Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

હરીપર પાળની દેવીપૂજક મહિલાના નાક-કાન તેના પ્રેમી નહિ પણ પતિએ જ કાપી નાખ્યા'તાઃ પતિની ધરપકડ

કૌટુંબીક જમાઈ અમરશી દેવીપૂજક સાથેના પ્રેમ સંબંધનો ભાંડો ફૂટી જતા પતિ કેશુ વિફર્યોઃ બાદમાં તેનુ નામ આપવાના બદલે તેના પ્રેમીનું નામ આપવાની ધમકી આપી'તી

રાજકોટ, તા. ૧૩ :. રાજકોટની ભાગોળે ઈશ્વરીયા ગામની વીડીમાં બે દિ' પૂર્વે હરીપર પાળની દેવીપૂજક મહિલાના નાક અને કાન પ્રેમીએ કાપી નાખ્યાની ઘટનામાં રોજ નવા ફણગા ફુટી રહ્યા છે. ગઈકાલે આ મહિલાના નાક અને કાન તેના પ્રેમી કૌટુંબીક જમાઈએ જ કાપી નાખ્યાનંુ બહાર આવ્યુ હતુ પરંતુ પોલીસ તપાસમાં આ મહિલાના નાક અને કાન તેના પતિએ જ કાપી નાખ્યાનું ખુલતા તેને સકંજામાં લઈ પૂછતાછ હાથ ધરાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ હરીપર પાળ રણુજાની ધાર પાસે રહેતી અને ભંગાર વિણવાનું કામ કરતી વનિતાબેન કેશુભાઈ દેવીપૂજક (ઉ.વ. ૩૬)ને ૩ દિ' પહેલા નાક-કાન કાપેલી હાલતમાં રાજકોટ સિવીલ હોસ્પીટલમાં દાખલ થઈ હતી. જ્યાં તેણે પોલીસ સમક્ષ એવી કેફીયત આપી હતી કે, ખંભાળા-ઈશ્વરીયા ગામની વીડીમાં પ્રેમી સાથે લગ્ન કરવાના ઈરાદે ભાગી ગયા બાદ બન્ને વચ્ચે ઝઘડો થતા પ્રેમી સલીમે તેના નાક-કાન કાપી નાખી ભાગી છૂટયો હતો. આ બનાવ અંગે હદ બાબતે વિવાદ થયા બાદ આ બનાવ પડધરી પોલીસ મથકની હદમાં બન્યો હોવાનું જાહેર થતા ગઈકાલે પડધરીના પીએસઆઈ જે.વી. વાઢીયાએ ઈજાગ્રસ્ત દેવીપૂજક મહિલાની ફરીયાદ લેતા નવો ફણગો ફુટયો હતો. જેમાં વનિતાબેન દેવીપૂજકે પોલીસ સમક્ષ અગાઉનું નિવેદન ફેરવી તોળી એવી કેફીયત આપી હતી કે તેના નાક-કાન સલીમ નામના પ્રેમીએ નહિ પણ તેના પ્રેમી કૌટુંબીક જમાઈ અમરશી વેલાભાઈ પરમાર દેવીપૂજકે કાપી નાખ્યા હતા. વનિતા દેવીપૂજકની ફરીયાદ પરથી પડધરી પોલીસે અમરશી દેવીપૂજક તથા તેનો ભાઈ રાજુ રહે. બન્ને નાની ખાવડી, તા. લાલપુર, જિલ્લો જામનગર સામે ગુન્હો દાખલ કરી પ્રેમી અમરશીની પોલીસે પૂછતાછ કરતા પોતે કંઈ ન જાણતો હોવાનુ રટણ કરતા પોલીસ મુંઝવણમાં મુકાઈ હતી.

દરમિયાન પડધરીના પીએસઆઈ જે.વી. વાઢીયા તથા રાઈટર યુવરાજસિંહએ ઈજાગ્રસ્ત મહિલા વનિતા દેવીપૂજકની તથા તેના પતિ કેશુની કડક પૂછપરછ કરતા અંતે વનિતાએ તેના નાક-કાન પતિ કેશુ દેવીપૂજકે કાપી નાખ્યાની કબુલાત આપી હતી. પત્નિ વનિતાના કૌટુંબીક જમાઈ સાથેના પ્રેમ સંબંધનો ભાંડો ફુટી જતા તેમજ અગાઉ પણ વનિતાના પ્રેમ સંબંધના ડખ્ખાથી કંટાળી જઈ પતિ કેશુએ પત્નિ વનિતાના નાક-કાન કાપી નાખ્યા હતા અને પોલીસમાં પ્રેમીનુ નામ લખાવાની ધમકી આપતા વનિતાએ તેના પ્રેમીના ખોટા નામો પોલીસ ફરીયાદમાં લખાવ્યા હતા.

પડધરી પોલીસે પત્નિના નાક-કાન કાપી લેનાર પતિ કેશુ દેવીપૂજકની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

(4:15 pm IST)