Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

સિવિલમાં કોરોનાએ વધુ ત્રણ ભોગ લીધા

શનિવાર રાતથી રવિવાર સાંજ સુધીમાં પાંચના મૃત્યુ થયા બાદ આજે પણ સિલસિલો યથાવત : રાજકોટ જમુના પાર્ક માયાણીનગરના હર્ષાબેન વેકરીયા (ઉ.વ.૫૨), જલજીત સોસાયટીના ભાવેશભાઇ ટાંક (ઉ.વ.૫૩) તથા બોટાદ રાણપુરના ઇન્દુબેન ગોંડલીયા (ઉ.વ. ૫૮)એ કોવિડ-૧૯ વિભાગમાં દમ તોડ્યોઃ સતત મોતથી ફફડાટ

રાજકોટ તા. ૧૩: કોરોનાએ પંજો ફેલાવવાનું ચાલુ જ રાખ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ કોવિડ-૧૯માં આજે સવારે વધુ ત્રણ જીવ ગયા છે. રાજકોટના મહિલા, પ્રોૈઢ અને બોટાદના રાણપુરના મહિલાના મોત નિપજતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો છે. ત્રણેય મૃતકના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયેલા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના જમુના પાર્ક-૩માં રહેતાં વર્ષાબેન વિનોદભાઇ વેકરીયા  (ઉ.૫૨)ને કોરોનાની શંકાએ રાજકોટ સિવિલ કોવિડ-૧૯માં દાખલ કરાયા હતાં. જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે સવારે તેમણે દમ તોડી દીધો હતો.

જ્યારે બીજા બનાવમાં બોટાદના રાણપુરના ઇન્દુબેન ઘનશ્યામભાઇ ગોંડલીયા (ઉ.૫૮)નું પણ સવારે મોત નિપજ્યું છે. આ ઉપરાંત રાજકોટની જલજીત સોસાયટીમાં રહેતાં ભાવેશભાઇ જયંતિભાઇ ટાંક (ઉ.૫૦)નું પણ મૃત્યુ થયું છે.  ત્રણેય મૃતદેહને અંતિમવિધિ માટે ફાયર બ્રિગેડને સોંપવા કોવિડ-૧૯ના સ્ટાફે તજવીજ કરી હતી. નોંધનીય છે કે શનિવાર રાતથી રવિવાર સાંજ સુધીમાં કોવિડ-૧૯માં પાંચ દર્દીઓએ અંતિક શ્વાસ લીધા હતાં. જેમાં વિછીયાના ૩૦ વર્ષિય મહિલા, ધારીના ૭૦ વર્ષના વૃધ્ધ, મોરબીના ૫૯ વર્ષના વૃધ્ધ, સુરેન્દ્રનગરના ૬૨ વર્ષના વૃધ્ધ તથા ગોંડલ ગોમટાના ૮૫ વર્ષના વૃધ્ધનો સમાવેશ થાય છે. આજે સવારે વધુ ત્રણ દર્દીના મોત થતાં કોવિડ-૧૯માં દોડધામ મચી ગઇ હતી.

(2:48 pm IST)