Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

નવા થોરાળા રામજી મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ વખતે કાનો રાઠોડ અને ટોળાની બઘડાટીઃ મંદિરમાં સોડા બોટલોના ઘાઃ પૂજારી, ૮ વર્ષની બાળા અને એક દર્શનાર્થી બહેન સહિત ત્રણ ઘવાયાઃ વાહનોમાં પણ તોડફોડ

અગાઉ હિરેન ખીમસુરીયાને ભરવાડ યુવાન સાથે થયેલી બોલાચાલીનો ખાર ઉતાર્યોઃ ૭ જણા સામે પુજારી શાંતિદાસ રામાનંદીની થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ

રાજકોટઃ નવા થોરાળા શેરી નં. ૧૫માં રાત્રીના સાડા અગિયારેક વાગ્યે મંદિરના પુજારી શ્રી કૃષ્ણ જન્મોત્સવની તૈયારી કરી રહ્યા હતાં ત્યારે વિસ્તારના ભરવાડ સમાજના લોકો દર્શન કરવા આવ્યા હોઇ એ વખતે ભરવાડ યુવાન સાથે અગાઉ થયેલા મનદુઃખનો ખાર રાખી વિસ્તારના ૯ જેટલા શખ્સોએ ટોળકી રચી મંદિરમાં સોડા બોટલોના ઘા કરી આતંક મચાવતાં તેમજ વાહનોમાં તોડફોડ કરતાં નાસભાગ મચી જતાં પોલીસે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. આ અંગે ૯ જણા વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

બનાવ અંગે થોરાળા પોલીસે થોરાળા-૧૫માં શ્રી રામજી મંદિર પાસે રહેતાં અને આ મંદિરમાં સેવાપૂજા કરતાં શાંતિદાસ હરિદાસભાઇ ધલાલજી  રામાનંદી બાવાજી (ઉ.વ.૫૨)ની ફરિયાદ પરથી કાનો રાઠોડ, હિરેન ખીમસુરીયા, રઘો ગુલી, શબુ ખીમસુરીયા, અજય જાદવ, અજય ખીમસુરીયા તથા બે અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૨૯૫, ૩૩૭, ૪૨૭, ૫૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ ,૧૩૫ (૧) મુજબ ગેરકાયદે ટોળકી રચી હલ્લો મચાવી ધાર્મિક લાગણીને ઠેંસ પહોંચાડી તેમજ વાહનોમાં તોડફોડ કરી નુકસાન કરવાનો ગુનો નોંધ્યો છે.

પુજારી શાંતિદાસભાઇએ જણાવ્યું હતું કે અમે રાત્રીના મંદિરમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવનું શકન સાચવવા પુજાની તૈયારી કરતાં હતાં તે વખતે વિસ્તારના ભરવાડ સમાજના ભાઇઓ-બહેનો-બાળકો પણ દર્શનાર્થે આવ્યા હતાં. આ દરમિયાન હિરેન ખીમસુરીયા નામના શખ્સને અગાઉ એક ભરવાડ છોકરા સાથે બોલાચાલી ઝઘડો થયો હોઇ તેનો ખાર રાખી તે તથા કાનો, રમેશ, રઘો, શબુ, અજય સહિતના નવેક જણા મંડળી રચીને આવ્યા હતાં અને મંદિરમાં આડેધડ સોડા બોટલોના ઘા કરી આતંક મચાવતાં પોતાને તેમજ એક બાળકી ધર્મિષ્ઠા (ઉ.વ.૮) તેમજ એક દર્શનાર્થી બહેનને ઇજા થઇ હતી.

આ ઉપરાંત ટોળકીએ શેરીમાં પડેલા કેટલાક વાહનોમાં પણ તોડફોડ કરી હતી. બનાવથી જાણ થતાં એસીપી એચ. એલ. રાઠોડ, પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ પી.ડી.જાદવ, પીએસઆઇ બારસીયા સહિતનો કાફલો દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. આરોપીઓને ઝડપી લેવા તજવીજ કરવામાં આવી રહી છે.

(11:28 am IST)