ કરવા બેસેલી યુવતિને ઘરની વંડી ટપીને ઘુસી આવેલા અજાણ્‍યા શખ્‍સે બાવડુ પકડી રૂમમાં ખેંચી જઇ મોઢે ડુચો દઇ છેડછાડ કરતાં અને તેણીએ પ્રતિકાર કરતાં તેને ઢીકાપાટુનો માર મારતાં તેમજ એ વખતે જ યુવતિના પિતા અને ભાઇ આવી જતાં તેની સાથે ઝપાઝપી કરી અજાણ્‍યો શખ્‍સ ભાગી જતાં ચર્ચા જાગી છે. પોતાની સાથે આ શખ્‍સ બેગમાં સ્‍પ્રે, રેઇનકોટ લાવ્‍યો હતો. આ વસ્‍તુ તેમજ પાકીટ અને સેન્‍ડલ મુકીને ભાગ્‍યો હતો. ઝપાઝપીમાં તેનું ટી-શર્ટ પણ નીકળી ગયું હતું અને યુવતિના ભાઇએ તેના નાક પર બટકુ ભરતાં લોહીલુહાણ થઇ ગયો હતો.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે  ૨૨ વર્ષિય યુવતિની ફરિયાદ પરથી અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવતિએ પોલીસ સમક્ષ વિગતો જણાવતાં કહ્યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને  ઘરકામ કરુ છું. મારા લન થયા નથી અને મારા માતા અલગ રહે છે. શુક્રવારે સવારે અગિયારેક વાગ્‍યે મારા પિતા અને ભાઇ તેમના કામે ગયા હતાં ત્‍યારે હું ઘરે એકલી હતી અને બપોરના દોઢેક વાગ્‍યે હું ઘરના પાછળના ભાગે નવેળામાં આવેલા ફળીયામાં વાસણ સાફ કરતી હતી. આ વખતે ઘરનો મેઇન દરવાજો બંધ હતો અને પાછળનો દરવાજો ખુલ્લો હતો.

એ દરમિયાન અમારા ઘરની ડેલી ટપી ફળીયામાં થઇ એક અજાણ્‍યો પુરૂષ મારી પાસે આવી ગયો હતો અને મારુ બાવળુ પકડી મને અમારા ઘરના રૂમમાં લઇ ગગયો હતો અને બિભત્‍સ માંગણી કરી હતી. મેં ના પાડતાં તેણે મને મોઢે ડુચો દીધો હતો અને છેડતી કરવા માંડયો હતો.   મેં તેને છોડી દેવાનું કહેતાં તેણે વધુ છેડતી કરી હતી. હું તાબે ન થતાં મને ઢીકાપાટુનો માર મારવા માંડયો હતો.

એ દરમિયાન દસેક મિનીટ બાદ મારા બાપુજી અને ભાઇ આવી જતાં ઘરનો દરવાજો અંદરથી બંધ હોઇ બાપુજીએ દરવાજો ખખડાવતાં એ શખ્‍સને બીક લાગતાં તેણે દરવાજો ખોલ્‍યો હતો અને મારા ભાઇ તથા બાપુજીએ તેને અટકાવતાં તેની સાથે પણ ઝપાઝપી કરી હતી. બંનેએ તેને પકડવાનો પ્રયાસ કરતાં અને એ શખ્‍સનું ટી-શર્ટ પકડતાં ટી-શર્ટ નીકળી ગયું હતું. મારા ભાઇએ એ શખ્‍સને નાક પર બટકુ ભરી લેતાં તેને લોહી નીકળવા માંડયું હતું અને મારા ભાઇનો શર્ટ લોહીવાળો થઇ ગયો હતો.

અજાણ્‍યો શખ્‍સ પોતાની સાથે બેગમાં સ્‍પ્રે, રેઇનકોટ અને પાકિટ લાવ્‍યો હતો, આ બેગ અને પોતાના સેન્‍ડલ પણ ફળીયામાં મુકીને ભાગી ગયો હતો. આ પછી અમે ફરિયાદ નોંધાવવા પહોંચ્‍યા હતાં. એ શખ્‍સ આશરે ૨૫ થી ૩૦ વર્ષનો હતો. હું તેને ઓળખતી નથી કે કદી તેની સાથે ફોનથી વાત થઇ નથી. જો ફરી વખત સામે આવે તો એને ઓળખી શકું. તેમ યુવતિએ જણાવતાં પીએસઆઇ એમ. આર. ઝાલાએ આઇપીસી ૩૫૪ (ક), ૪૫૨, ૩૨૩ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

(4:08 pm IST)