Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ઇ-મેમોથી બચવા સરધારનો પરેશ મકવાણા બાઇકમાં ખોટી નંબર પ્લેટ લગાડીને ફરતો હતોઃ ધરપકડ

આગળ નંબર પ્લેટ જ નહોતી, પાછળ ખોટી લગાડી'તીઃ આજીડેમ પોલીસે કોઠારીયા ચોકડીએ પકડ્યો અઠવાડીયામાં નંબર પ્લેટ વગરના ૨૧ વાહનો ડિટેઇન થયા

રાજકોટ તા. ૧૩: કોઠારીયા ચોકડી પાસે વાહન ચેકીંગ દરમિયાન આજીડેમ પોલીસે આગળ નંબર પ્લેટ વગરનું બાઇક લઇને ડબલ સવારીમાં નીકળેલા સરધારના શખ્સને અટકાવી પુછતાછ કરી આરસી બૂક તપાસતાં  આ શખ્સે ઇ-મેમોથી બચવા માટે આગળ નંબર પ્લેટ ન રાખી તેમજ પાછળ ખોટી નંબર પ્લેટ લગાડી હોઇ તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

કોન્સ. શૈલેષભાઇ નેચડાની ફરિયાદ પરથી સરધાર સોમનાથ માર્કેટમાં રોહિતભાઇ દોઢના મકાનમાં ભાડેથી રહેતાં મુળ કુકાવાવના કૃષ્ણપરા-૩ના પરેશ ભુપતભાઇ મકવાણા સામે આઇપીસી ૪૬૫, ૪૭૧ તથા એમવીએકટ ૧૮૧ મુજબ ગુનો નોંધ્યો છે. કોન્સ. શૈલેષભાઇ નેચડા, એએસઆઇ યશવંતભાઇ ડી. ભગત, હેડકોન્સ. ઇન્દ્રસિંહ જાડેાજ, કોૈશેન્દ્રસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજા, ભીખુભાઇ મૈયડ, જયપાલભાઇ બરાળીયા સહિતનો સ્ટાફ કોઠારીયા ચોકડીએ વાહન ચેકીંગમાં હતો ત્યારે નંબર વગરના બાઇક પર બે જણા નીકળ્યા હતાં.

શંકા પરથી અટકાવી ચાલકની પુછતાછ કરતાં પોતે મુળ વડીયાનો હાલ સરધાર રહેતો પરેશ ભુપતભાઇ મકવાણા (ઉ.વ.૨૦) હોવાનું અને છુટક મજૂરી કરતો હોવાનું કહ્યું હતું. તેની પાછળ બેઠેલો શખ્સ પડવલાનો દિવ્યેશ જયેશભાઇ ફતેપરા હોવાનું જણાવાયું હતું.

બાઇકમાં આગળ નંબર ન હોઇ પાછળ ચેક કરતાં ત્યાં જીજેઆર૧૫-૮૬૮૫ નંબર લખેલા જોવા મળ્યા હતાં. પરેશ પાસે લાયસન્સ, આરસી બૂક માંગતાં લાયસન્સ નહિ હોવાનું કહ્યું હતું. તેણે આરસી બૂક આપતાં તેમાં બાઇકનો માલિક તે પોતે હોવાનું ખુલ્યું હતું. પરંતુ નંબર જીજે૧૪એઆર-૭૧૮૦ હોવાનું જણાતાં તેની પુછતાછ કરતાં તેણે જાતે જ ખોટી નંબર પ્લેટ લગાડી હોવાનું કહ્યું હતું. સતત રાજકોટ આવ જા કરતો હોઇ પોતાની પાસે લાયસન્સ પણ ન હોઇ ઇ-મેમોથી બચવા આમ કર્યાનું રટણ કર્યુ હતું. પીએસઆઇ એમ. એમ. ઝાલાએ પીઆઇ વી. જે. ચાવડાની રાહબરીમાં વધુ તપાસ હાથ ધરી છે.

(3:10 pm IST)