Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

૧૨૫થી વધુ રકતદાન કરવા બદલ રાજકોટના એડવોકેટ સ્વ. કીરીટ કે. અંતાણીનું મરણોપરાંત રાજયપાલ ઓ.પી.કોહલીના હસ્તે સન્માન

રાજકોટ : મુળ કચ્છના વતની અને રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનાર એડવોકેટ સ્વ.કિરીટ કે. અંતાણીએ પોતાના ૧૮માં જન્મદિવસે પ્રથમ રકતદાન કરેલ અને ત્યારબાદ તેઓએ તેમની જીવનયાત્રા દરમિયાન ૧૨૫થી વધારે વખત રકતદાન કરી અનેક માનવ જીંદગી બચાવવામાં પડતી રકતની જરૂરતને પૂરી કરેલ હતી.

તેઓએ તેમના જીવન દરમિયાન આ તમામ રકતદાન રાજકોટ વોલીન્ટરી બ્લડ બેંક અને રીસર્ચ સેન્ટરમાં કરેલ હતું અને આના માટે તેઓને અનેક વખત તેમના જીવનમાં વિવિધ હસ્તીઓના હાથે સન્માનિત કરાયા હતા અને તા.૨૯-૮-૧૭ના રોજ તેઓનું ટૂંકી બિમારી બાદ અવસાન થયેલ હતું.

તેમના અવસાન બાદ પણ તેમની આ અમૂલ્ય સેવાની કદર કરી અને ગુજરાત સરકારે તેમને તા.૯-૮-૧૮ના રોજ રાજભવન ગાંધીનગર ખાતે ગુજરાતના રાજયપાલ શ્રી ઓ. પી. કોહલીના જન્મદિવસે ગાંધીનગર રાજભવન ખાતે એક સન્માન સમારંભ રાજભવન તથા ઈન્ડિયન રેડક્રોસના સંયુકત ઉપક્રમે યોજાયેલ. તેમાં રાજયપાલ શ્રી ઓ. પી. કોહલી તથા ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના હસ્તે તેઓને મરણોપરાંત શિલ્ડ તથા મેડલથી સન્માનિત કરવામાં આવેલ હતા. તેઓની અનુપસ્થિતિમાં તેમના વતી આ સન્માન તેમના પત્નિ અર્ચનાબેન અંતાણીએ સ્વીકારેલ હતું.

શ્રી કીરીટ કે. અંતાણીએ ૨૫ વર્ષ સુધી રાજકોટમાં વકીલાત કરેલ હતી અને તેઓ મુળ ફોજદારી કાયદાની વકીલાત સાથે સંકળાયેલા હતા. રાજભવન ખાતેના સન્માન સમારંભમાં ચુસ્ત સિકયુરીટી રહેતી હોઈ તેમના વતી તેમના પરીવારના સભ્યો આ સન્માન સ્વીકારવા જઈ શકે તે માટે રાજકોટ વોલીન્ટરી બ્લડ બેંક અને રીસર્ચ સેન્ટર દ્વારા તમામ વ્યવસ્થા તેમના પરીવારને પૂરી પાડવામાં આવેલ હતી. (શ્રી સંદિપ અંતાણી મો.૯૮૨૫૬ ૬૮૨૭૫)

(4:23 pm IST)