Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

જંકશન સ્ટેશન રોડ પર પાનની દૂકાને પાઇપ, પથ્થર અને લાકડીથી બઘડાટીઃ ત્રણ ઘવાયા

ગેસ લાઇટરના ધંધાની ભાગીદારી છૂટી થયા પછીનો પૈસાની લેતીદેતીનો ડખ્ખો : પ્રકાશ રામાણી અને મુકેશ જેઠવાણીની સામ-સામી ફરિયાદ

રાજકોટ તા. ૧૩: જંકશન રેલ્વે સ્ટેશન રોડ પર પાનની દૂકાન ખાતે ગેસ લાઇટરના ધંધાની ભાગીદારી છૂટી થયા બાદ લેણા નીકળતાં નાણાની વાતચીત દરમિયાન બે મિત્રો વચ્ચે ધમાલ મચી જતાં એક બીજા પર પાઇપ, પથ્થર, લાકડીથી હુમલો કરવામાં આવતાં ત્રણને ઇજા થઇ હતી. ં પોલીસે હંસરાજનગરના ભાનુશાળી યુવાન અને સિંધી લોહાણા યુવાનની સામ-સામી ફરિયાદ નોંધી છે.

આ બારામાં હંસરાજનગર-૩માં રહેતાં અને જંકશન સ્ટેશન રોડ પર મોમાઇ પાન નામે દૂકાન ચલાવતાં પ્રકાશ હરિશભાઇ રામાણી (ભાનુશાળી) (ઉ.વ.૩૬)ની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે હંસરાજનગરમાં જ રહેતાં મુકેશ જેઠવાણી, દેવીદાસ જેઠવાણી અને જ્યોતિબેન સામે ગુનો નોંધ્યો છે.

પ્રકાશ રામાણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું અને મારા કાકા મનહરલાલ રામાણી અમારી દૂકાને હતાં તે વખતે કાકા દૂકાન બહાર હતાં. બાજુમાં આવેલી વાળંદની દૂકાનમાંથી મુકેશભાઇ બહાર નીકળતાં મારા કાકાએ તેને બોલાવી કહેલુ કે તમારા ભત્રીજા સાથે અગાઉ ભાગીદારીમાં ગેસ લાઇટરનો ધંધો કર્યો હતો તેના ૪૨ હજાર અમારે લેવાના છે. અત્યારે પૈસાની જરૂર છે તો તમારા ભત્રીજાને કહો કે પૈસા આપી દે.

આવાત સાંભળી મુકેશભાઇએ મારા કાકાને 'પૈસા નથી, તારાથી થાય એ કરી લે' કહી ગાળો દઇ ઢીકા-પાટુનો માર મારતાં મારા કાકાના રૂ. ૭૦૦ના ચશ્મા તુટી ગયા હતાં. હું બહાર આવી કાકાને છોડાવવા જતાં મુકેશે થોડે દૂર જઇ મોબાઇલ ફોન કરતાં તેના ભાઇ દેવીદાસ અને પત્નિ જ્યોતિબેન આવી ગયા હતાં. એ પછી ત્રણેયે મળી વધુ ઝઘડો કર્યો હતો. જ્યોતિબેને મને પકડી લીધો હતો અને દેવીદાસે ફૂટપાથ પરથી સીમેન્ટનો ધારદાર પથ્થર ઉપાડી મને માથા પાછળ મારી દેતાં ચક્કર આવી જતાં હું નીચે બેસી ગયો હતો. એ પછી મારા કોૈટુંબીક ભાઇ સુનિલભાઇને બોલાવતાં તે રિક્ષામાં બેસાડી અમને હોસ્પિટલે લઇ ગયા હતાં.

સામા પક્ષે હંસરાજનગર-૧ ભીડભંજન ડુપ્લેકસમાં રહેતાં  મુકેશ વિસનદાસ જેઠવાણી (સિંધી લોહાણા) (ઉ.વ.૪૧)ની ફરિયાદ પરથી પ્રકાશ હરિશભાઇ રામાણી, મનહરલાલ રામાણી અને સુનિલ સામે ગુનો નોંધાયો છે. મુકેશ જેઠવાણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું લોહાણાપરામાં શિવ શંકર પ્લાસ્ટીક નામે દૂકાનમાં બેસી વેપાર કરુ છું. રવિવારે સાંજે હું મારા પુત્ર મિત (ઉ.૫)ને એકટીવામાં બેસાડી જંકશન રોડ પર બાલ-દાઢી કરાવવા આવ્યાો હતો. કામ પુરૂ થતાં મિત્ર પ્રકાશ રામાણીની મોમાઇ પાન નામની દૂકાને જતાં તેણે તથા તેના કાકા મનહરલાલ અને સુનિલે આવી દોઢેક વર્ષ પહેલાના ગેસના ચુલાના લાઇટરના ધંધાનથી ભાગીદારી છુટી કર્યા પછીના લેણા નીકળતાં પૈસા તું કેમ આપતો નથી? તેમ કહેતાં મેં તેને કહેલ કે મારે તમારી પાસેથી એક લાખ લેવાના નીકળે છે, તમે કયારે આપશો? આ સાંભળી તેણે ગાસળાગાળી કરી હતી અને પ્રકાશે લોખંડના પાઇપથી હુમલો કરી મને માથામાં ઘા કરતાં લોહી નીકળી ગયા હતાં. સુનિલે મને પકડી રાખ્યો હતો. મનહરલાલે પણ લાકડી ફટકારી ઇજા કરી હતી. મેં ફોન કરતાં મારા ઘરના લોકો આવતાં હોસ્પિટલે લઇ ગયા હતાં.

એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને માયાભાઇ સાટોડીયાએ બંને ફરિયાદમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(1:05 pm IST)