Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

૪ર કરોડ ૩૧ લાખ પ૦ હજારની ઠગાઇના કેસમાં મુંબઇની કંપનીના ડાયરેકટરની ધરપકડનું વોરંટ રદ્દ

રાજકોટ, તા. ૧૩ : ગાંધીધામના એમ.સી.બી. ઇન્ટરનેશનલના નામથી કામ કરતી કંપનીના મેનેજર દ્વારા અમેરિકા-ફલોરીડાની કંપની નેટવર્ક હોસ્ટલ આઇ.એન.સી., તથા તેના મેનેજીંગ ડિરેકટર સેમ્યુઅલ ડબલ્યુ. મીલર, ઠે. કેડરરન ડ્રાઇવ, ઓરેન્જ પાર્ક, ફલોરીડા-યુ.એસ.એ. તેમજ ઇમેજ વિઝન પ્રા.લી. તથા તેના ડાયરેકટર અનિલ શર્મા, ઠે. મરીન ડ્રાઇવ, મુંબઇના સામે ગાંધીધામ મુકામે કરેલ ફરીયાદમાં ગાંધીધામના એડી. ચીફ જયુ. મેજી.એ આરોપી સામે ઇસ્યુ કરેલ બીનજામીનલાયક વોરંટ રદ કરવા આદેશ ફરમાવેલ છે.

ફરીયાદની વિગતો મુજબ ફરીયાદી ગાંધીધામ મુકામે એક્ષપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરે છે તેઓ મુંબઇ સ્થિત કંપની ઇમેજ વિઝન પ્રા.લી. મારફત તહોમતદાર નં. ૧ નેટવર્ક હોસ્ટલ આઇ.એન.સી. કંપની તથા તેના ડાયરેકટર સાથે તા. રર/ર/૪ના રોજ સંપર્કમાં આવેલ અને એચ.એમ.એસ. સ્ક્રેપ ૧,ર૦,૦૦૦ મેટ્રીક ટનની ખરીદી, ગાંધીધામની ફરીયાદી કંપનીએ અમેરિકન કંપની પાસેથી કરવાનું નક્કી કરેલ, જે માલ પૈકી ૩૦,૦૦૦ મેટ્રીક ટનની ડિલીવરી ચાર મહિનામાં એગ્રીમેન્ટ મુજબ કરવાની હતી.

દરમ્યાન અમેરિકન કંપનીએ ફરીયાદી એમ.સી.બી. ઇન્ટરનેશનલ તથા સ્ટેટ બેન્ક ઓફ ઇન્દોર, ગાંધીધામ સામે યુ.એસ.એ. ફલોરીડામાં ૪૯,૭૪,૦૦,૦૦૦/- ડોલર એટલે કે રૂ. ર,ર૧,પ૯,૧૭,૦૦,૦૦૦/-નું ડેમેજ મેળવવા દાવો દાખલ કરેલ. તેની જાણ થતા ફરીયાદીએ અમેરિકન કંપની, તેના ડાયરેકટર અને મુંબઇ સ્થિત કંપની અને તેના ડાયરેકટર સામે ઠગાઇ, વિશ્વાસઘાત અને ફોર્જરીની કલમો હેઠળ રૂ. ૪ર,૩૧,૦૦,૦૦૦/- ના નુકશાન ગયા બદલ ફોજદારી ફરીયાદ દાખલ કરેલ.

વોરંટ રદ માટે ફરીયાદી દ્વારા વાંધો લેવામાં આવેલ કે, આરોપી હાજર ન હોય, ત્યારે વોરંટ રદ થઇ શકે નહીં, ત્યારે તેના જવાબમાં આરોપીના વકીલ વિકાસ શેઠએ જણાવેલ કે, બંધારણ દ્વારા વ્યકિત સ્વાતંત્રયના આર્ટીકલ-ર૧ મુજબ દરેક વ્યકિતને સ્વાતંત્રયનો અધિકાર પ્રાપ્ત થાય છે. ઉચ્ચ અદાલતો અને સુપ્રીમ કોર્ટના ચૂકાદા ધ્યાને લેતા બીનજામીનલાયક વોરંટ ઇસ્યુ કરવાથી વ્યકિતની સ્વતંત્રતા જોખમાય છે. જેથી બીનજામીનલાયક વોરંટ ઇસ્યુ કરતી વખતે કોર્ટે ખૂબ જ સાવધ રહેવું જરૂરી છે. જયારે આરોપી કાનૂની કાર્યવાહીમાં હાજર રહેવા માંગતો હોય, ત્યારે તેને કસ્ટડીમાં મૂકવો જરૂરી નથી. આ ઉપરાંત કાયદામાં કોઇપણ જગ્યાએ એવું લખેલ નથી કે વોરંટ રદ કરવા માટે આરોપીએ રૂબરૂ હાજર રહેવું પડે. તે સંજોગોમાં ફકત કાનૂની કાર્યવાહીમાં ગેરહાજર હોવાને કારણે બીનજામીનલાયક વોરંટ ઈસ્યુ કરવું જરૂરી નથી. ગાંધીધામ કોર્ટના પ્રીસાઇન્ડીંગ ઓફીસર ઉપરોકત રજૂઆત થા કેસના સંજોગો ગ્રાહ્ય રાખી આરોપી અનિલ શર્માની ગેરહાજરીમાં તેની સામે ઇસ્યુ થયેલ બીનજામીનલાયક વોરંટ રદ કરવા આદેશ કરી, મુંબઇ પોલીસ કમિશનરને લેખતી જાણ કરેલ છે.

આ કામમાં તહોમતદાર ઇમેજ વિઝન પ્રા.લી.ના ડાયરેકટર અનિલ શર્મા, ઠે. મરીન ડ્રાઇવ, મુંબઇ વતી વિકાસ કે. શેઠ, અલ્પા વિ. શેઠ, વિપુલ આર. સોંદરવા, વિવેક ધનેશા એડવોકેટ દરજ્જે રોકાયેલા છે.

(4:12 pm IST)