Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

સૌરાષ્ટ્ર યુનિ.નું સમાજશાસ્ત્ર ભવન વિદ્યાર્થીહિત માટે સદાય તત્પરઃ અનેકવિધ કાર્યો અને પ્રકલ્પો

કોરોના તથા સતત લોકડાઉન અને અનલોકની પ્રક્રિયા વચ્ચે પણ સમાજોપયોગી સંશોધન તથા પ્રવૃતિઓ અવિરત રહયાઃ ડો. જયશ્રી નાયક

રાજકોટ, તા., ૧૩: ભારત સહિત સમગ્ર વિશ્વમાં વૈશ્વિક મહામારી કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. જેને કારણે મોટાભાગના તમામ ક્ષેત્રો ઉપર એક યા બીજી રીતે અસર દેખાઇ રહી છે. કોરોના સામે તકેદારીરૂપે સતત લોકડાઉન પણ રહયું અને હવે નિતિનિયમો તથા શરતોને આધીન અનલોકની પ્રક્રિયા પણ શરૂ થઇ ગઇ છે. કોરોનાએ શિક્ષણક્ષેત્ર ઉપર પણ ઘણી મોટી અસર કરી છે.

આ બધા વચ્ચે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવન દ્વારા સમાજોપયોગી સંશોધન તથા પ્રવૃતિઓ અવિરત રહી છે. ભવનના અધ્યક્ષ ડો. જયશ્રીબેન નાયકે અકિલાને જણાવ્યું હતું કે વિદ્યાર્થીહિત માટે ભવન સદાય તત્પર છે.

તેઓએ જણાવ્યું  હતું કે  કોરોના મહામારી આમ તો સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે, પરંતુ એ ઉપરાંત તેનાથી સમાજ પર થતી અસરો તે મહામારી સમાન જ ગંભીર બની રહે છે. સાથે - સાથે કેટલીક નવી સમસ્યાઓ ઉત્પન્ન કરે છે.  આની અસરરૂપે માનસિક બાબતો,આર્થિક સંકટ અને સૌથી વધુ સામાજિક સંકટ જન્મ આપે છે. સમાજશાસ્ત્ર ભવને આ સામાજિક પાસાઓને ધ્યાનમાં રાખી વ્યવહારું રીતે સમાજમાં કેવી રીતે કાર્ય થઇ શકે તેના પ્રયત્નો કર્યા છે.

મહામારીમાં સામાજિક પરામર્શ આવશ્યક બને છે.જેથી કરી સામાજિક અલગાવની સ્થિતિને હળવી કરી શકાય અને તેના ભાગરૂપે લોકડાઉનના સમયગાળા  દરમિયાન સમાજશાસ્ત્ર ભવન દ્વારા વિદ્યાર્થીઓ અને તેના કુટુંબીજનો તેમજ સામાજિક વર્તુળના સંદર્ભે અનેક કામગીરી થઇ છે.

વધુમાં જણાવ્યું હતું  કે  રાજય સરકારના સુચન મુજબ   લોકડાઉનના સમયગાળાનો સદુપયોગ કરીને ઓનલાઈન કલાસરૂમ દ્વારા ' વર્ક ફ્રોમ હોમ' ના સુત્રથી  ભવન દ્વારા  ઓનલાઈન વર્ગખંડના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓ સાથે જોડાવાનો નિર્ણય લેવાયો હતો. વિદ્યાર્થીઓ સાથે સતત  તેમના અભ્યાસ સંલગ્ન પ્રશ્નો તેમજ ભવન તરફથી ઘરમાં જ રહીને કાર્ય કરી શકાય એ માટે એસાઈમેન્ટ  તરીકે આપવામાં આવેલ ''લોકડાઉનના મારા સામાજિક અનુભવો'' ની રોજ ડાયરીની વિશેષ નોંધ  તૈયાર કરી  હતી.  જેનાથી હાલમાં લોકોને કેવી સમસ્યાઓ નડી રહી છે તેનો ચિતાર મેળવવાનો પ્રયાસ કર્યો છે.  અગાઉ ચેતવણીરૂપે કેટલાક પગલાં ભરી શકાય અને સામાજિક હાનિ થતી અટકે, તેમજ તેના નિરાકરણોનો અભ્યાસ કર્યો હતો.

