Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

વોર્ડ નં. ૧૭ માં સુચિત સોસાયટીઓને માન્ય કરવાના નિર્ણયને આવકારતા ગોવિંદ પટેલ

મુખ્યમંત્રના હસ્તે પ્રમાણપત્ર એનાયત : હવે પ્રાથમિક સુવિધાઓ આસાન

રાજકોટ તા. ૧૩ : વિધાનસભા ૭૦ ના ધારાસભ્ય અને રાજયના પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ધવા, પૂર્વ કોર્પોરેટર અને લોઢડા પીપલાણા, પડવલા ઇન્ડ. એસો.ના પ્રમુખ  જયંતિભાઇ સરધારા તેમજ વોર્ડ નં. ૧૭ ના કોર્પોરેટર રવજીભાઇ મકવાણા, બટુકભાઇ દુધાગરાએ એક સંયુકત યાદીમાં લોકોને ઘરૃં ઘર મળે તે હેતુથી સુચિત સોસાયટીઓને રેગ્યુલાઇઝ કરવાના લેવાયેલ નિર્ણયને આવકારેલ છે.

સુચિત સોસાયટીના લોકોને છાશવારે પોતાના મરણમુડીમાંથી બનાવેલ ઘરનું ઘર પડવાની ભીતી રહેતી હોય છે. ત્યારે ભાજપ સરકારે આવા લોકોની રજુઆત ધ્યાને લઇ સુચિત સોસાયટીઓ રેગ્યુલાઇઝ થાય અને દસ્તાવેજ કરવાની માન્યતા મળે તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ.

ટીપી યોજનાની ભુલ સ્વીકારીનેે વોર્ડ નં. ૧૭ માં રાજલક્ષ્મી સોસાયટી, કિરણ સોસાયટી, કામનાથ સોસાયટી, ન્યુ સુભાષનગર સોસાયટી, વિશ્રાંતી સોસાયટી, વિક્રાંતી સોસાયટી, સરદાર પટેલ સોસાયટી અને નંદીની પાર્ક સહીતની સુચિત સોસાયટીઓને રેગ્યુલાઇઝ કરવામાં આવી હતી.

આ સોસાયટીઓ રેગ્યુલાઇઝ થતા હવે પુરતા પ્રમાણમાં પ્રાથમિક સુવિધાઓ મળશે. તેવી ખુશી આ વિસ્તારના લોકોમાં પ્રવર્તી હોવાનું ગોવિંદભાઇ પટેલ, વિનુભાઇ ધવા, જયંતિભાઇ સરધારા, રવજીભાઇ મકવાણા, બટુકભાઇ દુધાગરાએ સંયુકત યાદીમાં જણાવેલ છે.

(3:06 pm IST)