Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

મેયર ચેમ્બરમાં ઉદય કાનગડ અને વશરામ સાગઠિયા વચ્ચે તૂ...તૂ...મૈ...મૈ...

કોંગ્રેસના પારૂલબેન ડેર સહિતના કોર્પોરેટરોની ગેરહાજરી સામે વિપક્ષનો ઉગ્ર વિરોધઃ બીનાબેનને ઘેરાવ : સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન અને વિપક્ષી નેતા વચ્ચે સામસામા વ્યકિતગત ભ્રષ્ટાચારના આક્ષેપોથી ઉગ્રતા વ્યાપીઃ અંતે મામલો થાળે પડયો

શાંતિથી રજુઆત બાદ ઉગ્ર રજુઆત અને છેલ્લે વાત પહોંચી નિમ્ન કક્ષાના વ્યકિતગ આક્ષેપો સુધી!!  : રાજકોટ : હિન્દી ફિલ્મનું એક ગીત છે ધીરે...ધીરે પ્યાર કો બઢાના હૈ. હદ સે જુગર જાના હે. આવુ જ કાંઇ ઉલ્ટી દિશામાં આજે મહાનગરપાલીકાની સામાન્ય સભા બાદ જોવા મળ્યું. સામાન્ય સભામાં પ્રેક્ષક ગેલેરીમાં બેસવાની ભૂલ કોંગ્રેસના બે નગરસેવકોને ભારે પડી જાય તેવુ જણાતા વિપક્ષી નેતા સાગઠીયાના વડપણ હેઠળ અમુક નગરસેવકો મેયર બીનાબેન આચાર્યની ચેમ્બરમાં ઘસી ગયા હતા પ્રારંભે શાંતિથી રજૂઆતો થઇ ધીમે ધીમે ભાજપ અને કોંગ્રેસ પક્ષે રજુઆતો ઉગ્રતાની માત્રા વધી અંતે મેયર બિનાબેનની વ્હારે સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ અને કશ્યપ શુકલ આવ્યા હતા બન્ને પક્ષે બળીયાઓ એકઠા થઇ જતા વાતે ઉગ્રતા પકડી હતી અને અંતે બન્ને પક્ષ હદથી આગળ વધી ગયા અને છેલ્લે નિમ્નકક્ષાના વ્યકિતગત આક્ષેપો ઉપર વાત પહોંચી જતા સનસનાટી-ખળભળાટ મચી ગયો હતો. તસ્વીરમાં ભાજપ અને કોંગ્રેસના સીનીયર આગેવાનો ઉગ્રતા સાથે જીભા જોડી અને આક્ષેપ  પ્રતિ આક્ષેપ કરતા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૩ :. આજે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનનું જનરલ બોર્ડ ૧૧ વાગ્યે શરૂ થયુ હતું. જેમા વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોએ પ્રેક્ષક ગેલેરી ખોલવાની માંગણી સાથે પ્રેક્ષક ગેલેરીમાં જઈને શાસક પક્ષ ભાજપ સામે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. આથી જનરલ બોર્ડના અધ્યક્ષ મેયર બીનાબેન આચાર્યએ આદેશ કર્યો હતો કે, વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરો જનરલ બોર્ડમાં બેઠા નથી એટલે જે કોંગી કોર્પોરેટર પ્રેક્ષક ગેલેરીમાં છે તેમની સત્તાવાર રીતે ગેરહાજર ગણવી અને તેઓને આજની બોર્ડ બેઠકનું ભથ્થુ પણ ન આપવું. આથી જનરલ બોર્ડ પૂર્ણ થયે વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયા સહિતના કોંગી કોર્પોરેટરોએ મેયર બીનાબેન આચાર્યની ચેમ્બરમાં જઈ અને કોંગી કોર્પોરેટરોની હાજરી પુરવા ઉગ્ર માંગ ઉઠાવી હતી અને ઘેરાવ કર્યો હતો. આ દરમિયાન મેયરની બાજુમાં બેઠેલા સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદયભાઈ કાનગડે વિપક્ષી નેતાને જવાબ આપતા વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાએ ઉદયભાઈ સામે વ્યકિતગત ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા સામે પક્ષે ઉદયભાઈ કાનગડે પણ વશરામભાઈ સામે ભ્રષ્ટાચારના બેફામ આક્ષેપો કર્યા હતા. આમ મેયર ચેમ્બરમાં બન્ને વચ્ચે ઘર્ષણ થયુ હતું. અંતે બન્ને પક્ષના કોર્પોરેટરોની સમજાવટથી મામલો થાળે પડતા વાતાવરણ શાંત થયુ હતું.

આ અંગેની વિગતો મુજબ જનરલ બોર્ર્ડની પ્રેક્ષક ગેલેરીમાં કોંગ્રેસના એક માત્ર નિતીન રામાણી સિવાયના તમામ કોર્પોરેટરો ઉપસ્થિત હતા જ્યારે નિતીન રામાણી બોર્ડની બેઠકમાં ઉપસ્થિત હતા. આથી મેયર બીનાબેન આચાર્યએ આદેશ કર્યો હતો કે પ્રેક્ષક ગેલેરીમાં જેટલા કોર્પોરેટરો છે તેમની ગેરહાજરી પુરાશે અને તેઓનું મીટીંગ ભથ્થુ પણ કાપવામાં આવશે. મેયરશ્રીના આ આદેશના કારણે વિપક્ષી કોર્પોરેટરો ગિન્નાયા હતા કેમ કે કોંગ્રેસના એક મહિલા કોર્પોરેટર પારૂલબેન ડેરની જો ગેરહાજરી પુરવામા આવે તો તે તેઓની સતત ત્રીજી ગેરહાજરી થાય અને તેઓ ગેરલાયક ઠરે તેવો ભય હોય વિપક્ષી નેતા વશરામ સાગઠિયા સહિત તમામ કોંગ્રેસના કોર્પોરેટરોએ સૌ પ્રથમ સેક્રેટરી રૂપારેલીયાને ઘેરાવ કરી અને કોંગી કોર્પોરેટરોની હાજરી પુરવા જણાવેલ, પરંતુ આ નિર્ણય મેયર જ લઈ શકે તેમ હોય તેથી તમામ કોંગી કોર્પોરેટરોએ મેયર બીનાબેન આચાર્યની ચેમ્બરમાં ધસી જઈને કોંગી કોર્પોરેટરોની હાજરી પુરવા મેયરનો ઘેરાવ કર્યો હતો. આ દરમિયાન સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદયભાઈ કાનગડે વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાને જવાબ આપતા સામે પક્ષે વશરામભાઈએ ઉદયભાઈ સામે વ્યકિતગત રીતે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા ઉદયભાઈએ પણ વશરામભાઈ સામે બેફામ જીભા જોડી કરી વ્યકિતગત રીતે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા માંડી અને સામસામી ઝપાઝપી થઈ જાય તેટલી હદે વાતાવરણ ઉગ્ર બની ગયુ હતું. જો કે સિનીયર કોર્પોરેટર કશ્યપભાઈ શુકલ અને સામાપક્ષે કોંગ્રેસના ઘનશ્યામસિંહ જાડેજા (વોર્ડ નં. ૧૧)એ બન્ને પક્ષે સમજાવટ કરતા મામલો થાળે પડયો હતો.

(3:26 pm IST)