Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

વિશ્વવંદનીય પૂ. પ્રમુખસ્વામી મહારાજની આજે તૃતીય પુણ્યતીથી : રાજકોટમાં ગોંડલ ચોકડી ખાતેની વાડીએ સાંજે સ્મૃતિ સભા

રાજકોટ તા. ૧૩ : વિશ્વ વંદનીય સંતવર્ય પૂ. પ્રમુખ સ્વામી મહારાજની આજે તૃતીય પુણ્યતીથી છે. સમગ્ર વિશ્વના ભાવિક ભકતો દ્વારા વિવિધ કેન્દ્રો પરથી તેઓને ભાવાંજલી અપાઇ રહી છે.

દરમિયાન રાજકોટ ખાતે ગોંડલ ચોકડી પાસે આવેલ સ્વામીનારાયણ વાડીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા સાંજે ૬ થી ૮ 'પ્રમુખજી નહિં ભૂલું તમને' થીમ હેઠળ સ્મૃતિ સભાનું આયોજન કરાયુ છે.

આ કાર્યક્રમમાં સંતો, વડીલ હરીભકતો, યુવકો, બાળકો દ્વારા પૂ. પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિ તાજી કરાવવામાં આવશે.

પૂ. પ્રમુખસ્વામી મહારાજ વિરાટ વ્યકિતત્વ ધરાવતા હતા. અનેકવિધ સેવાઓમાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધુ હતુ. નવનવ દાયકાઓ સુધી લોકહિત માટે અવિરત ૧૭૦૦૦ થી વધુ ગામડાઓ નગરોમાં તેઓ ઘુમી વળ્યા હતા.

અક્ષરધામ જેવા સંસ્કૃતિધામ ઉપરાંત જગતભરમાં ૧૧૦૦ થી પણ વધુ મંદિરોનું સર્જન કરીને તેમણે સંસ્કૃતિના ચિરંતન સ્મારકો અને લોકસેવાના ધામ સ્થાપ્યા.

ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના આ પાંચમા ગુરુદેવ મહાન સંતનો જન્મ એક ખેડૂત પરિવારમાં તા.૭ ડિસેમ્બર, ૧૯૨૧ના રોજ ગુજરાતમાં વડોદરા પાસેના ચાણસદ ગામે થયો હતો. તેમનું બાળવયનું નામ હતું - શાંતિલાલ. અને સાચે જ, શાંતિ એમના વ્યકિતત્વનો પરિચય હતો. બાલ્યકાળથી જ હિમાલયમાં જઈને આધ્યાત્મિક સાધના કરવાની તેમને લગની હતી. કિશોરવયે ભગવાન શ્રી સ્વામિનારાયણની આધ્યાત્મિક પરંપરાના તૃતીય ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના પવિત્ર વ્યકિતત્વથી તેઓ આકર્ષાયા. પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કરીને ૧૮ વર્ષની વયે તેમણે શાસ્ત્રીજી મહારાજનાં ચરણે જીવન સમર્પિત કર્યું. દીક્ષા લઈને સન ૧૯૪૦માં તેઓ નારાયણસ્વરૂપદાસ સ્વામી બન્યા. જન્મજાત વિનમ્રતા, અહર્નિશ સેવા, સાધુતા અને લોકોના કલ્યાણની નિઃસ્વાર્થ ભાવનાથી તેઓ સૌના પ્રિય બન્યા. સન ૧૯૫૦માં માત્ર ૨૮ વર્ષની ઉંમરે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ બન્યા. ત્યારથી તેઓ પ્રમુખસ્વામી મહારાજના લોકપ્રિય નામથી લોકલાડીલા બન્યા.

અક્ષરધામ જેવા જગવિખ્યાત સંસ્કૃતિધામ ઉપરાંત, જગતભરમાં ૧,૧૦૦થીય વધુ મંદિરોનું સર્જન કરીને તેમણે સંસ્કૃતિનાં ચિરંતન સ્મારકો અને લોકસેવાનાં ધામ સ્થાપ્યાં. સમાજોપયોગી સંતત્વ અને લોકકલ્યાણ ઈચ્છુક ભકિતવિભાવનાને જનસેવાના માર્ગે પ્રેરિત કરનાર આ વંદનીય, પૂજનીય મહાન સંતે અસંખ્ય લોકોનાં જીવનમાં આધ્યાત્મિક પ્રેરણાઓ સિંચીને તેમનું જીવન પરિવર્તન કર્યું છે.

વિક્રમ સંવત-૨૦૭૨ની શ્રાવણ સુદ દશમીએ વિશ્વવંદનિય સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સાંજે ૬ વાગ્યે અક્ષરધામગમન કર્યું હતું. તા.૧૩ ઓગસ્ટ, ૨૦૧૬નો એ દિવસ હતો. ત્યારે આજે તેમની પુણ્યતીથીએ ચોમેરથી ભાવવંદના થઇ રહી છે.

(4:09 pm IST)