Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

રાજકોટમાં જેમની નિમણુંક થઇ તે એસીપી આર. એસ. બારીયાના પિતાજીની હત્યાઃ ૪ હત્યારા ઝડપાયા

વતન નર્મદા જીલ્લાના તિલકવાડાના માંગુ ગામે બનાવઃ ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતાં એસીપીના પિતાજીને ચાર શખ્સે પતાવી દીધાઃ લાશ એકટીવા સાથે દૂર મુકી બનાવને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કર્યો'તો : લ્તાફખાન ઘોરી, સદ્દામહુશેન ઘોરી રમીઝખાન અને અશરફખાન ઘોરીની ધરપકડ

રાજકોટ તા. ૧૩: શહેરમાં તાજેતરમાં બે નવા બઢતી પામેલા એસીપીની નિમણુંક થઇ તે પૈકી મહિલા પોલીસ સ્ટેશનમાંમુકાયેલા એસીપી આર. એસ. બારીયાના પિતાની તેમના પીઆઇમાંથી મળેલા પ્રમોશનના દિવસે જ વતન નર્મદા જીલ્લાના તિલકવાડા ગામે હત્યા થઇ જતાં ચકચાર મચી ગઇ હતી. એસીપીના પિતાજીએ ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી મુદ્દે ચાર શખ્સોએ તેમની હત્યા કરી મોબાઇલ ફોન, સોનાના ચેઇનની લૂંટ કરી મૃતદેહને પહાડ ગામના પુલ પાસે ફેંકી દીધો હતો. નર્મદા જીલ્લા એલસીબી અને તિલકવાડા પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓને પકડી લઇ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જાણવા મળ્યા મુજબ રાજ્યમાં અલગ અલગ શહેરોમાં ફરજ બજાવતાં પાંચ પોલીસ ઇન્સ્પેકટરને ત્રણ દિવસ પહેલા જ એસીપીની બઢતી મળી હતી. જેમાં રાજકોટમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ખાસ ઉભી કરાયેલી જગ્યામાં એસીપી તરીકે હાલ વડોદરા ફરજ બજાવતાં ફતેહગંજ પોલીસ મથકના પીઆઇ આર. એસ. (રાજેશભાઇ સનાભાઇ) બારીયાની નિમણુંકનો ઓર્ડર થયો હતો. પરંતુ આ બઢતીના ઓર્ડરના દિવસે જ એસીપી બારીયાના ૭૦ વર્ષના પિતાજી સનાભાઇ નાનાભાઇ બારીયાની હત્યા થઇ જતાં પરિવારમાં એક તરફ ખુશીનો માહોલ હતો ત્યાં ગમગીની છવાઇ ગઇ હતી.

એસીપી બારિયાના વતન નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના માંગુ ગામેં રહેતા તેમના પિતા સનાભાઈ નાનાભાઈ બારીઆનો મૃતદેહ માથા અને ડાબા ખભાના નીચેના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો ઘટના સ્થળેથી સનાભાઇનું એકિટવા પણ મળ્યું હતુ. પણ પોલીસે તપાસ કરતાં આ ઘટનામાં હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ થયાનું જણાયું હતું. એલસીબીની ટીમે તપાસ શરૂ કરતાં રૂપિયાની ઉઘરાણી મામલે હત્યા થયાનું ખુલ્યું હતું. એક યુવકે સનાભાઇ પાસેથી રૂપિયા ઉછીના લીધા હતાં. તે આ રકમ પાછી આપતો નહોતો. આથી બંને વચ્ચે ઝઘડો થયો હતો અને એ શખ્સ સહિત ચાર જણાએ ખેતરમાં કામ કરતા સનાભાઇ ઉપર  પાવડા વડે હુમલો કરી માથાના ભાગે ઘા ફટકારી હત્યા કર્યા પછી બનાવને અકસ્માતમાં ખપાવવા મૃતદેહ અને તેમનું એકટીવા નજીકના પહાડ ગામના રડ પર પુલ પાસે ફેંકી દેવાયા હતાં.

આ બનાવની જાણ થતા એ.સી.પી આર.એસ.બારિયા તાત્કાલિક તેમના વતન  દોડી ગયા હતા. પોલીસે આ ગુનામાં તિલકવાડા તાલુકાના ચુડેશ્વરના અલ્તાફ ખાન ઝાકીરહુશેન ઘોરી (ઉં.વ.૨૫), સદ્દામહુશેન ઝાકીરહુશેન ઘોરી (ઉં.વ.૨૦), રમીઝખાન યાકુબહુશેન (ઉ.વ.૧૮), અશરફખાન રસુલખાન ઘોરી (ઉં.વ. ૩૨)ની ધરપકડ કરી હત્યારાઓ પાસેથી સોનાની ચેઈન, મોબાઈલ ફોન અને એક ડાયરી કબજે કરી હતી. નર્મદા જિલ્લાના એલસીબીના પીઆઇ એ.એમ.પટેલ, તિલકવાડાના પીએસઆઇ સી.એમ.ગામીત સાથે એલસીબી અને તિલકવાડા પોલીસ સ્ટાફે આ કામગીરી કરી હતી.

ઘટનાની જાણ રાજકોટ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલને થતાં તેમણે એસીપી આર. એસ. બારીયાને ફોન કરી શોક વ્યકત કરી દિલાસો પાઠવ્યો હતો.

(1:20 pm IST)