Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

સમગ્ર ગુજરાત ગોૈરવ લઇ શકે તેવું કામ રાજકોટ પોલીસ અને એસઓજીની ટીમે કર્યુ છેઃ હર્ષ સંઘવી

ગુજરાતની બોર્ડર ક્રોસ કરતાં પહેલા ગુનેગારો થર થર ધ્રુજે તેવું કામ કરવા બદલ ગૃહમંત્રીએ આપ્‍યા અભિનંદન : શહેર પોલીસને સારા કામ માટે શુભેચ્‍છા આપવાની સાથે એવી ટકોર પણ કરી કે-રીઢા ગુનેગારો સામે સશક્‍ત રીતે અને મજબુતાઇથી કામ કરજો, પણ સામાન્‍ય નાગરિકથી ભુલ થાય તો સાચી દિશામાં વાળજો : જીવના જોખમે લૂંટારૂઓ સામે બાથ ભીડી રંગેહાથ ઝડપી લેનાર રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને સમગ્ર ટીમના ‘મ્‍હોફાટ' વખાણ કરતાં ગૃહ રાજ્‍ય મંત્રી હર્ષ સંઘવી : આઝાદીના અમૃત મહોત્‍વસ નિમિતે ૨૫ હિન્‍દુ પાકિસ્‍તાની પરિવારોને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નાગરિકત્‍વ અર્પણ કર્યુ અને મહાન દેશના નાગરિક બનવા બદલ આ તમામને અભિનંદન પાઠવ્‍યા : રાજકોટ ક્રાઇમ બ્રાંચના નવા લોગો ‘સતર્ક, સમર્થ, સશક્‍ત'નું અનાવરણ

આઝાદીના અમૃત મહોત્‍સવ નિમીતે રાજકોટમાં યોજાયેલી બે કિલોમિટર લાંબી તિરંગા યાત્રામાં જોડાવા રાજકોટ આવેલા ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્‍તે પાકિસ્‍તાની હિન્‍દુઓને ગુજરાતનું નાગરિકત્‍વ અર્પણ કરવામાં આવ્‍યું હતું. શ્રી સંઘવીએ આ તકે જણાવ્‍યું હતું કે તમે એક મહાન દેશના નાગરિક બન્‍યા છો તે તમારા માટે ગોૈરવભરી બાબત છે. કલેક્‍ટર કચેરી ખાતે કલેક્‍ટરશ્રી મહેશ બાબુ અને પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ દ્વારા ગૃહમંત્રીશ્રીને પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી આવકારવામાં આવ્‍યા હતાં. આ તકે રાષ્‍ટ્રીય સેવક સંઘના અગ્રણીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતાં. રાજકોટ પોલીસના એસઓજી વિભાગ દ્વારા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન જીવના જોખમે લૂટારૂ ગેંગને ઝડપી લેવાની કામગીરીના શ્રી સંઘવીએ બેમોઢે વખાણ કર્યા હતાં. તેમજ રાજકોટ પોલીસની ઉદાહરણરૂપ કામગીરીને બિરદાવી હતી. આ તકે રાજકોટ ક્રાઇમ બ્રાંચના લોગો ‘સતર્ક સમર્થ સશક્‍ત'નું પણ અનાવરણ કરવામાં આવ્‍યું હતું. જે તસ્‍વીરમાં ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ પણ નજરે પડે છે. તસ્‍વીરમાં ગૃહમંત્રીશ્રીએ ૨૫ પાકિસ્‍તાની હિન્‍દુઓને ગુજરાતનું નાગરિકત્‍વ અર્પણ કર્યુ તે સમયની તસ્‍વીરોમાં સર્ટિફિકેટ વિતરણ કરતાં શ્રી સંઘવી અને કુટીર ઉદ્યોગ તથા સહકાર રાજ્‍યમંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા નજરે પડે છે. (ફોટોઃ પ્રિન્‍સ બગથરીયા)

 