સાથો સાથ  ભવન  દ્વારા ખાસ  'પ્રોત્સાહન વ્યાખ્યાનમાળા' નું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં ડોકટર, પત્રકાર, સમાજશાસ્ત્રી, શિક્ષણવિદ અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સતાધીશો , ઉદ્યોગકારો  સહીતના અગ્રણીઓ અને વિદ્વાનો જોડાયા હતા. ભવન દ્વારા ગુરૂપૂર્ણિમાની ઉજવણી પણ ભવ્ય રીતે ઓનલાઇન કરવામાં આવી હતી.

વૈશ્વિક મહામારી જેવા સમયગાળાનો સદઉપયોગ કેવી રીતે કરી શકાય તેનું ઉતમ ઉદાહરણ સમાજશાસ્ત્ર ભવને પૂરું પાડ્યું હતું. આ નવતર અને પ્રેરણારૂપ કાર્યોમાં સમાજશાસ્ત્ર  ભવનના અધ્યક્ષ  ડો. જયશ્રીબેન નાયક, અન્ય  ટીચીંગ સ્ટાફ  ડો.ભરત ખેર, ડો. રાકેશ ભેદી, ડો. મેઘરાજસિંહ જાડેજા વિગેરે સતત કાર્યરત રહ્યા હતા.(૬.પ)

સમાજશાસ્ત્ર ભવન દ્વારા થતી શિક્ષણલક્ષી- કારકિર્દીલક્ષી પ્રવૃતિઓ

- ભવનમાં અનેક પ્રોજેકટ હેઠળ એમ.એ ,એમ.ફિલ ના વિદ્યાર્થીઓ પોતાના જુદા જુદા પ્રોજેકટમાં કામ કરે છે. દર મહીને જુદી જુદી સામાજિક સંસ્થાઓની મુલાકાત તેમજ સ્ટડીટુર ઉપરાંત જુદા જુદા દિવસના મહત્વની ઉજવણી જેમકે યોગ દિવસ,એકસેસન એકટીવીટી અંતર્ગત  કલીન ઇન્ડિયા પ્રોજેકટ, કૃષિ વિષયક પ્રોજેકટ, આરોગ્ય વિષયક પ્રોજેકટ હાથ ધરવામાં આવે છે.

-ગત વર્ષ ૧ર વિદ્યાર્થીઓને ફેલોશીપ મળેલ છે.  તેમજ આંબેડકર ચેર,મેઘાણી ચેર, વિવિધ ચેર દ્વારા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પ્રાપ્ત થયેલ છે.

- હાલ ઓનલાઇન કલાસની વ્યવસ્થા કરવામાં આવેલ છે.  ડીપાર્ટમેન્ટ આ અંગેનું સાહિત્ય પુરૂ પાડે છે તેમજ ઓડીયો/વીડીયો લેકચરની સુવિધા આપવામાં આવે છે.

-લાઇબ્રેરીની ફેસેલીટી પણ છે, જેમાં સેન્ટ્રલ લાઇબ્રેરી અને ભવનની લાઇબ્રેરી છે. e-books નો પણ સમાવેશ કરવામાંં આવેલ છે.

-ભવનના વિદ્યાર્થીઓ નેટ-સ્લેટ, ગૌણ સેવા પસંદગીમાં વિદ્યાર્થીઓ ઉતીર્ણ થાય છે. ગયા વર્ષે એક સાથે ૧ર વિદ્યાર્થીઓ અધ્યાપકની જગ્યાએ કાર્યરત થયા છે. બે યુનિવર્સિટી સાથે ભવન MOU  કરી રહ્યું છે.

- વિશેષ સિદ્ધિમાં ભવનના આ વર્ષે પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓએ જુનિયર રીસર્ચક ફેલોશિપ પણ મેળવેલ છે.

-  ડીપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ ક્રિકેટ અને હોકીની સ્પર્ધામાં નેશનલ લેવલે આગળ વધ્યા છે. ડીપાર્ટમેન્ટમાં એન્થ્રોપોલોજી અને ટ્રાયબલ સોસાયટી ભણાવાતું હોવાથી ટ્રાયબલ મ્યુઝીયમ નું પ્લાનીંગ હાલ ચાલી રહ્યું છે.

(2:51 pm IST)