Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

નવી વેરાયટીઓના આગમથી રાખડી બજારમાં રોનક

રૂદ્રાક્ષ અને જરદોસીની રાખડીની એટલી જ માંગ : લુમ્બા અને કલકતી બુટીની રાખડી તેમજ અમેરીકન ડાયમંડ, કાર્ટુન રાખડીનું આકર્ષણ અકબંધ

રાજકોટ તા. ૧૩ : આ વર્ષે કઇક નવીન વેરાયટીઓનું આગમન થતા રાખડી બજારમાં અનેરી રોનક છવાઇ હોવાનું વર્ષોથી રાખડીના ધંધા સાથે સંકળાયેલા જોહર કાર્ડવાળા અને હસનેનભાઇ જોહરે જણાવેલ છે.

તેઓએ જણાવેલ કે ઓકસોડાઇઝ રાખડી, કલાવા દોરાની, રૂદ્રાક્ષ, જરદોસીની રાખડીની માંગ આજેય એટલી જ અકબંધ જળવાઇ રહી છે. સામે સ્પીનરની કલકતી બુટીની, કસબની જરીની, સુખડ, ગીનીની, અમેરીકન ડાયમન્ડ અને કાર્ટુનવાળી રાખડીઓ ભારે આકર્ષણ જમાવી રહી છે.

ભાભી નંબર વન, પ્યારી ભાભી તરીકે ઓળખાતી લુમ્બા રાખડીનું ચલણ પણ દર વર્ષ જોર પકડતુ જાય છે.

બીગ બી, બેસ્ટો બ્રો, સી.એ.ભાઇ, સ્વાગ બ્રો, સ્પીડી બ્રધર, એન્જીનીયર બ્રો, ડો. ભાઇ, એન.આર.આઇ.ભાઇ સુપર બ્રો., આઇ લવ માય બ્રધર વગેરે લખાણવાળી રાખડીઓ બજારમાં ઢગલા મોઢે ઠલવાઇ રહી છે.કુંદન નંગની, ક્રીસ્ટલની, કાચબાની, રજવાડી હીરાજડીત, તુલસીના પારાની,  સુખડ-ચંદન જડીત રાખડીઓ તેમજ નાડાછડીના દોરાની અને જરીવાળા બોલની રાખડીઓની માંગ પણ જોવા મળી રહી છે.

મોટાભાગની રાખડીઓ હિન્દુસ્તાનમાં જ તૈયાર થઇ રહી છે. ખાસ કરીને કલકતા અને બંગાળી કારીગરો વધુ રસ લઇ રહ્યા છે. મુંબઇ ઉપરાંત ગુજરાતમાં પણ બરોડા અને અમદાવાદ જેવા શહેરોમાં મોટાપાયે રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છ.ે

બાળકોને વધુ પસંદ પડે તેવી રાખડીઓમાં સ્પીનરવાળી રાખડી અને કાર્ટુનવાળી રાખડીઓનો સમાવેશ થાય છે.

રાખડીની સાથે શણગારેલી ડીશ તેમજ વિવિધ લખાણવાળા કાર્ડસનું પણ હમણા ચલણ વધ્યુ છે. શણગારેલ કંકાવટી કંકુ ચોખા સાથે બજારોમાં મળવા લાગી છે. તેમ રાખડીના વ્યવસાય સાથે સંકળાયેલ જોહર કાર્ડસવાળા યુસુફભાઇ અને હસનેનભાઇ જોહરે જણાવેલ છે.

(4:14 pm IST)