રાજકોટ તા. ૧૨: આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત આજે રાજકોટ શહેરમાં યોજાયેલી એતિહાસિક તિરંગા યાત્રામાં સામેલ થવા પહોંચેલા રાજ્‍યના ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ રાજકોટ શહેર પોલીસના ભરપુર વખાણ કરવાની સાથે સાથે ગુજરાત પોલીસ પણ કોઇપણ પ્રકારની નુકસાનદાયક ગતિવિધી સામે પહોંચી વળવા હમેંશા તૈયાર હોવાનો હુંકાર કર્યો હતો. તેમણે રાજકોટ શહેર પોલીસના વખાણ કરતાં કહ્યું હતું કે રાજકોટ પોલીસે જે કામ કર્યુ છે અને જે રીતે લોકોની લૂંટારાઓ સામે રક્ષા કરી છે તે બદલ સમગ્ર ગુજરાતને રાજકોટ પોલીસ પર ગર્વ છે. રાજકોટ શહેર એસઓજીની ટીમે જીવ સટોસટની બાજી ખેલી લૂંટારાઓ સામે બાથ ભીડી તેને ઝડપી લીધા અને લોકોને બચાવ્‍યા તે કામગીરીના પણ ગૃહમંત્રીએ વખાણ કરી અભિનંદન પાઠવ્‍યા હતાં.

શ્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે રાજકોટ પોલીસની ટીમને ગુજરાતના ગૃહ વિભાગ તરફથી હું અભિનંદન આપુ છું અને મુખ્‍યમંત્રીશ્રીએ પણ અભિનંદન પાઠવ્‍યા છે. ખાસ કરીને રાજકોટ શહેર એસઓજીની ટીમે જાનના જોખમે કોઇપણ જાતની પરવા કર્યા વગર લૂંટારૂઓનો સામનો કર્યો અને તેને પકડી લેતાં તે ખુબ જ પ્રસંશાને પાત્ર કામગીરી છે. ગુજરાત પોલીસ આ પ્રકારની તમામ ઘટનાઓને પહોંચી વળવા હમેંશા તૈયાર છે. આવી ઘટના બીજીવાર ન બને તે માટે રાજકોટ પોલીસ દ્વારા ખુબ જ સમયસર અને યોગ્‍ય રીતે કામગીરી થઇ હતી.

આ પ્રકારના લોકો ગુજરાતની બોર્ડર ક્રોસ કરતાં પહેલા થર થર ધ્રુજે તેવું કામ રાજકોટ શહેર પોલીસે કર્યુ છે અને આ માટે સમગ્ર ગુજરાતને રાજકોટ પોલીસ પર ગોૈરવ છે. ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ રાજકોટ ક્રાઇમ બ્રાંચના નવા લોગો ‘ સતર્ક, સમર્થ અને સશક્‍ત'નું પણ અનાવરણ કર્યુ હતું. તેમજ આ બદલ અભિનંદન પાઠવ્‍યા હતાં. તેમણે ક્રાઇમ બ્રાંચને લઇને ખાસ ટકોર કરી હતી કે સમાજના રીઢા મોટા ગુનેગારો સામે સશક્‍ત અને મજબુતાઇથી પગલા ભરજો પણ સાથે સાથે એ પણ અનુરોધ છે કે સામાન્‍ય નાગરિકથી જોઇ કદાચ નાની મોટી ભુલ થઇ જાય તો તેને ફરી સાચી દિશામાં જઇ શકે તે માટેની સમજ આપવાનું કામ પણ કરજો.

આજે ૨૫ પાકિસ્‍તાની હિન્‍દુ નાગરિકોને ભારતનું નાગરિકત્‍વ પણ અપાયું હોઇ તે સંદર્ભે શ્રી સંઘવીએ કહ્યું હતું કે આજે એક દિકરીને તેની ઉંચી ઉડાન ભરવા માટે નાગરિકતા મળી ચુકી છે અને નાગરિકતા મળવાની સાથે તે તેની ઉંચી ઉડાનનું સપનુ સાકાર કરી શકશે તેનો મને વિશ્વાસ છે.  આજે આપણે અનેક દ્રશ્‍યો જોયા, એક વડિલ બાના આંખમાં આંસુ તો એક યુવાનની આંખોમાં નવા ભારતના સપના. આજે તમામ દ્રશ્‍યો આપણે જોયા છે.  ગુજરાતમાં અનેક હિન્‍દુ પાકિસ્‍તાનીઓ ભારતમાં આવ્‍યા છે તેમને નાગરિકત્‍વ મળી શકે તે માટે સતત પ્રયાસ કરી રહેલી ટીમને અને પોલીસ કમિશનરશ્રીએ પણ એનઓસી માટેની પ્રોસીઝર ઝડપથી કરી છે તેમ માટે સમગ્ર પોલીસ ટીમને પણ હું અભિનંદન આપુ છું.

(3:42 pm IST)