Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

મ.ન.પા.માં ફાઇલોની ફેંકાફેંકી બંધ કરવા અમિત અરોરા કટીબધ્ધ : તમામ વિભાગોનું સંકલન થશે

શહેરમાં મ.ન.પા. સંચાલિત ૩૫ જેટલી LED હોર્ડીંગ્સ બોર્ડમાં ખાનગી પાર્ટીની જાહેરાતો પણ મુકી આવક ઉભી થશે : ટેન્ડરો પ્રસિધ્ધ

રાજકોટ તા. ૧૩ : મ.ન.પા.ના વિભાગોના આંતરિક સંકલનના અભાવે કેટલીક વખત અનેક મહત્વની યોજનાઓ, અરજદારોના મહત્વના કામો અટકી જતા હોવાની ફરિયાદો મ્યુ. કમિશનર અમિત અરોરા સુધી પહોંચતા તેઓએ આવી નાની મોટી સમસ્યા દુર કરવા હવે દરેક વિભાગોના અધિકારીઓની સંકલન બેઠક ખાસ આવા પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ થઇ જાય તેવી વ્યવસ્થા થઇ જશે.

આ અંગે શ્રી અરોરાએ ઔપચારિક વિગતો આપતા જણાવેલ કે, મ.ન.પા.ના ટીપી, વેરા વિભાગ, રોશની, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, વોટર વર્કસ, બાંધકામ વગેરે વિભાગો એવા છે કે તેમાં સામાન્ય નાગરિકોના પ્રશ્નો, અરજીઓનું પ્રમાણ રોજીંદુ હોય છે. આને આ વિભાગોના એકબીજાના સંકલનના અભાવે ઘણી વખત અરજદારો અથવા તો ખુદ મ.ન.પા.ની યોજનાઓના મહત્વના કામો અટકી પડતા હોય છે. દા.ત. વોટર વર્કસ વિભાગને પમ્પીંગ સ્ટેશન માટે કે પાણીના ટાંકા માટે જમીન જોઇતી હોય તો ટાઉન પ્લાનીંગ વિભાગમાં મહિનાઓ સુધી ફાઇલો પેન્ડીંગ રહે છે. જેના કારણે કામ અટકી જાય છે.

આમ, આવા પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ આવી જાય. ફાઇલો પેન્ડીંગ ન રહે, ઝડપી નિર્ણય થાય તે માટે મ્યુ. કમિશનર સહિત તમામ વિભાગોનું સંકલન જાળવવું જરૂરી છે. આથી હાલ તુરંત દર ૧૫ દિવસે મંગળવારે આવી સંકલન બેઠક યોજવાનું આયોજન છે.

એલ.ઇ.ડી. બોર્ડમાં જાહેરખબરના ટેન્ડર

મ.ન.પા. દ્વારા શહેરના રેસકોર્ષ રીંગ રોડ, ત્રિકોણબાગ, લીંબડા ચોક, કાલાવડ રોડ સહિતના મુખ્ય ચોક અને રસ્તાઓ પર ૩૫ જેટલા એલ.ઇ.ડી. લાઇટીંગ હોર્ડીંગ્સ બોર્ડ મુકવામાં આવ્યા છે. જેમાં હાલમાં મ.ન.પા.ની કામગીરી, વિવિધ યોજનાઓનો પ્રચાર - પ્રસાર, જનજાગૃતિની જાહેરાતો પ્રસિધ્ધ થઇ રહી છે ત્યારે હવેથી આજ એલઇડી હોર્ડીંગ્સ બોર્ડમાં ખાનગી એડ એજન્સીના માધ્યમથી ખાનગી કંપની કે સંસ્થાઓની જાહેરખબર પણ પ્રસિધ્ધ કરી આવકનો નવો સ્ત્રોત ઉભો કરવા તંત્રએ નિર્ણય લીધો છે અને તે માટે ટેન્ડરો પણ પ્રસિધ્ધ કરી દેવાયા છે.

આ અંગે મ્યુ. કમિશનર શ્રી અરોરાએ જણાવ્યું હતું કે, એલ.ઇ.ડી. હોર્ડીંગ્સ બોર્ડમાં મ.ન.પા.ની પોતાની જાહેરાત ૫ થી ૧૦ મીનીટ પ્રસિધ્ધ થાય અને પછી ખાનગી એજન્સીની જાહેરાત ૧૫ થી ૨૦ મીનીટ સુધી ચાલે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવી ૨૪ કલાક સુધી આ એલ.ઇ.ડી. બોર્ડમાં ખાનગી અને મ.ન.પા.ની જાહેરાતો ચાલે તે મુજબની ગોઠવણી કરી અને આ એલ.ઇ.ડી. હોર્ડીંગ્સ બોર્ડની જાહેરાતો થકી આવકનો નવો સ્ત્રોત ઉભો કરાશે અને આ આવકમાંથી જ એલ.ઇ.ડી. બોર્ડના સંચાલન લાઇટ બીલ વગેરે ખર્ચ નિકળી જાય તેવી વ્યવસ્થા વિચારાઇ છે.

(3:54 pm IST)