Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

નાનામવા ચોકડી પાસેની સોનાની લગડી જેવી ૩૦૦ કરોડ જમીનની હરરાજી સામે કોર્ટમાં દાવો

ટી.પી. સ્કીમ હેઠળ રિઝર્વેશનવાળી મિલ્કતની જાહેર હરરાજી કરવાની મ્યુનિ. કોર્પોરેશનને સત્તા નથી : હરરાજીમાં ૧૩૦ કરોડની જમીન માર્કેટ વેલ્યુ મુજબ ૩૦૦ કરોડ થાય છે : વાદગ્રસ્ત જમીનમાં માલીકી હક્ક હોવાનો વાદી સંજયસિંહ ઇન્દ્રવિજયસિંહ જાડેજા દ્વારા કાનુની લડતના મંડાણ : જમીન અંગે કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવા કોર્ટમાં દાવો કરી મનાઇ હુકમની માંગણી

રાજકોટ તા. ૧૩ :રાજકોટ મહાનગર પાલીકા દ્વારા જુદીજુદી ટી.પી.સ્કીમ હેઠળના જુદાજુદા હેતુ માટેના પ્લોટોની જાહેર હરરાજીથી વેચાણ અંગેની કાર્યવાહી કરવામાં આવેલી હતી અને તે અંગે જુદાજુદા દૈનીક પત્રોમાં જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી હતી. આ અંગે રાજકોટ મહાનગર પાલીકાને વેચાણ કરવાની સતા ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ એકટ, ૧૯૭૬ તથા અન્ય કોઈ કાયદા હેઠળ આવેલ ન હોવા છતા પણ જાહેર હરરાજીથી વેચાણની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે પૈકીના નાનામવા ચોક સ્થિત આવેલ સોનાની લગડી સમાન પ્લોટ જે ટી.પી.નં.૩(નાનામવા), એફ.પી.નં.૪ પૈકી જમીનના માલીક દ્વારા રાજકોટ મહાનગર પાલીકાની સામે રાજકોટની સીવીલ કોર્ટ સમક્ષ દાવો દાખલ કરી જાહેર હરરાજી કે અન્ય કોઈ પણ રીતે આ મીલ્કતનો નિકાલ ન કરવા માંગણી કરતો દાવો દાખલ કરવામાં આવ્યો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે હરરાજી વેચાણમાં સદરહું જમીનની કિંમત ૧૩૦ કરોડ આકવામાં આવી છે. જ્યારે માર્કેટ વેલ્યુ પ્રમાણે તેની કિંમત ૩૦૦ કરોડ જેવી થાય છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટ શહેરના પોસ વિસ્તાર નાનામવા સર્કલ સ્થિત નાનામવા ટી.પી.સ્કીમ નં.૩ના ફાઈનલ પ્લોટ નં.૪ ની જમીન કુલ જમીન ચો.મી.૧૫૪૪૪–૦૦શોપીંગ સેન્ટરના હેતુ માટે સામેલ કરેલ છે. તે પૈકી આશરે જમીન ચો.મી.૮૦૦-૦૦ વાદીઓ સંજયસિંહ ઈન્દ્રવિજયસિંહ જાડેજા વિગેરેની માલીકીની આવેલી છે. આ એફ.પી.નં. ૪ ની કુલ જમીન ચો.મી. ૫૧૪૪૪-૦૦ પૈકી જમીન ચો.મી. ૯૪૩૮–૦૦ હાલમાં પ્રતિવાદી રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન દવારા વાણીજય હેતુની દર્શાવી ઈ-ટેન્ડર મારફત જાહેર હરરાજી અંગેની જાહેરાત દૈનિકપત્રમાં પ્રસિધ્ધ કરી હરરાજીથી નિકાલ કરવાની કાર્યવાહી કરેલ છે અને તે કાર્યવાહી હાલમાં ચાલી રહી છે. આ મીલ્કત ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ એકટ, ૧૯૭૬ તથા અન્ય કોઈ કાયદા હેઠળ પ્રતિવાદી રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનને વેચાણ કે અન્ય કોઈપણ રીતે નિકાલ કરવાની સત્તા કે અધિકાર આવેલ નથી.

