Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

રાજકોટ શહેર - જિલ્લામાં કાળમુખા કોરોનાના દર્દીઓ વધતા આજથી જ ૯૫૦ બેડનું નવું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયુ : સિવિલમાં પણ ૪૦ બેડો વધારાયા

કલેકટર દ્વારા રાજકોટ શહેર - જીલ્લાના કેસોની સમીક્ષા : દરેક અધિકારીઓને વોચ રાખવા અને રીપોર્ટ કરવા પણ આદેશોઃ મોરબી રોડ ઉપર પણ નવા ૭૦ બેડનું ઈન્ફાસ્ટ્રકચર ઉભુ કરી દેવાયુ : જામનગર પહોંચેલા આરોગ્ય સચિવ ડો.જયંતિ રવિ સાંજે રાજકોટ આવે તેવી શકયતા

તા.૧૩ : રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાના ધડાધડ કેસો વધી રહ્યા હોય જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહન દ્વારા ઝડપથી પગલા લેવાઈ રહ્યા છે અને આજથી ત્રણ સ્થળે નવા કોવિડ કેર સેન્ટર શરૂ કરાયાનું અધિકારી સૂત્રોએ જણાવ્યુ હતું.

કલેકટર તંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટની યુનિવર્સિટી પાસે આવેલ લેડીઝ સમરસ હોસ્ટેલમાં ૯૫૦ બેડનંુ કોવિડ કેર સેન્ટર શરૂ થઈ ગયુ છે. ત્યાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ ઉપરાંત નવી સિવિલ હોસ્પિટલ ખાતે હાલ ૨૫૦ બેડની સુવિધા છે. તેમાં બીજા વધુ ૫માં માળે ૪૦ બેડ વધારવામાં આવી રહ્યા છે. તે પણ આજથી શરૂ થઈ ગયા છે.

આ ઉપરાંત મોરબી રોડ ઉપર કોમ્યુનિટી હોલમાં મુંબઈની અનંતા યુનિવર્સિટી મારફત ૭૦ બેડનું નવું કોવિડ કેર સેન્ટરનું ઈન્ફાસ્ટ્રકચર ઉભુ કરવામાં આવ્યુ છે.

રાજકોટમાં આજે સવારે ૧૧ વાગ્યા સુધીમાં ૧૨ નવા કેસ આવતા કોરોના પોઝીટીવનો આંકડો ૪૦૦ને વટાવી ગયો છે. રાજકોટ જીલ્લામાં ૨૯૫-૨૯૬ની આસપાસ આંકડો પહોંચ્યો હોય અને કોરોનાના દર્દીઓ વધી રહ્યા હોય ઉપરોકત ત્રણેય કોવિડ સેન્ટર આજથી તાકીદે શરૂ કરાય તેવી કલેકટરે સુચના આપી છે.

દરમિયાન રાજયના આરોગ્ય સચિવ ડો.જયંતિ રવિ આજે સવારે જામનગર પહોંચ્યા છે. ત્યાં તેઓ જામનગરની પરિસ્થિતિની સમીક્ષા કરી સાંજે સંભવતઃ રાજકોટ આવે તેવી શકયતા હોય સિવિલ હોસ્પિટલ અને કલેકટર કચેરી ખાતે અધિકારીઓ દ્વારા મીટીંગની તૈયારીઓ થઈ રહી છે.

(1:09 pm IST)