Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

દુધ ઉત્પાદકો સાથે ડેરી મેનેજમેન્ટ રમત રમી રહ્યુ છે : ભારતિય કિસાન સંઘ

સામાન્ય સભા નજીક આવે એટલે ભાવ વધારી દયે અને પછી ઘટાડી નાખે

રાજકોટ તા. ૧૩ : ખેડુતોની સંસ્થા રાજકોટ દુધ સંઘે દુધ ઉત્પાદકો માટે પ્રતિ કિલો ફેટે રૂ.૨૦ નો વધારો કરીને મોટી જાહેરાત કરી છે. હકીકતમાં આ દુધ ઉત્પાદકો સાથે મોટી રમત રમાઇ હોવાનો આક્રોશ ભારતીય કિસાન સંઘના આગેવાનોએ વ્યકત કરેલ છે.

કિસાન સંઘના પ્રમુખ દિલીપભાઇ સખીયા, ઉપપ્રમુખ રમેશભાઇ ચોવટીયા, મંત્રી પ્રભુદાસભાઇ મણવરે સંયુકત યાદીમાં જણાવ્યુ છે કે ગત વર્ષે સાધારણ સભામાં ૭.૦૫ રૂપિયા ફેટના ભાવે દુધ ઉત્પાદકોને અપાતા હતા. જેવી સામાન્ય સભા પુરી થઇ કે એ ભાવ ટુંક સમયમાં ૬.૧૫ રૂપિયા ફેટના કરી નખાયા. આખુ વર્ષ પશુપાલકો અને ખેડુતોનું શોષણ થયુ.

હવે જયારે સાધારણસભા આવે ત્યારે ભાવ વધારાનું નાટક કરવામાં આવે છે. ભાવ વધારો કરે ત્યારે બહોળો પ્રચાર કરવામાં આવે અને ભાવ ઘટાડો કરે ત્યારે કોઇપણ જાહેરાત કર્યા વગર કરી અમલ કરી દેવાય.

ગયા આખા વર્ષની અંદર બધી ડેરીઓ કરતા આખા વર્ષમાં રાજકોટ સંઘે ખેડુત અને પશુપાલકોને બધા સંઘ કરતા પ્રમાણમાં ખુબ ઓછો ભાવ ચુકવેલો છે. આવુ કરીને રાજકોટ સંઘે ખેડુતો-પશુપાલકોને કરોડો રૂપિયાનું નુકશાન કર્યુ. જયારે પણ ગ્રામ્ય ડેરીઓ અને ખેડુતો/પશુપાલકો ભાવ વધારાની માંગણી કરે ત્યારે તેમની માંગણીને બેધ્યાન કરવામાં આવતી હોવાનું યાદીના અંતમાં ભારતીય કિસાન સંઘ રાજકોટ જિલ્લા પ્રમુખ દિલીપભાઇ સખીયા, રમેશભાઇ ચોવટીયા, લલીતભાઇ ગોંડલીયા, ભરતભાઇ પીપળીયા, રમેશભાઇ હાપલીયા, મહીપાલસિંહ જાડેજા, ધર્મેશભાઇ સોરઠીયા, માધુભાઇ પાંભર, શૈલેષભાઇ સીદપરા, બચુભાઇ ધામી, ભુપતભાઇ કાકડીયા, ભાવેશભાઇ રૈયાણી, દીપકભાઇ લીંબાસીયા, ઠાકરશીભાઇ પીપળીયા, કિશોરભાઇ લકકડ, વિનુભાઇ દેસાઇ, કાળુભાઇ, ઝાલાભાઇ ઝાપડીયા, વિપુલભાઇ સુદાણી, જમનભાઇ પાગડાએ જણાવેલ છે.

(2:48 pm IST)