Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

પ્લે હાઉસમાં પ્રવેશ લીધાના પ્રથમ દિવસે જ બે વર્ષના વિવાનને લાફા માર્યાઃ બે શિક્ષીકા વિરૂધ્ધ આક્ષેપ

પ્રહલાદ પ્લોટના નિરવભાઇ રાણીંગા કહે છે-દિકરો ઘરે આવી ખુબ રડતો હોઇ પુછતાછ કરતાં માર મરાયાની ખબર પડીઃ ડોકટરોએ કાનના પરદામાં ઇજા હોવાનું કહ્યું: જો કે શિક્ષીકાઓ કોઇપણ જાતની મારકુટ નહિ થયાનું કહે છે

જેને પ્લે હાઉસમાં માર મારવામાં આવ્યાનો આક્ષેપ કરાયો છે તે માસુમ બાળક વિવાન જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૩: પેલેસ રોડ પર પ્રહલાદ પ્લેટ-૧૫માં રહેતાં અને ફિલ્મ મેકીંગનું કામ કરતાં નિરવભાઇ મહેશભાઇ રાણીંગા (સોની)ના પુત્ર વિવાન (ઉ.વ.૨)ને    પ્લે હાઉસમાં એડમિશનના પહેલા જ દિવસે બે શિક્ષીકાએ લાફા મારતાં સારવાર માટે દાખલ થતાં પોલીસને જાણ કરાઇ હતી. કેનાલ રોડ પરના શ્રીજી પ્લે હાઉસમાં માસુમને ફડાકા મારવામાં આવ્યાનો આક્ષેપ કરવામાં આવતાં તપાસ થઇ રહી છે.

વિવાનને રાત્રે સિવિલ હોસ્પિટલમાં ગાલ-કાનમાં દુઃખાવાની ફરિયાદ સાથે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. અહિ તબિબની પ્રાથમિક પુછતાછમાં વિવાનને શ્રીજી પ્લે હાઉસમાં ગીતાબેન અને હેતલબેને ગાલે લાફા માર્યાનું જણાવાતાં તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. મહેન્દ્રભાઇ પરમારે એ-ડિવીઝન પોલીસ મથકમાં એન્ટ્રી નોંધાવી હતી.

વિવાનના પિતા નિરવભાઇ રાણીંગા ફિલ્મ મેકીંગનું કામ કરે છે. તેણે જણાવ્યું હતું કે હજુ તો ગઇકાલથી જ દિકરા વિવાનને શ્રીજી પ્લે હાઉસમાં બેસાડાયો હતો. સવારના દસથી અગિયારનો ટાઇમ હતો. પણ તે ઘરે આવ્યા બાદ રડતો હતો અને દુઃખે છે...દુઃખે છે...તેવું કાલીઘેલી ભાષામાં કહેતો હતો. તેમજ ગાલ પર હાથ રાખી હત્તા કર્યુ....એવું બોલતો હોઇ તેને પ્લે હાઉસમાં કોઇએ માર માર્યાની શંકા ઉપજી હતી.

અમે સિવિલ હોસ્પિટલમાં વિવાનને દાખલ કરતાં તબિબોએ કાનના પરદામાં ઇજા હોવાનું જણાવ્યું હતું. વિવાને ગાલ પર આંગળાના નિશાન પણ દેખાતા હતાં. જો કે અમે પ્લે હાઉસમાં જઇ વિવાનને કોઇએ મારકુટ કરી છે કે કેમ? તે બાબતે પુછતાં શિક્ષીકાઓએ પોતે કોઇ મારકુટ કરી નહિ હોવાનું કહ્યું હતું. પોલીસ આ બાબતે તપાસ કરી સત્ય બહાર લાવે તેવી અમારી માંગણી છે. પરમ દિવસે જ અમે દિકરાનું એડમિશન લીધું હતું. આ બનાવ પછી અમે ત્યાંથી એડમિશન રદ કરાવી લેતાં અમને ત્રણ હજાર ફી પાછી આપી દેવામાં આવી હતી. તેમ વધુમાં નિરવભાઇ રાણીંગાએ જણાવ્યું હતું.

(11:28 am IST)