Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

રીઢો તસ્કર પ્રદિપ પકડાયોે: ત્રણ ચોરીના ભેદ ખુલ્યા :૩.૯૪ લાખનો મુદ્દામાલ કબ્જે

એપાર્ટમેન્ટમાં ચોરી કરવાની ટેવઃ કોઇ સામે મળે તો ફર્નિચર રિપેર કરવા આવ્યાનું બહાનુ ધરી દેતો : મનહરપ્લોટ, લોકમાન્ય તિલક ટાઉનશીપ, કોઠારીયા સોલવન્ટમાં ધોળે દિવસે ચોરી કરી હતીઃ અગાઉ રાજકોટ, ગોંડલ, જસદણના ચોરીના ૯ ગુનામાં સંડોવણી : એએસઆઇ વીરમભાઇ ધગલ, હેડકોન્સ. અજયભાઇ બસીયા અને કોન્સ. સિરાજભાઇ તથા પરેશભાઇની બાતમી પરથી પેડક રોડના છેડેથી પકડી લેવાયોઃ પોકેટ કોપ એપથી ગુનાહિત ઇતિહાસ ચકાસાયો

રાજકોટ તા. ૧૩: દિવસના સમયે અને સંધ્યા ટાણે રેઢા મકાનમાં ઘુસી ચોરી કરવાની ટેવ ધરાવતાં રીઢા તસ્કર પ્રદિપ કાળુભાઇ પઢારીયા (લુહાર) (ઉ.વ.૨૧-રહે. ગુલાબનગર મફતીયાપરા કોઠારીયા સોલવન્ટ નજીક)ને બી-ડિવીઝન પોલીસે પેડક રોડ પાણીના ટાંકા પાસેથી પકડી લીધો છે. પ્રારંભે આ શખ્સ ગલ્લા તલ્લા કરતો હોઇ પીએસઆઇ એમ. એફ. ડામોરે પોકેટ કોપ એપમાં ઇતિહાસ ચકાસતાં અગાઉ ચોરીના નવ ગુનામાં સંડોવણી ખુલતાં આગવી ઢબે પુછતાછ કરવામાં આવતાં આ શખ્સે લાખોની મત્તાની ત્રણ ઘરફોડી કબુલી હતી.

મનહરપ્લોટ-૮માં જગજીત એપાર્ટમેન્ટમાં પાંચમા માળે ૧૧/૭ના રોજ ઘુસી જઇ પ્રદિપે રોકડા ૮ હજાર તથા સોના-ચાંદીના દાગીના મળી રૂ. ૩,૨૩,૫૦૦ની ચોરી કરી હતી. આ મુદ્દામાલ કબ્જે કરાયો છે. આ ઉપરાંત મોરબી રોડ લોકમાન્ય તિલક ટાઉનશીપમાં સમી સાંજે બંધ ફલેટના તાળા તોડી ઘુસી જઇ રૂ. ૨૨ હજારની ચોરી કરીહ તી. એકાદ મહિના પહેલા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં દરગાહવાળી શેરીમાં ભૈયાજીના મકાનમાંથી ચોરી કરી હતી. આ શખ્સ પાસેથી કુલ રૂ. ૩,૯૪,૨૫૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. શંકાસ્પદ સોનાની વીટી, ચાંદીના સાંકળા, સોનાનું પેન્ડન્ટ, ચાંદીની કડલી અને સોનાના બુટીયા પણ જપ્ત કરાયા છે.

અગાઉ પ્ર.નગર, આજીડેમ, માલવીયાનગર, ગાંધીગરમ, યુનિવર્સિટી, ગોંડલ અને જસદણ પોલીસમાં ચોરીના નવ ગુનામાં આ શખ્સ સંડોવાઇ ચુકયો છે. મોજશોખ માટે ચોરીઓ કરતો પ્રદિપ એકાદ મહિના પહેલા જ જેલમાંથી છુટ્યો હતો અને ફરી ચોરીના રવાડે ચડ્યો હતો. મોટર સાઇકલ લઇ અલગ-અલગ વિસ્તારમાં રઝળપાટ કરી જે એપાર્ટમેન્ટમાં દરવાજા લોકો હોઇ અને આજુબાજુમાં પણ કોઇ ન હોય તેવા દરવાજાના લોકો તોડી અંદર ઘુસી ચોરી કરવાની ટેવ ધરાવે છે. જો એપાર્ટમેન્ટમાં કોઇ સામે મળે તો ફર્નિચર રીપેર કરવા આવ્યો હોવાનું બહાનુ ધરી દેતો હતો.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી જે. એચ. સરવૈયા, એસીપી એસ.આર. ટંડેલ તથા પીએઆઇ એચ. એમ. ગઢવી અને પીઆઇ એમ. બી. ઓૈસુરાની રાહબરીમાં પીએસઆઇ એમ. એમ. ડામોર, એએસઆઇ વી. જે. ધગલ, હેડકોન્સ. અજયભાઇ બસીયા, મનોજભાઇ મકવાણા, કોન્સ. સિરાજભાઇ ચાનીયા, પરેશભાઇ સોઢીયા, મનોજભાઇ ગઢવી સહિતે આ કામગીરી કરી હતી. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(2:59 pm IST)