Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

જિલ્લા પંચાયતમાં બળવાખોરોમાં બળવો! રેખાબેન કારોબારી અધ્યક્ષ

ભાજપે 'રમત' કરી કે મામલો હાથમાં ન રહયો? ચંદુભાઇનું નામ નક્કી કર્યા બાદ અચાનક રેખાબેન ઝંપલાવીને બહુમતીથી જીત્યા : બે મત મેળવનાર શીંગાળા કહે છે મારી સાથે દગો થયોઃ નિલેષ વિરાણી કહે છે ખેંચતાણ હતી એટલે મતદાન કરાવ્યુ

બાગી શાસનઃ રાજકોટ જિલ્લા પંચાયતમાં આજે વિવિધ સમિતિઓમાં રેખાબેન પટોળિયા, બાલુભાઇ વિઝુંડા, નાથાભાઇ મકવાણા, મગનભાઇ મેટાળિયા અને હંસાબેન વૈષ્ણવ ચૂંટાઇ આવતા શુભેચ્છકોએ શુભેચ્છા પાઠવી હતી. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૧૩: જિલ્લા પંચાયતમાં ભાજપના ટેકાથી કોંગ્રેસના બાગીઓએ સમિતિઓની રચના કર્યા બાદ આજે પાંચ સમિતિઓના અધ્યક્ષ નક્કી કરવા માટે બેઠક મળેલ. જેમાં સોૈથી મહત્વની ગણાતી કારોબારી સમિતિમાં ચૂંટણી વખતે જ બાગી સામે બાગીઓએ ખેલ પાડતા ભાજપે નક્કી કરી દીધેલા મનાતા ચંદુભાઇ શીંગાળા સામે શિવરાજગઢના રેખાબેન જે. પટોળિયા ૭/ર મતથી કારોબારી અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. અણધાર્યા ફેરફારથી જિલ્લા પંચાયતમાં ખળભળાટ મચી ગયો છે.

ભાજપના ઇશારે ચાલતા બળવાખોરોમાં બળવો એ ભાજપની રમત છે. કે નબળાઇ? તે આવતા દિવસોમાં ખ્યાલ આવશે કારોબારીમાં પાટીદાર દાવેદાર સામે પાટીદારની હાર થઇ છે.

ચંદુભાઇ શીંંગાળાએ પોતાની સાથે દગો થયાનો વસવસો વ્યકત કર્યો છે. તેમણે જણાવેલ કે મારા નામની લેખિત સૂચના આપ્યા બાદ આજે ૧૦.૩૦ વાગ્યે ભરત બોઘરાએ મને ફોન કરીને શુભેચ્છા પાઠવેલ અને ૧૧ વાગ્યે મારી બદલે રેખાબેન અધ્યક્ષ બની ગયા.

કારોબારી અધ્યક્ષપદ માટે ચંદુભાઇ, ભાનુબેન તળપદા અને રેખાબેન પટોળિયા વચ્ચે ખેંચતાણ ચાલતી હતી. ગઇકાલે ભાજપના મોભીઓ ભરત બોઘરા, જયંતીભાઇ ઢોલ, જયરાજસિંહ જાડેજા વગેરેએ કોંગીના બાગીઓના મન જાણ્યા બાદ સવારે ત્રણ માંથી એકનું નામ જાહેર કરવાનું નક્કી કરેલ સવારે ભાજપે જે લેખિત યાદી આપેલ તેમાં પણ ચંદુભાઇનું નામ હતું ચૂંટણી પ્રક્રિયા શરૂ થતા ભાનુબેન સ્પર્ધામાંથી ખસી ગયા હતા. ચંદુભાઇએ ઉમેદવારી કરતા અચાનક રેખાબેને પણ અધ્યક્ષ પદ માટે દાવો કરેલ. ચૂંટણી અધિકારીએ બન્ને દરખાસ્ત મતદાન પર લેતા ચંદુભાઇને પોતાનો અને નારણભાઇ શેલારકાનો મત મળેલ. બાકીના તમામ ૭ મત રેખાબેખ તરફી (ઉંચી આંગળી) થતા તેણી કારોબારી અધ્યક્ષ બન્યા હતાં.

ચંદુભાઇ અને કિશોર આંદીપરાના ગુસ્સાના કારણે વાતાવરણ થોડીવાર માટે ઉગ્ર થઇ ગયું હતું. પૂર્વ પ્રમુખ નિલેષ વિરાણીએ જણાવેલ કે ગઇકાલે કોઇ નામ નક્કી થયેલ નહિં. કારોબારી અધ્યક્ષ પદ માટે રેખાબેન અને ચંદુભાઇ વચ્ચે ખેંચતાણ મતદાન કરાવી પસંદગી કરવાનો નિર્ણય લેવાયો હતો. ભાજપ સમર્થિત અને સંચાલિત કોંગીના બળવાખોરોમાં કારોબારી પદ માટે બળવો થતા જિલ્લા પંચાયતમાં જાતજાતની ચર્ચા થઇ રહી છે.

પંચાયતની અન્ય ચાર સમિતિમાં અધ્યક્ષ બિનહરીફ

 

સમિતિ

અધ્યક્ષ ચૂંટાયા

શિક્ષણ

નાથાભાઇ મકવાણા

સામાજિક ન્યાય

બાલુભાઇ વિંઝુડા

આરોગ્ય

હંસાબેન વૈષ્ણવ

બાંધકામ

મગનભાઇ મેટાળિયા

ભાજપ સંચાલિત બળવાખોરોની એકતામાં ભંગાણ  બાગીઓમાં બાગી જાગતા ખાટરિયા જુથને ફાયદોઃ અવિશ્વાસ દરખાસ્તનું જોર ઘટયુ

રાજકોટ : જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ૨૧ સભ્યોએ ભાજપના સહકારથી બળવો કરેલ પરંતુ આજે કારોબારી સમિતિના અધ્યક્ષ પદ માટે બળવાખોરોમાં પણ બળવો થયો છે. ચંદુભાઇ શીંગાળાને એકલા પાડી દેવાતા તેનો ફાયદો કોંગીના અર્જુન ખાટરિયા જુથને મળે તે સ્વાભાવિક છે. પંચાયત પ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્તની વાતોનું જોર ઘટવાની સંભાવના જન્મી છે. ભાજપે રમત કરી હોય કે ન કરી હોય પણ તેના દ્વારા સંચાલિત બળવાખોરોની એકતામાં આજે સ્પષ્ટ ભંગાણ દેખાઇ રહયું છે.

(3:30 pm IST)