Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

રાજકોટ પોલીસ આપઘાતના કેસમાં ચાર ફાયરિંગની વાત

બે મિસફાયર પણ થયા હોવાની વિગત ખુલી : રવિરાજ સિવાય એએસઆઇ વિવેક સાથે એએસઆઇ ખુશ્બુને ગાઢ મિત્રતા હતી : ફ્લેટની ચાવી કુછડીયા પાસે

અમદાવાદ, તા.૧૩ :  રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના મહિલા એએસઆઇ ખુશ્બુ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યાના કેસમાં એક પછી એક રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. પોલીસની તપાસમાં આજે એવી ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે, મહિલા એએસઆઇ ખુશ્બુ અને મૃતક કોન્સ્ટેબલ રવિરાજસિંહને પ્રેમપ્રકરણ તો હતું જ પરંતુ તેના સાથી બેચના એએસઆઇ વિવેક કુછડીયા સાથે પણ ખુશ્બુને ગાઢ મિત્રતા હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. રાજકોટના આવાસ ક્વાર્ટરમાં ખુશ્બુ જ્યા ભાડે રહેતી તેના ફ્લેટની એક ચાવી વિવેક કુછડીયા પાસે પણ રહેતી હોવાની વાત સામે આવી રહી છે. હવે પોલીસે સમગ્ર મામલે સીસીટીવીના આધારે બહુ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. કારણ કે, તેમાં પણ કેટલીક નવી વાતો સામે આવી છે. જે દિવસે બનાવ બન્યો તેની આગલી રાતે ખુશ્બુ, રવિરાજસિંહ બંને એક કારમાં અને બીજી કારમાં વિવેક કુછડીયા અને તેની પત્ની તેના ફ્લેટની બાજુમાં આવેલી આઇડીબી હોટેલમાં જમવા ગયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. પોલીસે ચારેય જમવા ગયા હતા તે હોટલના સીસીટીવી કબ્જે કર્યા છે. કોન્સ્ટેબલ રવિરાજસિંહ અને મહિલા એએસઆઇ ખુશ્બુની ગોળી મારેલી હાલતમા લાશ મળી આવી હતી. આ બનાવમાં બન્નેને એક-એક ગોળી વાગી છે. ખુશ્બુને માથાના વચ્ચેના ભાગમાં ગોળી વાગી છે, આપઘાત કરે તો કોઇ ત્યાં ગોળી ન મારે તેવું એફએસએલનું પ્રાથમિક તારણ છે. આ બનાવમાં ખુશ્બુની હત્યા થયાની પૂરેપૂરી શંકા વ્યક્ત થઇ રહી છે. રવિરાજ અને ખુશ્બુ વચ્ચે ઝઘડો થયો હોય અથવા ત્યાં ત્રીજી વ્યક્તિ સાથે હોય તેવું પણ બની શકે. પોલીસ માટે આ તપાસનો વિષય બન્યો છે, કારણ કે બન્નેને એક-એક ગોળી વાગી છે તો બીજા બે રાઉન્ડ મિસ ફાયરિંગ થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જો મિસફાયર થયા હોય તો મારનાર વ્યક્તિને લાગ ન મળ્યો હોય અને સામેવાળાએ બચાવ કર્યો હોય તો આવું બની શકે. બનાવના આગલા દિવસે રવિરાજસિંહના ઘરેથી તેને ફોન કરવામાં આવતા હતા. પરંતુ તેનો ફોન સતત નો રિપ્લાય થતા તેના સાળાએ તપાસ શરૂ કરી હતી અને રવિરાજસિંહ ખુશ્બુના ફ્લેટ પર હોઇ શકે તે શંકાના આધારે તે ત્યાં પહોંચ્યા હતા. જેથી તેના સાળાને કઇ રીતે ખબર કે તે ખુશ્બુના ઘરે હોઇ શકે?. શું સાળો તેના બનેવી અને ખુશ્બુના સંબંધ વિશે જાણતો હતો કે કોઇએ તેને કહ્યું કે રવિરાજસિંહ ખુશ્બુના ઘરે હોઇ શકે? આમ, સમગ્ર કેસમાં અનેક સવાલો હવે ઉઠી રહ્યા છે, જે ગંભીર તપાસનો વિષય છે. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત મુજબ, બુધવારે રાતે રવિરાજસિંહ, ખુશ્બુ, વિવેક અને તેની પત્ની બનાવ બન્યો તે આવાસ ક્વાર્ટરની બાજુમાં આવેલી આઇડીબી રેસ્ટોરામાં જમવા ગયા હતા અને પાછા ફર્યા પછી રાતે ૧૧.૩૦ આસપાસ સુધી ચારેય વચ્ચે હસી મજાક ચાલી હતી. એએસઆઇ કુછડીયા ગયા પછી રવિરાજસિંહ કાલાવડ રોડ આશાપુરા હોટલે પાનની કેબિનેથી ચીજવસ્તુ લઇને ફરી ફ્લેટ પર પહોંચ્યા હતા. રવિરાજ પાસે ક્રેટા કાર હોવાનું પણ સુત્રો જણાવી રહ્યાં છે. પોલીસે હવે આ કેસમાં તમામ પાસાઓને ધ્યાનમાં લઇ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(8:29 pm IST)
  • ગોવા પ્રધાનમંડળમાં ફેરફાર કોંગીમાંથી કુદકો મારી ને ભાજપમાં આવેલ ૩ને પ્રધાનપદું: ગોવા મંત્રી મંડળમાં આજે ફેરફાર, કોંગ્રેસમાંથી ભાજપામાં જોડાયેલ ૧૦માંથી ૩ ધારાસભ્યો મળશે પ્રધાન પદ access_time 1:39 pm IST

  • લેહ-લડાખમાં ચીને ફરી તનાવ સર્જયોઃ જમ્મુ-કાશ્મીરના લેહ-લડાખના ડેમ ચોકમાં ચીને સૈનીકો મોકલીને ચીને ફરી એકવાર અવળ ચંડાઇ કરી છે. access_time 1:40 pm IST

  • સોમનાથ દાદાને સોનુ-ચાંદી ચડાવતા પહેલા ધ્યાન રાખજોઃ સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓએ શ્રધ્ધાળુઓને સોના અને ચાંદીના દાગીના ધરાવતા પહેલા હોલમાર્ક ચેક કરવા વિનંતી કરી. access_time 1:39 pm IST