Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

માસ્ક વગર નીકળ્યા ને પોલીસ સામે સીન કર્યાઃ પ્રતિક તથા જીજ્ઞેશ સામે કાર્યવાહી

પ્રેમ મંદિર પાસે પોલીસની ફરજમાં રૂકાવટ કરતાં ગુનો નોંધાયો

રાજકોટ તા. ૧૩: કોરોનાના વધી રહેલા કેસ સામે તંત્રો લોકોને જરૂર વગર બહાર ન નીકળવા સમજાવે છે તેમજ બહાર નીકળવું પડે તેમ હોય તો માસ્ક વગર ન નીકળવા પણ જણાવે છે. પોલીસ પણ માસ્ક વગર નીકળતાં લોકોને પકડી દંડ ફટકારે છે. આવી કામગીરીમાં બે શખ્સો પોલીસની સામે થઇ જતાં બંનેને કાયદાનું ભાન કરાવાયું હતું.

આ બારામાં યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ હરદેવસિંહ એન. રાયજાદાએ જામનગર રોડ પોલીસ હેડકવાર્ટર ત્રણ માળીયા બ્લોક નં. બી-૨ કવાર્ટર નં. ૨૦૪માં રહેતાં પ્રતિક મહેશભાઇ વાવેચા (ઉ.૨૪) અને મવડી ફાયર સ્ટેશન પાસે શ્રધ્ધા સોસાયટી-૪માં રહેતાં મુળ ઉપલેટાના જીજ્ઞેશ દિનેશભાઇ વાળા (ઉ.૨૩) સામે આઇપીસી ૧૮૬, ૧૮૯, ૫૦૪, ૧૧૪ મુજબ ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

હરદેવસિંહે ફરિયાદમાં જણાવ્યું છે કે હું તથા મારી સાથેના હેડકોન્સ. કૃપાલસિંહ ઝાલા, સંજયભાઇ દાફડા, કોન્સ. પ્રકાશભાઇ કોડીયાતર, કોન્સ. પ્રદિપભાઇ કોટડ સહિતના વાહન ચેકીંગમાં હતાં ત્યારે પ્રેમ મંદિર તરફથી રાજકોટ તરફ આવતાં રોડ પર બે શખ્સ માસ્ક વગર નીકળતાં તેને અટકાવી નામ પુછતાં પ્રતિક અને જીજ્ઞેશ જણાવ્યા હતાં. આ બંનેને માસ્ક પહેર્યા ન હોઇ દંડ ભરી દેવાનું કહેતાં બંનેએ સ્ટાફ સાથે ગાળાગાળી શરૂ કરી હતી અને ગર્ભિત ધમકીઓ આપી હતી. અંતે બંને સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરાવી હતી.

(2:57 pm IST)