Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ડેલો ભાડે રાખી ઇમિટેશનનું કામ ચાલુ કર્યુ, લોકડાઉનમાં મજૂરો જતાં રહેતાં મોૈલિક પટેલે ૮ લાખનો દારૂ ઉતાર્યો!

અગાઉ બે વખત પકડાતાં દારૂનો ધંધો મુકી દીધો'તોઃ આર્થિક ભીંસ ઉભી થતાં ફરી જથ્થો ઉતાર્યોઃ 'કટીંગ' થાય એ પહેલા ક્રાઇમ બ્રાંચનો દરોડો

એએસઆઇ જયુભા પરમાર, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા અને જે. પી. મેવાડાની બાતમી પરથી રાંદરડા તળાવ પાસે દરોડો

 

રાજકોટ તા.૧૩: વિદેશી દારૂનો વધુ એક મોટો જથ્થો પકડી લેવામાં ક્રાઇમ બ્રાંચને સફળતા મળી છે. આજીડેમ ચોકડીથી આગળ રાંદરડા તળાવની સામે દિનદયાળ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા નવિનભાઇ પટેલના કારખાના શેડમાં દારૂનો મોટો જથ્થો ઉતર્યો હોવાની અને 'કટીંગ' થવાનું છે તેવી બાતમી ક્રાઇમ બ્રાંચના એએસઆઇ જયુભા પરમાર, હેડકોન્સ. પ્રતાપસિંહ ડી. ઝાલા અને જે.પી. મેવાડાને મળતાં દરોડો પાડવામાં આવતાં અંદરથી રોયલ સ્ટેગ, ઓફિસર્સ ચોઇસ, બ્લેન્ડર્સ પ્રાઇડ, રોકફોર્ડ, મેકડોવેલ્સ નંબર-૧, રોયલ ચેલેન્જ સહિતની બ્રાન્ડનો રૂ. ૭,૮૧,૪૬૦નો ૧૫૦૮ બોટલ દારૂ મળતાં આ દારૂ ઉતારનારા મોૈલિક ઉર્ફ ભોલો ચંદુભાઇ કાકડીયા (પટેલ) (ઉ.૨૯-રહે. નવા થોરાળા-૯, શાળા નં. ૨૯ પાછળ)ને પકડી લઇ દારૂ, એકટીવા મળી કુલ રૂ. ૮,૧૧,૪૬૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ એચ. સરવૈયાની સુચના મુજબ પીઆઇ એચ. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ એએસઆઇ વિજયસિંહ ઝાલા, જયુભા પરમાર, રાજદિપસિંહ ગોહિલ, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, જે. પી. મેવાડા, હરદેવસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. એભલભાઇ બરાલીયા, સ્નેહભાઇ ભાદરકા, સોકતખાન ખોરમ, પરેશગીરી, સુર્યકાંતભાઇ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે જયુભા, પ્રતાપસિંહ અને જે. પી.ની બાતમી પરથી દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ સુત્રોના કહેવા મુજબ મોૈલિક ઉર્ફ ભોલો અગાઉ નવસારી અને રાજકોટમાં દારૂના જથ્થા સાથે પકડાયો હતો. પછી આ ધંધો મુકી દીધો હતો અને ઇમિટેશનનું કામ શરૂ કર્યુ હતું. આ કામ માટે નવીનભાઇ પટેલનો શેડ રૂ. ૬૦૦૦ના ભાડાથી રાખી પરપ્રાંતિય મજૂરોને કામે રાખી ઇમિટેશનની ભઠ્ઠી ચાલુ કરી હતી. પરંતુ લોકડાઉનમાં મજૂરો જતાં રહેતાં અને હાલમાં કામ ધંધો બંધ હોઇ ફરીથી જૂની લાઇન પકડી હતી અને એક દારૂનો જથ્થો મંગાવ્યો હતો. જો કે કટીંગ થાય એ પહેલા ક્રાઇમ બ્રાંચે પકડી લીધો હતો. 'માલ' કોણ આપી ગયું? તે અંગે કોરોના રિપોર્ટ બાદ વિશેષ તપાસ થશે. (૧૪.૬)

 

(1:09 pm IST)