Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

એટમ બોંબમાં ઉપયોગમાં લેવાતા કેમીકલમાંથી દોરેલ ચિત્રોનું પ્રદર્શન!!!

ધિમહી ઈન્ટીરીયર્સ દ્વારા તા.૨૫,૨૬,૨૭ના રોજ નિરાલી રીસોર્ટ ખાતે આયોજનઃ દિવસ અને રાત્રે અલગ કલરમાં દેખાશે ચિત્રોઃ દેશભરના ૩૫-૪૦ કલાકારો દ્વારા ભગવાન બુધ્ધની થીમ ઉપર ચિત્રો બનાવશેઃ ખ્યાતનામ આર્ટીસ્ટો રાજકોટના મહેમાન બનશે

રાજકોટ,તા.૧૩: ''એટમ'' બોંબ, નામ સાંભળતા જ દરેકના મનમાં ભય- બીક ઉભી થઈ જાય અને જાપાનના હિરોસીમા- નાગાસાકી શહેરો ઉપર બીજા વિશ્વયુધ્ધ દરમિયાન વરસાવાયેલ બોંબરૂપી મોતની યાદ કંપારી છોડાવી દે અને જો તમારી સામે પડેલી પેન્ટીંગ ''એટમ બોંબ'' બનાવવામાં ઉપયોગ થતા એક કેમીકલમાંથી બની હોય તો?

સ્વાભાવીક છે કોઈપણ વ્યકિત તે ચિત્રને હાથ લગાડવાની વાત તો દુર ત્યાંથી દુર જ ભાગી જાય, પણ કહેવાય છે ને કે એક સીકાકાની બે બાજુ હોય તેવી જ રીતે ''એટમ બોંબ''માં ઉપયોગમાં લેવાતા ''સોલવન્ટ સોલીબલ'' કેમીકલના ઉપયોગથી બનાવાયેલ ચિત્રોનું પ્રદર્શન- વેચાણ રાજકોટમાં યોજાવા જઈ રહ્યું છે.

ધિમહી ઈન્ટીરીયર્સના નિલ વિસપરા દ્વારા આર્ગેનાઈઝ ''આવકાર- ૨૦૧૯''માં  કઈક અલગ કરવાની નેમ સાથે પેઈન્ટીંગ એકઝીબીશનનું તા.૨૫- ૨૬- ૨૭ જુલાઈના રોજ નિરાલી રીસોર્ટ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રદર્શન નિહાળવા માટે એન્ટ્રી નિઃશુલ્ક રખાઈ છે.

ઈન્ટીરીયર ડીઝાઈનર એવા નિલ વીસપરા (મો.૭૯૯૦૫ ૮૦૭૭૫)એ ''અકિલા'' ખાતે મુલાકાત દરમિયાન જણાવેલ કે એટમ બોંબ બનાવવા ઉપયોગમાં લેવાતા કેમીકલ સોલવન્ટ સોલીબલની નકારાત્મકતાનો પરચો જાપાનમાં મળ્યો છે, પણ તેની સાચી દિશામાં હારાત્મક ઉપયોગ પણ છે તે અમને કંઈક અલગ કરવાની વાત સાથે જાણવા મળ્યું.

આ કેમીકલ વિશે જાણ્યું અને ત્યાર બાદ અમે તેના ઉપયોગ દ્વારા ચિત્ર બનાવવાનું નકકી કર્યુ પણ પછી કઈ થીમ પસંદ કરવી તે અંગે વિચારવા લાગ્યા. તેવામાં અમને થયું કે આપણે કેમીકલની સારી બાજુ બતાવવા માંગીએ છીએ તો શાંતિ ઉપર ચિત્રો બનાવીએ અને એ માટે ભગવાન બુધ્ધના ચિત્રો દોરવાનું નકકી કર્યુ. આ અંગે દેઁશભરના ૩૦ થી ૪૦ કલાકારોનો સંપર્ક કર્યો અને તેઓ આ પ્રદર્શનમાં ભાગ લેશે.

''આવકાર- ૨૦૧૯''માં ખાસ તો કલાકારોને પ્લેટફોર્મ મળી રહે અને તેમની કલા દેશમાં ઉજાગર થાય તેવા હેતુથી આ પ્રદર્શન યોજાય રહ્યું છે. નિલ પોતે પણ છેલ્લા ૮- ૧૦ વર્ષથી કલાક્ષેત્રે  પણ કાર્યરત છે. નિલ વિસપરાએ વધુમાં જણાવેલ કે અમે ૬ મહિના આ કેમીકલ મેળવવા કેન્દ્ર સરકાર સાથે વાતચિત કરી. સોલવન્ટ સોલીબલ  કેમીકલ ખુબ જ ખતરનાક હોવાથી તેના માટે ઘણી બધી પરવાનગીઓ લેવી પડે છે અને તેનો ઉપયોગ કયાં કરવાનો છે એ અંગેની બાંહેધરી પણ આપવી પડે છે. આ પેન્ટીંગ એકઝીબેશનમાં કેમીકલના ઉપયોગથી દોરાયેલ ચિત્રો ઉપરાંત, કાચના ટુકડા, લીમડાના થડની ચામડી, સીંદરી અને દરિયાઈ રેતી ઉપરના કલરના પ્રયોગો લોકોને નિહાળવા મળશે.

કેમીકલ અંગે માહિતી આપતા આયોજકોએ જણાવેલ કે કેમીકલને સીધુ હાથમા લેવાથી કે શરીરને અડવાથી નુકશાન થઈ શકે છે પણ અમે તેના હકારાત્મક ઉપયોગ માટે બીજા કેમીકલો બનાવ્યા છે અને સોલવન્ટ સોલીબલ સાથે તે મિકસ કર્યા બાદ કોઈપણ પ્રકારનો ખતરો રહેતો નથી. મિકસ કરતી વખતે અમે ખુબ જ કાળજી લઈએ છીએ. પણ એક વખત કલર સાથે કેમીકલ મિકસ કરી લઈને પેસ્ટ બનાવીએ એટલે તે સામાન્ય થઈ જાય છે.

ભારતમાંથી ગુજરાત સહિત મધ્યપ્રદેશ જબલપુર, દિલ્હી, પુના, મુંબઈના કલાકારો ચિત્ર બનાવવા રાજકોટ આવશે. આ કલાકારોમાં યુવાથી માંડી સીનીયર કક્ષાના આર્ટીસ્ટો પણ ભાગ લેવાના છે. ભારતમાં સૌ પ્રથમવાર આ પ્રકારનું પ્રદર્શન યોજાતું હોવાનું પણ આયોજકોએ જણાવેલ.

આયોજકોએ અંતમાં જણાવેલ કે કેમીકલ મુળભુત રીતે સફેદ હોય છે અને તે નમક જેવું જ દેખાય છે. અમે તેમાં ગ્રીન, બ્લુ, યલો અને પીંક સોલીબર એક પ્રકારનું પ્રકાશના આધારે ચમકતુ કેમીકલ છે અને એટલે જ તેનાથી દોરાયેલ ચિત્રનો દિવસે અને રાત્રે અલગ કલર દેખાય છે.

''અકિલા'' કાર્યાલય ખાતે મુખ્ય આયોજક નિલ વિસપરા, કમિટી મેમ્બરો દ્રુમિ શાહ તથા સિમ્મી મહેતા હાજર રહેલ.

(3:49 pm IST)