ગુજરાત રાજયની કોઈપણ ટી.પી.સ્કીમ હેઠળ રાખવામાં આવતા રીઝર્વેશનવાળા પ્લોટ અંગે ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ એકટ, ૧૯૭૬ હેઠળ કરવામાં આવેલ જોગવાઈનો મન ફાવે તે રીતે અર્થઘટન કરી અને મન ફાવે તે રીતે ખાનગી માલીકીની જમીનનો ઉપર કહેવાતા વિકાસ, આયોજન તથા પ્લાનીંગના નામે જે દબાણ કરવામાં આવી રહેલ છે અને કાયદાની જોગવાઈનો મનફાવે તે રીતે અર્થઘટન કરીને વેચાણ તથા અન્ય રીતે નિકાલ કરીને અબજોના અબજો રૂપીયા મેળવી તેનો ગેરઉપયોગ કરવામાં આવે છે જેની સામે લાલબતી સમાન ઉપરોકત કેસ મુળ જમીન માલીક દ્વારા સીવીલ કોર્ટમાં દાખલ કરી તંત્ર સામે આ મીલ્કત વેચાણ કે ભાડાભટ્ટે કે અન્ય કોઈ પણ પ્રકારે આગળની કોઈ કાર્યવાહી કરે, કરાવે નહી તેવો કાયમી તથા વચગાળાનો કામ ચલાઉ મનાઈ હુકમમળતા દાવો કરવામાં આવ્યો છે.

આ કામમાં વાદી વતી એડવોકેટ રાઘવજી વી. ઘેલાણી અને રાજેષ એન. મંજુષા રોકાયા છે. જેઓએ વાદી સંજયસિંહ ઇન્દ્રવિજયસિંહ જાડેજા વિગેરે વતી દાવો કરેલ છે.

ગુજરાતની કોઇપણ ટી.પી. સ્કીમ હેઠળ આવતા રીઝર્વેશનવાળી મિલ્કતો જાહેર હરરાજી કે અન્ય કોઇપણ રીતે નિકાલ કરવાની સત્તા ન હોવા છતાં રાજકોટ મહાનગરપાલિકાએ સોનાની લગડી જેવા ૬ થી ૮ પ્લોટ વેચવા કાઢયા છે તે પૈકી નાનામવા ચોકના સોનાની લગડી સમાન ટી.પી. સ્કીમ નં. ૩ (નાનામવા)ના એફ.પી. નં. ૪ના પ્લોટ જાહેર હરરાજીથી મિલ્કત નિકાલની કાર્યવાહી કરવા સામે રાજકોટની સિવિલ કોર્ટ સમક્ષ કાનુની લડતના મંડાણ.

ટી.પી. એકટ હેઠળ મનફાવે તે રીતે તંત્ર દ્વારા અર્થઘટન કરી કહેવાતા આયોજન તથા વિકાસના નામે ખાનગી માલીકોની જમીનો કપાતનું નામ આપી અને તેનું જાહેર હરરાજીથી નિકાલ કરી અબજોના અબજો રૂપિયા મેળવી તે રકમનો ગેરઉપયોગ કરવા સામે લાલબત્તી સમાન આ કિસ્સામાં એક ખાનગી માલીકે કોર્ટમાં દાવો માંડયો છે. જ્યારે અન્ય લોકો પણ હજુ દાવો કરવા તજવીજ કરી રહ્યાનું જાણવા મળે છે.

આ કેસમાં વાદીઓ વતી એડવોકેટ રાઘવજી વી ઘેલાણી તથા રાજેશ એન. મંજુષા રોકાયા છે.

(3:14 pm IST)