Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

પોલીસ સ્‍ટેશનમાંથી ભાગેલી હેતલ અને પૂજા પૈકીની હેતલ સાથે બીજી ત્રણ તસ્‍કરણી પણ દબોચાઇ ગઇ

લોકલ ક્રાઇમ બ્રાંચ ઝોન-૨ના પીએસઆઇ એ. એલ. બારસીયાની ટીમે હેતલ, જમના, લખી અને ધનીને ધ્રોલથી પકડીઃ વધુ બે ગુનાના ભેદ ખુલ્‍યાઃ પ્ર.નગર પોલીસ સ્‍ટેશનેથી ભાગેલી પૂજા ઉર્ફ રમા હજુ ફરાર : હેડકોન્‍સ. હરપાલસિંહ જાડેજા, રાહુલભાઇ ગોહેલ, જેન્‍તીગીરી ગોસ્‍વામી અને અમીનભાઇની બાતમી પરથી ચારેયને પકડી લેવાઇ હતી

રાજકોટ તા. ૧૩: શહેરના પ્ર.નગર પોલીસે બે તસ્‍કરણી પૂજા કાનાભાઇ દાતણીયા  અને હેતલ ઉર્ફ કાજલ કાનાભાઇ દાતણીયાને ચોરીના ગુનામાં પકડી હતી. ગત દસમી તારીખે પંચનાથ પ્‍લોટ-૧૬માં પરાગ એપાર્ટમેન્‍ટના પાર્કિંગમાં સિકયુરીટી રૂમમાં રહેતાં હિમાલ રામસિંગ વિશ્વકર્માની રૂમમાંથી બે અજાણીસ્ત્રી રૂા. ૭ હજારની રોકડ ચોરી ગઇ હતી. હિમાલની પત્‍નિ મમતા ઘરે એકલી હતી ત્‍યારે આ બંને માંગવાના બહાને આવી હતી અને રોકડ ચોરી ગઇ હતી. આ ગુનામાં બંનેને પકડી લવાઇ હતી. અહિથી ગઇકાલે પીએસઓ રૂમની સાફ સફાઇ થતી હતી ત્‍યારે નજર ચુકવી બંને ભાગી ગઇ હતી. આ બે પૈકીની એક હેતલને તથા તેની સાથે બીજી ત્રણ તસ્‍કરણીને લોકલ ક્રાઇમ બ્રાંચ ઝોન-૨ની ટીમે ધ્રોલથી પકડી લીધી છે. અન્‍ય બે ચોરીના ભેદ પણ ખુલ્‍યા છે.

પ્ર.નગર પોલીસે પોલીસ સ્‍ટેશનમાંથી ભાગી ગયેલી પૂજા અને કાજલ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો. આ બંને ધ્રોલ તરફ ભાગીને ગયાની બાતમી એલસીબી ઝોન-૨ના હેડકોન્‍સ. હરપાલસિંહ જાડેજા, રાહુલભાઇ ગોહલ, કોન્‍સ. જયંતિગીરી ગોસ્‍વામી અને અમીનભાઇ ભલુરને મળતાં ત્‍યાં પહોંચી લતીપર રોડ પાસેની ઝૂપડપટ્ટીમાંથી કાજલ ઉર્ફ હેતલ કાનાભાઇ માથાહુરીયા (દાતણીયા) ઉર્ફ (હેતલ રઘુભાઇ સાડમીયા (ઉ.૨૦-રહે. લીમડા ચોક રાજકોટ, મુળ ધ્રોલ)ને પકડી લેવાઇ હતી.

આ ઉપરાંત અન્‍ય ત્રણ મહિલાઓ જમના વલ્લભ માથાહુરીયા (દેવીપૂજક)  (ઉ.૪૫), લખી મુકેશ જખાણીયા (ઉ.૩૫) અને ધની જીવણ વાજેલીયા (ઉ.૨૨) (રહે. ત્રણેય ધ્રોલ ઝૂપડપટ્ટી)ને પણ પકડી લેવામાં આવી હતી. જો કે પૂજા ઉર્ફ રમા દાતણીયા હાથમાં આવી નહોતી. હેતલને ફરીથી પ્ર.નગર પોલીસને સોંપવા તજવીજ થઇ હતી.

હેતલ ઉપરાંત તેની સાથે પકડાયેલી જમના, લખી અને ધનીએ અગાઉ એ-ડિવીઝન પોલીસની હદમાંથી એકાદ લાખના કોપર વાયરની ચોરી અને યુનિવર્સ્‍ટિી પોલીસ મથક વિસતારમાં પણ એક ચોરી કરી હોવાનું કબુલ્‍યું હોઇ આ ચારેયનો કબ્‍જો આ બંને પોલીસ સ્‍ટેશન દ્વારા મેળવી વધુ તપાસ કરવામાં આવશે.

આ તસ્‍કરણીઓ પોતાની સાથે બાળકો રાખી ભિક્ષાવૃતિ કરવાના બહાને મોટે ભાગે અલગ અલગ સોસાયટીઓના પાર્કિંગમાં ચોકીદારોના ઘર આવેલા હોઇ ત્‍યાં જઇને ચોરી કરી ભાગી જવાની આદત ધરાવે છે. તેમજ જો પકડાઇ જાય તો પોતાના નામ સરનામા ખોટા જણાવી બચવાનો પ્રયાસ કરે છે. પકડાયેલી ચાર પૈકીની હેતલની પ્ર.નગર, યુનિવર્સિટી અને એ-ડિવીઝન પોલીસના ચાર ગુનામાં સંડોવણી છે.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી સુધીરકુમાર દેસાઇની રાહબરીમાં પીએસઆઇ એ. એલ. બારસીયા, હેડકોન્‍સ. વિરેન્‍દ્રસિંહ ઝાલા, મોૈલિકભાઇ સાવલીયા, હરપાલસિંહ જાડેજા, રાહુલભાઇ ગોહેલ, કોન્‍સ. અમિનભાઇ ભલુર, મનિષભાઇ સોઢીયા, જયપાલસિંહ સરવૈયા, જેન્‍તીગીરી ગોસ્‍વામી, ધર્મરાજસિંહ ઝાલા અને શ્રધ્‍ધાબેન ડાંગરે આ કામગીરી કરી હતી.

 

જમુના ‘સાતનારી' ગેંગની સભ્‍યઃ પતિ હત્‍યા-ચોરીના ગુનામાં જનમટીપની સજા ભોગવે છે

પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ  હેતલ ઉર્ફ કાજલ સાથે ઝડપી લેવામાં આવેલી કુખ્‍યાત ગુનાહિત ઇતિહાસ ધરાવતી સાતનારી ગેંગની સભ્‍ય છે. તેનો પતિ વલ્લભ મનજી માથાહુરીયા હત્‍યા અને ચોરીના ગુનામાં જનમટીપની સજા પડતાં જેલમાં છે.

(4:09 pm IST)