Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

દાગીના અને ઘરવખરીની વસ્તુઓ લાવી નથી કહી રાજકોટના વિધીબેનને ત્રાસ

લગ્ન બાદ ત્રીજા દિવસે પતિ, સાસુ સહિતે મેણાટોણા મારવાનું શરૂ કર્યું : પૂના રહેતા પતિ નયન મહેતા, સાસુ જયશ્રીબેન મહેતા, મામાજી સસરા જીતેન્દ્રભાઇ અને ફઇજી સાસુ કલ્પનાબેન મહેતા સામે ગુનો

રાજકોટ,તા. ૧૩ : શહેરના એસ્ટ્રોન ચોક જન કલ્યાણ એપાર્ટમેન્ટમાં માવતર ધરાવતી મહિલાને દાગીના તથા ઘરવખરીની ચીજવસ્તુ બાબે મેણાટોણા મારી પૂના ખાતે રહેતો પતિ, સાસુ, મામાજી અને ફઇજી સાસુ શારીરીક માનસીક ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ એસ્ટ્રોન ચોક જનકલ્યાણ એપાર્ટમેન્ટમાં માવતર સાથે રહેતા વિધીબેન નયનભાઇ મહેતા (ઉવ. ૩૧) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં પૂનામાં દેહુ રોડ કીવલે, લેખા ફાર્મની બાજુમાં અને મુળ મુંબઇ બેંગ્લોર બાયપાસ રોડ શગુન કો.ઓપ. સોસાયટી રહેતા પતિ નયન દિલીપભાઇ મહેતા, સાસુ જયશ્રીબેન દીલીપભાઇ મહેતા, મામાજી સસરા જીતેન્દ્રભાઇ શાંતીલાલભાઇ મહેતા અને ફઇજી સાસુ કલ્પનાબેન અજયભાઇ મહેતા નામ આપ્યા છે. વિધીબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે માવતરે છેલ્લા એક વર્ષથી રહે છે. પોતાના ૧૨/૩/૨૦૨૦ના રોજ મુળ મુંબઇ તથા હાલ પુનામાં રહેતા નયન મહેતા સાથે લગ્ન થયા હતા. બંનેની બીજા લગ્ન છે. લગ્નબાદ ત્રીજા દિવસથી જ પતિ 'તારા માતા-પિતાએ પહેરામણીમાં કશું આપેલ નથી. ' તેમ મેણાટોણા મારતા અને સાસુ 'કરિયાવરમાં સોનાનું બ્રેસલેટ કે કબાટ તથા ઘરવખરીની ચીજવસ્તુઓ આપેલ નથી.' તે બાબતે મેણાટોણા મારી માનસીક ત્રાસ આપતા તથા પોતાને વાપરવાના અને મોબાઇલ રીચાર્જના પૈસા પણ માવતરેથી લઇ આવવાનું કહેતા તેમજ પતિ પોતાના પર હાથ પણ ઉપાડી લેતા હતા. તેમજ પતિ સાસુ નજીવી બાબતમાં પોતાના માતા-પિતા અને મામાને ગાળો આપી તેઓને હલકા મીતરવાની કોઇ પણ તક જતી કરતા નહી. તેમજ રસોઇની બાબતમાં રોક ટોક તથા ઘરમાં પંખા પણ શરૂ કરવા દેતા નહીં. આ બધી બાબતે પોતાની માતાને જણાવી હતી. તેથી આ બાબતે પોતાના મામાએ પોતાના ફઇજી સાસુને ફોન કરી જાણ કરતા ફઇજી સાસુ પતિ અને સાસુને સમજાવવાના બદલે પોતાના માતાને કહેવા લાગેલ કે તમે વિધીને કરિયાવરમાં કંઇ આપેલ નથી. તમે જેવા પૈસાવાળા દેખાવ છો તેવા કોઇ ખર્ચ તમે લગ્નમાં કરેલ નથી.' તેમ સંભળાવી દીધુ હતું. ત્યારબાદ ત્રણેક મહિના પછી એક દિવસ પતિ, સાસુ બંને રાત્રે રૂમ બંધ કરીને મામાજી સસરા તથા ફઇજી સાસુ સાથે ફોન પર વાતો કરી  પોતાને સંડોવવાની યોજના કરતા હતા. બાદ બીજા દિવસે પતિ તથા સાસુ બજારમાં વસ્તુ લેવા જવાનું કહી પુના દે હું રોડ પોલીસ સ્ટેશનમાં પોતાના વિરૂધ્ધ અરજી કરતા પોતાને પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે જાણ કરતા પોતે ડરીને મુંબઇ રહેતા મામાને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો. બાદ પોતે મામાજી સસરાને ફોન કરતા તેણે જણાવેલ કે ' પોતે જ સાસુ જયશ્રીબેનને અને પતિ નયને તારા વિરૂધ્ધ ફરિયાદ કરવાનું જણાવ્યું છે. જેથી તું અમારા કહ્યામાં રહે અને બહેન તથા ભાણીયાની વાતો માને. બાદ પોતે પોલીસ મથકમાં હાજર થતા પોતે તમામ બાબતો જણાવતા પોલીસે પતિને આવી ખોટી ફરિયાદ ન કરવા અને બીજી વાર હેરાન કરવા સમજાવી પોલીસે સમાધાન કરાવ્યું હતું. ત્યારબાદ પોતે ગર્ભવતી થતા હવે બધુ સારૂ થઇ જશે. એવી આશાએ પોતે રહેલા લાગ્યા હતા. પરંતુ પતિ અને સાસુ વારંવાર શારીરીક માનસીક ત્રાસ આપતા હતા. બાદ પોતાના ભાઇના લગ્ન હોય, તેથી પોતે મુંબઇથી રાજકોટ આવેલ જ્યાં પોતાની પ્રેગ્નેન્સીના અઢી મહિનામાં જ બાળકના ધબકારા બંધ થઇ ગયેલ જેથી ડોકટરે ગર્ભપાત કરવવાનું  કહ્યું હતું. બાદ પતિને જાણ કરતા પતિને ભરોસો ન હોય તેથી તેણે ડોકટરના રીપોર્ટ મંગાવતા પિતાએ તેના વોટ્સએપમાં રીપોર્ટ મોકલ્યા હતા. પરંતુ પતિએ પોતાની વાત માનેલ નહીં અને ' હું આવી શકુ તેમ નથી. તમારે જે નિર્ણય લેવો હોય તે લઇ લો' તેમ કહી પતિ કે સાસુ કોઇ રાજકોટ આવેલ નહીં બાદ પોતાની તબીયત ખરાબ થતા ડોકટરના કહેવાથી ગર્ભપાત કરાવ્યું હતું. બાદ પોતે સુરેન્દ્રનગર પોતાના મામાના ઘરે ગયા ત્યારે મામાએ પતિને સમજાવવા માટે ફોન કરતા પતિએ કહેલ કે મારી અમુક શરતો છે જે વોટસએપ કરેલ છે. શરતો માને પછી જ આગળ વિચારશે.

(3:13 pm IST)