Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

વંદે માતરમ્‌ - દેશભકિતના ગીતો સાથે તિરંગા યાત્રાનું રાષ્‍ટ્રીય શાળા ખાતે સમાપન

ગૃહમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી સહિતના આગેવાનોની હાજરીમાં ભારત માતાની પ્રતિમાને પુષ્‍પાંજલી : ગાંધીજીને સુતરની આટી પહેરાવી રાષ્‍ટ્રભાવ વ્‍યકત કરાયો

રાજકોટ તા. ૧૨ : ‘આઝાદીકા અમૃત મહોત્‍સવ' અંતર્ગત દેશવાસીઓમાં રાષ્ટ્રીય ભાવના પ્રબળ બને તે અર્થે બહુમાળી ભવન ચોક ખાતેથી મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ સહિતનાં મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં આજરોજ ત્રિરંગાયાત્રાનો  પ્રારંભ થયો હતો. આ યાત્રા જીલ્લા પંચાયત ચોકથી યાજ્ઞિક રોડ પર ફરી રાષ્ટ્રીય શાળા ખાતે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી અને ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં આવી પહોચી હતી.

બાપુના સ્‍મૃતિ સ્‍થાન એવા આઝાદીની ચળવળનો ભાગ રહી ચૂકેલી રાષ્ટ્રીય શાળા ખાતે મહાનુભાવોએ ભારતમાતાની છબી સમક્ષ દીપપ્રાગટ્‍ય કરી શીશ ઝુકાવી પુષ્‍પો અર્પણ કર્યા હતા. આ તકે દેશભક્‍તિના ગીતો વચ્‍ચે મોટી સંખ્‍યામાં ત્રિરંગા યાત્રાના સહ્‍ભાગીઓએ વન્‍દે માતરમના નારા સાથે રાષ્ટ્રીય ભાવના અને દેશની એકતા અને અખંડિતતાનો પરિચય કરાવ્‍યો હતો. ત્‍યાર બાદ મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવોએ પ્રાર્થના કક્ષમાં પૂજય બાપુની છબીને સુતરની આટી તેમજ પુષ્‍પાંજલિ અર્પી બાપુના આઝાદીના પ્રદાનને વાગોળ્‍યા હતાં.

તિરંગા યાત્રામાં મેયર ડો. પ્રદીપ ડવ, ધારાસભ્‍ય  ગોવિંદભાઈ પટેલ, સાંસદ રામભાઈ મોકરિયા, ડેપ્‍યુટી મેયર ડો. દર્શીતાબેન શાહ, રાષ્ટ્રીય શાળાના મેનેજીંગ ટ્રસ્‍ટી જીતુભાઈ પટેલ, અગ્રણી પરેશભાઈ ગજેરા, બેન્‍ડની સુરાવલીઓ સાથે પોલિસ, એન.ડી.આર.એફ, ફાયર વિભાગ સહીત સ્‍કુલ કોલેજના છાત્રો, ધાર્મિક સામાજિક સંસ્‍થાઓના લોકોએ તિરંગા યાત્રામાં સામેલ થઈ એકતા અને રાષ્ટ્રપ્રેમના દર્શન કરાવ્‍યા હતાં.

(3:39 pm IST)