Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ ખાતે આંખના મોતિયાના ઓપરેશનો વિનામુલ્યે

'અંધે કો આંખ, ભુખે કો ભોજન અને નિર્વસ્ત્ર કો વસ્ત્ર' નો પૂ. રણછોડદાસજીબાપુએ આપેલ મંત્ર સાર્થક : ઓપરેશન કરાવનાર દર્દીને રહેવા, જમવા, ચા-નાસ્તો, દવા સહીતની સુવિધા પણ વિનામુલ્યે : દરેકને એક ધાબળાની ભેટ પણ અપાય છે

રાજકોટ તા. ૧૩ : 'અંધે કો આંખ, ભૂખે કો ભોજન ઔર નિર્વસ્ત્રો કો વસ્ત્ર' નો મંત્ર આપી જનાર પૂ.શ્રી રણછોડદાસજી બાપુના સિધ્ધાંતોને અનુસરીને રાજકોટમાં શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ ખાતે કોઇપણ પાસેથી પૈસા દીધા વગર આંખના મોતિયાના ઓપરેશનો કરવામાં આવી રહ્યા છે.

સંસ્થાની યાદીમાં જણાવાયુ છે કે અહીં દર્દીને ભગવાન માનીને તેમની સારવાર કરવામાં આવી રહી છે. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ ખાતે દાખલ થયેલ કોઇપણ દર્દી પાસેથી એકપણ પૈસો કે રૂપિયા લીધા વગર તેમની તમામ પ્રકારની કેસ કાઢવાથી લઇને તપાસ, લેબોરેટરી, ઓપરેશન, દવા, ટીપા, ચશ્મા, નેત્રમણી સુધીની તમામ સારવાર મફત કરવામાં આવે છે.

અન્ય જગ્યાએ આંખના જે ઓપરેશનો માટે રૂ.૧૦ હજારથી ૧૫ હજાર વસુલવામાં આવે છે તે અહીં તદન મફત કરી અપાય છે.

એક વર્ષમાં બાળકથી માંડીને ૧૦૦ વર્ષની વયા દર્દીઓને મફત ઓપરેશનો કરવામાં આવ્યા છે. દરેક દર્દીઓનું આધુનિક ફેકો મશીન સાથે સોલ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે ટાંકા વગરનું મફત ઓપરેશન કરવામાં આવે છે. એટલુ જ નહીં દર્દીને રહેવા, જમવા, ચા-નાસ્તો, શુધ્ધ ઘીનો શીરો તેમજ ખાસ એક ધાબળો (બ્લેન્કેટ) આપવામાં આવે છે.

હાલ કોરોના વાયરસ સંક્રમણ ધ્યાને લઇને થોડાક નિયમોનું પાલન જરૂરી હોય જે કોઇપણ દર્દી હોસ્પિટલમાં આવે તેમણે મોઢા પર માસ્ક અવશ્ય બાંધીને આવવા અને હોસ્પિટલના પ્રવેશ દ્વાર પાસે થર્મલ ગનથી ચેકઅપ કરાવવા તેમજ સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા અપીલ કરાઇ છે.

શ્રી રણછોડદાસજી બાપુ હોસ્પિટલ રાજકોટનો સમય સવારે ૯ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ નો છે. દર્દીઓએ આધારકાર્ડ સાથે રાખવુ જરૂરી છે. વધુ માહીતી માટે મો.૯૫૮૬૩ ૦૮૧૭૮ અથવા ૮૪૬૦૯ ૨૮૫૦૮ અથવા ફોન ૦૨૮૧ ૨૪૫૭૦૦૯ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(2:55 pm IST)