Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

પ્રેમમાં નિષ્ફળ રાજકોટના રાહુલ પ્રજાપતિએ આણંદ પાસે ચાલુ આઇશરમાંથી ઠેકડો મારી જિંદગી ટૂંકાવી

કલીનર તરીકે કામ કરતો હતોઃ આઇશરમાં વતન આવી રહેલા યુવાનોના બાઇક ભરી સુરતથી જસદણ આવતી વખતે બનાવઃ યુવાન દિકરાના મોતથી આજીડેમ ચોકડીએ રહેતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૩: જસદણમાં રહી ટ્રાન્સપોર્ટની ગાડીઓમાં કલીનર તરીકે કામ કરતાં મુળ ચોટીલા પાસેના ગામના વતની પ્રજાપતિ યુવાને પ્રેમમાં નિષ્ફળતા મળતાં સુરતથી આઇશરમાં જસદણ આવતી વખતે આણંદ પાસે ચાલુ આઇશરમાંથી છલાંગ લગાવી દેતાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ રાજકોટ આજીડેમ ચોકડી પાસે તિરૂમાલા પાર્ક-૧માં રહેતાં અરવિંદભાઇ ઝવેરભાઇ નડિયાદી (પ્રજાપતિ)નો પુત્ર રાહુલ (ઉ.વ.૨૪) જસદણ રહી ટ્રાન્સપોર્ટમાં કલીનર તરીકે કામ કરતો હતો. બે દિવસ પહેલા તે એક આઇશરમાં કલીનર તરીકે સુરત ગયો હતો. ત્યાંથી વતન આવી રહેલા યુવાનોના આઇશરમાં બાઇક ભરી ડ્રાઇવર તથા રાહુલ પરત જસદણ તરફ ૬/૭ના રોજ આવી રહ્યા હતાં ત્યારે આણંદના સોજીત્રા ગામ પાસે પહોંચતા રાહુલે અચાનક જ ચાલુ ગાડીમાંથી છલાંગ મારી દેતાં ગંભીર ઇજા થઇ હતી.

તેને કરમસદની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. એ પછી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ રાત્રીના દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. વી. વી. જાડેજાએ પ્રાથમિક કાગળો કરી આણંદ પોલીસ તરફ મોકલ્યા હતાં.

મૃતક બે ભાઇમાં નાનો અને કુંવારો હતો. તેના પિતા અરવિંદભાઇ મજૂરી કામ કરે છે. તેમણે કહ્યું હતું કે પ્રેમ પ્રકરણમાં નિફષ્ળતા મળતાં રાહુલે આ પગલુ ભર્યુ હતું. મૃતદેહને અંતિમવિધી માટે ચોટીલાના દુધઇ ગામે લઇ જવાયો હતો.

(11:58 am IST)