Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

નવધા કલ્‍ચરલ કલબ દ્વારા ગુજરાતી ફિલ્‍મ ‘ફકત મહિલાઓ માટે'ની પ્રમોશનલ ઇવેન્‍ટ યોજાઇ

અમિતાભ આ ફિલ્‍મમાં અભિનય આપી રહ્યા છે : ધોળકિયા સ્‍કુલ ખાતે કલાકારોનું આગમન

રાજકોટ,તા. ૧૩ : જન્‍માષ્‍ટમીની રજાઓ દરમિયાન આગામી તા. ૧૯ ઓગષ્‍ટના રોજ રજુ થઇ રહેલી ગુજરાતી ફિલ્‍મ ‘ફકત મહિલાઓ માટે'ની પ્રમોશનલ ઇવેન્‍ટ આજરોજ નવધા કલ્‍ચરલ કબલ દ્વારા ધોળકિયા સ્‍કૂલ ખાતે યોજવામાં આવી હતી.

અમિતાભ બચ્‍ચન પ્રથમ વખત જે ગુજરાતી ફિલ્‍મમાં  અભિનય આપી રહ્યા છે તે ફિલ્‍મના કલાકારો યશ સોની અને દિક્ષા જોષી આ ઇવેન્‍ટ માટે નવધા કલ્‍ચરલ કલબના મહેમાન બન્‍યા હતા. કલબના પ્રમુખ મિતુલ ધોળકિયા અને સેક્રેટરી અમીબેન ધોળકિયાએ આ બંને કલાકારોને આવકાર્યા હતા. ધોળકિયા સ્‍કૂલ ખાતે બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત વિદ્યાર્થીઓને યશ સોની અને દિક્ષા જોષી મળ્‍યા હતા. અને પોતાની આવી રહેલી ફિલ્‍મ ‘ફકત મહિલાઓ માટે' વિષે વાત કરી હતી.

ગુજરાતી સિનેમાના આ બંને લોકલાડીલા કલાકારોને પ્રત્‍યક્ષ નિહાળી વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્‍સાહિત થયા હતા તો સાથોસાથ ઉપસ્‍થિત સેંકડો વિદ્યાર્થીઓનો પ્રેમ અને લાગણી જોઇ આ બંને કલાકારો પણ ગદગદીત થયા હતા. વિદ્યાર્થીઓએ આ બંને કલાકારો સાથે થોડી પ્રશ્‍નોતરી કરવાનો પણ લ્‍હાવો મેળવ્‍યો હતો.

(4:05 pm IST)